આણંદ: આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે બં.અ.કૃષિ મહાવિદ્યાલયના વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ હેઠળ ચાલતી અખિલ ભારતીય સંકલિત બીજ યોજના (આદિજાતિ પેટા યોજના) અંતર્ગત મશરૂમ ઉગાડવાની તાંત્રિકતાઓ અને સંગ્રહિત બીજમાં આવતી ફૂગ અને જીવાતો તેમજ તેનું નિયંત્રણ અંગેની સમજ આપતો બે દિવસીય ખેડૂત તાલીમ વર્ગ તાજેતરમાં યોજાઇ ગયો.
આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન.સી.પટેલ તાલીમ વર્ગના અધ્યક્ષસ્થાનેથી ખેડૂતોને સંબોધતાં માનવ જીવનમાં ગુણવત્તાસભર પૂરતો ખોરાક, પીવાનું ચોખ્ખું પણી અને ઓકસીજનયુકત ચોખ્ખું વાતાવરણ આ ત્રણ વસ્તુઓની તાતી આવશ્યકતા રહેલી છે, ત્યારે વર્તમાન સમયમાં દિવસે દિવસે ખેત ઉત્પાદનની પ્રક્રિયામાં પણ પરિવર્તન આવતું જાય છે. આ બદલાતી પરિસ્થિતિઓમાં માનવજીવનમાં પોષણયુકત આહાર માટે મશરૂમ ઉત્તમ છે ત્યારે ખેડૂતોએ મશરૂમની ખેતી તરફ વળવું જોઇએ. મશરૂમમાં ૨૬ થી ૩૫ ટકા પ્રોટીન હોઇ છે જે ખેતી પાકો કરતાં વધુ હોય છે. આજે વિશ્વ કુપોષણની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે આ સમસ્યા દૂર કરવામાં મશરૂમ મદદરૂપ થઇ શકે છે તેમ કહ્યું હતું.
પટેલે મશરૂમમાં પ્રોટીન, એમીનો એસિડ, વીટામીન્સ અને ખનીજ તત્વોની માત્રા સારા એવા પ્રમાણમાં રહેલી છે જે પ્રોટીન સહેલાઇથી પચી શકતું હોવાની સાથોસાથ ખૂબ જ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું હોઇ માનવ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે તેમ જણાવી તેમણે શિબિરમાં ઇએલપી કોર્ષના વિદ્યાર્થીઓ પણ હાજર હોઇ વિદ્યાર્થીઓને મશરૂમની ખેતી એ નોકરીની પૂરક બની શકે છે. તેટલું જ નહીં વિદ્યાર્થીઓને આનો વ્યવસાય કરવા માટે સબસીડી તથા લોન પણ આપવામાં આવતી હોય છે. જેથી જે વિદ્યાર્થીઓ ભણીને જો આ વ્યવસાય ક્ષેત્રે ઝંપલાવશે તો તે પોતે તો કમાણી કરી શકે છે પણ સાથે સાથે બીજાને પણ રોજગારી પૂરી પાડી શકે છે તેમ જણાવ્યું હતું.
તેમણે વિદ્યાર્થીઓને મશરૂમ અંગેનું જ્ઞાન અને તાંત્રિકતાનો ઉપયોગ કરી મશરૂમને વ્યવસાય તરીકે અપનાવી તેમાં ખૂબ જ રસપૂર્વક કામ કરતાં રહેવાની સાથોસાથ દરેક તાંત્રિકતાઓનો સ્વીકાર કરવા તૈયાર રહેવાની તેમજ સમાજ માટે એવા કામો કરો કે જેનાથી અન્યોને પ્રોત્સાહન મળશે તેવી સલાહ આપી હતી. આજ પ્રમાણે બીજસંગ્રહ દરમિયાન આવતી ફૂગ અને જીવાતોને અટકાવવા માટે વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે કાળજી રાખવી પડશે તેમ જણાવી ભારત સરકારની આ યોજના અંતર્ગત વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગને આ તાલીમ શરૂ કરવા બદલ અભિનંદન પાઠવી જ્ઞાન અને ટેકનોલોજીના આ જમાનામાં મશરૂમની ખેતી ઉગાડવાની ટેકનોલોજીનું જ્ઞાન આપવા માટેના આ તાલીમ વર્ગને બિરદાવ્યો હતો.
આ તાલીમ વર્ગનો પ્રારંભ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન.સી.પટેલ, વિસ્તરણ નિયામક ડૉ. અરૂણ પટેલ, બં.અ.કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. કે.પી.પટેલે દીપ પ્રગટાવીને કરાવ્યો હતો.
આણંદ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ નિયામક ડૉ. અરૂણ પટેલે આ પ્રસંગે મશરૂમની ખેતીમાં બહેનોને પણ આવરી લેવાની જરૂરિયાત ઉપર ભાર મૂકતાં કહ્યું હતું કે, બહેનો જો મશરૂમ ઉગાડતા શીખી જશે તો તેઓ પૌષ્ટિક ખોરાક મળી રહેવા ઉપરાંત વધારાની આવક પણ ઉભી કરી શકશે. તેમણે મશરૂમની વિદેશમાં નિકાસ કરવાની રહેલી તકોની સમજ આપતાં ખેડૂતોને વૈજ્ઞાનિકો પાસે મશરૂમની ઘણી ઉપયોગી માહિતી ઉપલબ્ધ હોય છે ત્યારે સતત તેઓના સંપર્કમાં રહેવા સુચવ્યું હતું.
બં.અ.કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. કે.પી.પટેલે મશરૂમ અંગેની તાલીમની અગત્યતા તથા બીજ સંગ્રહની તાલીમ આદિવાસી તાલીમાર્થીઓને ખૂબજ મદદરૂપ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. પ્રારંભમાં વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગના વિભાગીય વડા ડૉ. આર.એન.પાંડેએ તાલીમ વર્ગ અને તેના હેતુ અંગેની ટૂંકમાં વિગતો આપી હતી.