માતા બનવું એ દુનિયાની સૌથી મોટી ખુશીની વાત છે. જીવનમાં એક સ્ત્રી ત્યારે જ સંપૂર્ણ બને છે જ્યારે તે માતા બને છે. પોતાના બાળકોને કંઇક તકલીફ પડે ત્યારે તેમના કરતા વધારે તકલીફ માતાને થાય છે. તમારા કરતા પણ 9 મહિના વધારે તમારી માતા તમને ઓળખે છે. તમારી દરેક જીદને પૂરી કરે છે. જ્યારે પિતાને કંઇ કહેતા ડર લાગે ત્યારે માતા તમારી ફરમાઇશ પિતા સમક્ષ રજૂ કરે છે અને કોઇ પણ કામ માટે મંજૂરી મેળવી આપે છે.
સવારે ઉઠો ત્યારથી રાત્રે સૂઇ જાવ ત્યાં સુધી માતા તમારુ કેટલુ ધ્યાન રાખે છે. માતા, મમ્મી, મોમ, માઁ, અમ્મી, તલ્લી, અમ્મા, માતાને તમે કોઇ પણ નામથી સંબોધો પરંતુ તેમનો પ્રેમ અતૂટ હોય છે. તમે ક્યારેક મમ્મીની સામે કંઇ બોલી દેતા હશો અને તમને અંદાજો પણ નથી હોતો કે તેને કેટલુ દુ:ખ થાય છે. તેમ છતા જ્યારે તે તમારી સામે આવે છે ત્યારે કેટલી સહજતાથી જાણે વાત ભૂલી ગઇ હોય તેવી રીતે વર્તન કરે છે.
તમારી ખુશી માટે તેણે પોતાની ખુશીઓને કુરબાન કરી દીધી હોય છે જેની તમને જાણ પણ નથી હોતી. કેટકેટલુ સહન કરીને તમારી માતા તમને જન્મ આપે છે, તેના શરીરનો અંશ જ્યારે તેને ડંખે ત્યારે થયેલુ દુ:ખ દુનિયાના તમામ દુ:ખ કરતા વધારે હોય છે.
માતા માટેનો દિવસ એટલે મધર્સ ડે. મધર્સ ડેના દિવસે તમે દર્શાવી શકો છો કે તમારી માતાને કેટલો પ્રેમ કરો છો. આમ તો માતાને પ્રેમ કરવા માટે કોઇ દિવસની જરૂર નથી પડતી. આખી જીંદગી પણ માતાને પ્રેમ કરવા માટે ઓછી પડે છે. આ મધર્સ ડે તમે તમારી માતાને સરપ્રાઇઝ આપીને ખુશ કરી શકો છો.
- બ્યૂટિ પાર્લરમાં એપોઇમેન્ટ લઇને તમારી માતાને તમે સરપ્રાઇઝ આપી શકો.
- મમ્મીનો મોબાઇલ જૂનો થઇ ગયો હોય તો તેને નવો મોબાઇલ કે ટેબલેટ ગિફ્ટ કરી શકો.
- કિચનમાં ઉપયોગ થાય તેવી કોઇ પણ ચીજ ગિફ્ટમાં આપી શકો છો.
- ફૂલ આપવું તે સૌથી સુંદર ગિફ્ટ છે, તો તમારી માતાને ગમતા ફૂલ આપી શકો છો.
- મમ્મી પપ્પા માટે તે દિવસે બ્યૂટિફૂલ ડિનર ડેટ પ્લાન કરી શકો છો.
- માતા સાથે મૂવી અને શોપિંગ પર જઇ શકો છો.
સૌથી સુંદર ગિફ્ટ તમારો કિંમતી સમય છે. માતાની સાથે રોજ થોડો સમય ગાળવો તેના મન તો એ જ સૌથી સારી ગિફ્ટ છે.
શું તમને ખબર છે માતાને તમે તું કહીને કેમ બોલાવી શકો છો.. કારણકે બાળકનો અને માતાનો જન્મ એક સાથે જ થાય છે. બાળકના જન્મ સાથે જ એક સ્ત્રી માતા બને છે. તમારી અને તેના માતૃત્વની ઉંમર સરખી જ છે. તો આ મધર્સ ડે પર તમારી માતાને ગમતી ગિફ્ટ આપો.
કિંજરી બ્રહ્મભટ્ટ