કાયદો આજકાલ બહુ ચર્ચામાં છે. રસ્તા પર છે તોય વળી ઠાઠમાં લેર કરે છે. હું તો કહું છું નવલાં નોરતાં જ્યાં સુધી ચાલે ત્યાં સુધી કાયદાઓ પણ જરા નોરતાંની તરફેણમાં કરી દેવા જોઈએ. કારણ કે નોરતાનું નામ સાંભળી મને હરખ તો બહુ થાય પણ અમુક લોકો એવા પણ હોય જે બધો હરખ ખાબોચિયામાં બેસાડી દે. એવું ન થાય એટલે વધારે નહીં બસ નવ જેટલાં ફેરફારો છે જે મારા ધ્યાનમાં આવ્યાં છે અને તેને નવરાત્રી પૂરતા શાંતિ જળવાય રહે તે માટે લાગુ પાડવા જોઈએ. તમને લાગે તો તમે પણ તમારા સૂચનો જોડી શકો.
- નવરાત્રિમાં જવા માટે સમયસર તૈયાર થઈને રેહવું. મોડાં તૈયાર થાય, સજવા સવરવામાં વધુ વિલંબ સજાને પાત્ર થશે.
આ એ લોકો માટે જે પછી મેદાનમાં જઈને તો એમ જ ડુંફાસુ મારે કે કઈ તૈયાર નથી થઈ, સમય જ ન મળ્યો. અરે બેન તારી પાછળ રાહ જોવામાં આખા ગ્રુપની કલાક બગડી અને ગરબાનો સમય વેડફ્યો એ અલગ.
2 જો વ્યક્તિ ગુજરાતી છે અને ગરબા ન આવડતા હોય તો તેનો ડીએનએ ટેસ્ટ કરાવવો અને ગુજરાતી હોવાનું પ્રમાણ મેળવવું.
3 સર્કલમાં ગરબા રમતી વખતે જે સર્કલમાં ત્રાંસા ત્રાંસા ભાગે એવા લોકોએ અલગથી પોતાનું ગ્રૂપ બનાવી રમવાનું રહશે. જો બીજાને નડવા કે ઠેશ વગાડવા પાછા આવે તો આવતા ત્રણ વર્ષ સુધી જે તે વ્યક્તિ પર ગરબા રમવા પર પ્રતિબંધ લાગી શકે છે.
4 ઓળખાણ હોય તો ઓછા ભાવે પાસનું કરી આપવાનું રહશે. (ભવિષ્યમાં આ બાબતનો ઉલ્લેખ કરી સામે વાળી વ્યક્તિને નાનપ અનુભવે એવું કરવું નહીં.)
5 રાત્રે 12 વાગ્યા સુધી નોર્મલ ગરબા અને પછી તમામ રસિયાઓએ ટાંટિયા ચાલે ત્યાં સુધી પોતપોતાના માથે હેડફોન ભેરવી ગરબા કરવાનાં રહશે. ધ્વનિ પ્રદૂષણ સામે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
6 પ્રેમી પંખીડાઓ એ ગરબા રમવા હોય તો જ ઘરની બહાર જવા પરવાનગી માંગવી. ખોટું નવરાત્રીનાં નામ પર પ્રેમ પ્રદૂષણ કરતા પકડાય તો બાપાનો પટ્ટો અને માતાજીની ચપ્પલથી દંડ ભોગવવાનો રહેશે
7 ગરબા ગ્રાઉન્ડ પર પાણીની વ્યવસ્થા વિનામૂલ્ય કરવી પડશે અથવા ગ્રાઊન્ડની મંજૂરી રદ થશે
8 નવ દિવસ ઘરની સ્ત્રી ગરબે રમી થકી જાય એટલે તેમના પતિએ પૂરો સહકાર આપવાનો રહશે. બની શકે તો ઝોમેટો અને સ્વિગી મેમ્બર્શિપ લઈ લેવી
9 નોરતાં પૂર્ણ થયા બાદ થાક ઉતારવા સ્પેશિયલ બે દિવસ આરામ માટે રજા મંજુર કરવી.
ઉપરોક્ત તમામ નિયમો માટે યથાશક્તિ અનુસાર દંડ વસૂલવામાં આવે તે યોગ્ય છે. તમારી નવરાત્રી શુભ રહે તે માટે તમે પણ આમાં શાંતિનો નિયમ જોડી શકો છો.
- પ્રિયલ