વિધાનસભા સત્ર બાદ ખેડૂતો માટે નવી રાહત જાહેર કરાશે- નીતિન પટેલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાહેરાત કરી હતી કે, ગુજરાત વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્ર બાદ રાજ્યના ખેડૂતો માટે વિશેષ જાહેરાત કરવામાં આવશે. આના કારણે રાજ્યના ખેડૂતોને ફાયદો થશે. ગુજરાતના ખેડૂતો માટે સરકાર ઘણા બધા નિર્ણયો પહેલાથી જ કરી ચુકી છે. નીતિન પટેલના કહેવા મુજબ સરકાર ખેડૂતોના હિતમાં સતત નિર્ણય લઇ રહી છે. આગામી દિવસોમાં પણ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.

નીતિન પટેલે કહ્યું હતું કે, વિધાનસભામાં કોંગ્રેસ જુદા જુદા વિષયો ઉપર વિરોધ કરે છે. ખેડૂતોનું નામ આગળ ધરીને ભાજપ સરકારનો વિરોધ કરવામાં આવે છે. અમારી કામગીરી સામે કોંગ્રેસ ભૂતકાળની કામગીરીની સરખામણી કરે તો તમામ બાબત સ્પષ્ટ થઇ જશે. અમે ૨૨ વર્ષમાં એક પણ  વખત ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો નથી અને ગોળીબાર પણ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવતા હતા. કોંગ્રેસી લોકોએ ભૂતકાળમાં ધ્યાન આપીને આ મુદ્દે ધ્યાન આપવું જોઇએ.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ દશકો સુધી શાસન કર્યું હતું પરંતુ નર્મદા યોજના મામલે કંઇપણ કરવામાં આવ્યું ન હતું. સૌરાષ્ટ્રના છેવાડાના ગામ સુધી અમે પાણી પહોંચાડી રહ્યા છીએ. ખેડૂતોને મહત્તમ પાણી મળે તેવા પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ખુબ જ ઉપયોગી બની રહેલી ડ્રિપ ઇરિગેશન સિંચાઈ પદ્ધતિ મારફતે ૭૦થી ૮૦ ટકા સબસિડી ખેડૂતોને આપવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં ક્યારે પણ રસ રહ્યો નથી પરંતુ રાજકીય લાભ લેવા માટેના પ્રયાસો કોંગ્રેસ પાર્ટી કરતી રહે છે. શાંતિમાં ખલેલ ઉભી કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. ખેડૂતોને ફાયદો મળે તેવી જાહેરાત અમે કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ.

Share This Article