નર્મદા નીરને જોઇ મુખ્યમંત્રી વિજય રૂપાણી હરખાઇ ગયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છલકાતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે વહેલી સવારે કેવડીયા કોલોની પહોંચ્યા હતા, જ્યાં નર્મદાના નીર જોઈને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હરખાઈ ગયા હતા. મુખ્યમંત્રીએ માતાજીની ચૂંદડી અને શ્રીફળ નર્મદાના નીરમાં વહાવી નર્મદા મૈય્યાના વધામણાં કરી વંદન કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં દુષ્કાળના ઓળા દૂર થયા છે. નર્મદાના પાણી જળાશયો ભરીને ખેતીવાડી અને પીવાના પાણી માટે આપવામાં આવશે.

આગામી ૧૦-૧૫ દિવસ હજુ સારા વરસાદની આગાહી છે અને વાતાવરણ પણ સાનૂકુળ છે ત્યારે નર્મદાના ડેમ પૂર્ણ સપાટી ૧૩૮ મીટરે પહોંચશે અને સરદાર સાહેબે ૧૯૪૮માં સેવેલું સપનું સાકાર થશે તેવી અપેક્ષા પણ વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડેમના દરવાજાની અને ડેમ પૂર્ણ કક્ષાએ ભરવાની પરવાનગી આપ્યા પછી પહેલીવાર ડેમની સપાટી ૧૩૧.૫ મીટરે પહોંચી છે તે સમગ્ર ગુજરાત માટે આનંદનો અવસર છે. કેનાલ નેટવર્કમાં મહત્તમ પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગુજરાતે નર્મદા ડેમ ભરીને નેવાના પાણી મોભે ચઢાવવાની સિધ્ધિ મેળવી છે. એટલુજ નહી, સૌરાષ્ટ્ર-ક્ચ્છ-ઉત્તર-મધ્ય ગુજરાતની કેનાલ-બ્રાંચ કેનાલમાં, સુજલામ સુફલામ કેનાલોમાં, સૌની યોનાના ડેમમાં પણ આ પાણઈ છોડીને ખેડૂતોને સિંચાઇ માટે તથા લોકોને પીવા માટે પાણી ઉપલબ્ધ બનાવવામાં આવશે. સાથે સાથે ડેમના દરવાજા ખોલવાને પરિણામે નર્મદા કાંઠાના ગામો જે જિલ્લાની હદમાં આવે છે એ જિલ્લાના તંત્રને એલર્ટ કર્યું છે.

 

 

Share This Article