અમદાવાદ: નવરાત્રી ઉત્સવ દરમિયાન દૂરદર્શન દ્વારા પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમદાવાદમાં જીએમડીસી મેદાન ઉપર વાઈબ્રન્ટ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું જીવંતપ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ વખત શેરી ગરબાનું પણ જીવંત પ્રસારણ કરાશે. આદ્યશક્તિમાં અંબાની આરધના માટે ગુજરાતની સંસ્કૃતિમાં વણાયેલી તમામ ભાતિગળ પરંપરાનું દર્શન નવલાં નોરતાં દરમિયાન દુરદર્શન તરફથી કાર્યક્રમ દ્વારા કરાવશે. અમદાવાદના જીએમડીસી મેદાન પર દર વર્ષે થતું ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન આ વખતે પણ લાઈવ થવાનું છે.
દરરોજ રાત્રે ૧૦થી ૧૧ દરમિયાન વિવિધ રાસમંડળીઓને અને ગરબે ધુમતી ગુજરાતણોને લાઈવ નિહાળી શકાશે. ગરબે રમવાની ભાતિગળ પરંપરાને એક સાથે ટીવીના પરદે ગુજરાતને ઉપલબ્ધ કરાવવા માટે ડીડી તરફથી કચ્છ, પોરબંદર, જામનગર, કડી સાથોસાથ અમદાવાદની વિવિધ પોળના શેરી ગરબાનું રોજ રાત્રે ૯.૩૦ થી ૧૦ વાગે જીવંત પ્રસારણ કરવામાં આવશે. નવરાત્રિ વિશેષમાં દુરદર્શન તરફથી લોકપ્રિય લોકગાયકોના કંઠે ગવાયેલા ગરબાનો ભક્તિ રસથાળ, દર્શકો માટે તૈયાર કરાયો છે.
નવરાત્રિ વિશેષને માત્ર શક્તિવંદના સુધી સમિતિ નહીં રાખતા ડીડી તરફથી આ વર્ષે ગરબે ધુમવાની કળા શીખવતો કાર્યક્રમ પણ રજુ થશે જેમાં ગરબાના વિવિધ સ્ટેપ્સ વિશે માહિતી અપાશે. ગરબો લેવાની કળામાં પ્રયોગ તરીકે વણાયેલી ગોળાકારમાં પણ અલગ અલગ આકાર રચતી ગુંથણીઓ પ્રસ્તુત કરતા ગરબા પણ દર્શાવાશે