નાતજાતના વાડામાંથી બહાર આવવા જરૂરઃ આનંદીબેન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે જામનગર જિલ્લાના વીજરખી પાસે નવનિર્મિત વાત્સલ્યધામનું લોકાર્પણ કર્યું હતું.

ગુરૂપૂર્ણિમાંના અવસરે ગુરૂના આશિર્વાદ વગર કોઈપણ કાર્ય સિદ્ધ થતું નથી તેમ જણાવતા ગુજરાતના પૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેને કહ્યું હતું કહું કે મુનિ વેદવ્યાસના જન્મ દિવસને ગુરૂપૂર્ણિમાં તરીકે ઉજવવામાં આવે છે. આ વાત્સલ્યધામનું નિર્માણ ખરેખર અભિનંદનને પાત્ર છે. માતા-પિતા પહેલા પોતાના દિકરાનું અવસાન થાય તેવું કોઈએ પણ વિચાર્યું ન હોય. રાજનભાઈ જાનીના પુત્રનું અવસાન થતા તેઓએ તેમની પુત્રવધુને દિકરી ગણીને પરણાવી તે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ આપતું કાર્ય કર્યું છે. આનાથી સમાજને પ્રેરણા મળશે. ભારત આજે સમગ્ર વિશ્વમાં એક શક્તિશાળી દેશ તરીકે આગળ વધી રહ્યો છે.

લોકોને નાત-જાતના વાડામાંથી બહાર આવવા આનંદીબેને અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય લોકો ખૂબ ઝડપથી વિકસિત થઈ રહ્યા છે. દરેક યુવા સમાજને પોતાના માતા-પિતા સાથે રહેવા ટકોર પણ કરી હતી અને નિરાધાર અને નિઃસંતાન પરિવારોને જે સુખમય જીવન આપવાનું ભાગીરથ કાર્ય રાજનભાઈ તરફથી કરાયું છે તેમને તેઓ અભિનંદન પાઠવે છે.

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રધાનમંત્રી મુદ્રા યોજના થકી સાત લાખ રૂપિયાની લોન લઈ બેકરીનો કારોબાર શરૂ કરનાર મુસ્લિમ યુવાનનો દાખલો આપ્યો હતો અને કહ્યું હતું કે આ યુવાને આજે ૧૨ યુવાનોને રોજગારી આપી છે.

Share This Article