દર વર્ષે મધર્સ ડે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો આશય માતાઓને માન અને સમ્માન કે બહુમાન આપવાનો છે. મા વિશે આપણે ત્યાં ઘણું બધું લખાયું છે, આપણે સૌએ તે બધુ વાંચ્યું પણ છે.
- ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર..
- ઘડો ફૂટે રઝળે ઠીકરી, મા વિના રખડે દીકરી,
- જનનીની જોડ સખી નહિ જડે રે લોલ,
- મા તે મા બીજા બધા વન વગડાના વા…
- એક સારી મા સો શિક્ષકોની ગરજ સારે છે..
આમ આપણે ત્યાં માના ગુણગાન ગાવામાં કોઇએ પાછી પાની કરી જ નથી. આજે તો ફેસબૂક અને વોટ્સ અપના માધ્યમથી આપણે માના ગુણ અને ત્યાગની વાતો સતત વાંચતા રહીએ છીએ. માની સેવા કરવાના અને કાળજી લેવા બાબતના એટલા બધા સુવિચારોનો મારો થાય છે કે એ વાંચીને તો એમ જ લાગે છે કે હવે ખરેખર કોઇ જ માને જરા પણ તકલીફ નહિ પડે, પણ શું ખરેખર આવું થયું છે ખરું ? આપણે દીકરા વહુઓ, દીકરી અને જમાઇઓએ આપણાં મમ્મી, માતા, બા કે મોમની પાસે બેસીને ક્યારેય એમની ઇચ્છા, ભાવના કે લાગણી જાણવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? સોશિયલ મીડીયામાં મા પ્રત્યેની જવાબદારી જાગ્રત કરવાના ઘણા પ્રયત્નો પછી ય મને તો લાગે છે કે દરેક માને તેના ખોળામાં રમીને હવે મોટા થઇ ગયેલા દીકરાને ફુરસદ મળે તે ક્ષણની હજીય તલાશ હોય તેવું લાગે છે……..
ચાલો આજે આપણે મધર્સ ડે નિમિત્તે આપણી મમ્મીઓને સમજવાનો, જાણવાનો અને તે પછી તેમને ગમતું કશુંક કરવાનો સંકલ્પ લઇએ. મા અંગેના સુવિચારો માત્ર વાંચવાથી કે એક બીજાને તે મોકલી આપવાથી માને કંઇ જ સુખ પ્રાપ્ત થતું નથી… જો કે મમ્મી તો મમ્મી જ છે એ તો તમે એની પાસે જશો કે નહિ જાવ એના આશીર્વાદ અને પ્રેમનો ધોધ તો સદાય એવોને એવો જ વહેતો રહેવાનો છે… દરેક માતાને આજે મધર્સ ડે નિમિત્તે સલામ અને વંદન…
– અનંત પટેલ