ભવનાથ, ભભુતી, ભજન, ભવેશ્વર અને ભોજનનો સમન્વયીત મેળો એટલે મહાશિવરાત્રીનો ભાતીગળ મેળો

KhabarPatri News
By KhabarPatri News 7 Min Read

ગુજરાત અથવા દેશભરમાં ઉજવાતા ભાતીગળ મેળાઓમાં કુંભના મેળાની જેમ મહાદેવ ભોળાનાથના નામ (શિવ) સાથે જોડાયેલ શીવરાત્રીનો મેળો ગરવા ગિરનારની ગોદમાં ચાલી રહ્યો છે. ગુજરાત પ્રદેશ અનેક ભાતીગળ સાંસ્‍કૃતિક અસ્મિતાની ધરોહર છે. વન થી જન સુધી અને ગામથી નગર સુધી પ્રત્યેક ભારતવાસી મેળાનાં માણીગર છે. મેળાનાં માધ્યમે સંસ્‍કારીતાની ધારા પ્રાંતેપ્રાંતમાં અવિરત વહેતી રહે છે. ભાષા, ધર્મ કે પ્રાંતના વાડાનાં સિમાડા ઓળંગીને એકમેકની સાથે આતપ્રોત થવાનો અનેરો મહીમા એટલે જ મેળા, મન મુકીને મહાલવાનો અનોખો અવસર એટલે મેળો, શિવરાત્રીનો મેળો એ તો હરી સાથે હર અને શિવ સાથે જીવનો સમન્યનો મેળો છે.

ગુજરાત રાજયમાં કુલ નાના મોટા ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે. તેમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભવનાથ, માધુપુર, તરણેતરનાં મેળા તો જગ મશહુર છે. તેમાંય ભવનાથ તો ભકિત-ભોજન અને ભજનનો મેળો, તરણેતર નર્તન અને રંગનો મેળો અને માધુપુરનો મેળો એટલે કિર્તન અને રૂપનો મેળો મનાય છે. જૂનાગઢ જિલ્‍લામાં જ પરબવાવડી ખાતે અષાઢી બીજનો મેળો, સતાધારનો મેળો, ભગવાન સોમનાથનાં દ્વાદશ જયોર્તિલીંગ ધામે કાર્તિકી પુનમે ભરાતો મેળો, લીલી પરિક્રમાનો કાર્તિકી એકાદશીનો મેળો, તુલશીશ્યામનો મેળો, ચોરવાડનો ઝુંડનો મેળો, ગુપ્તપ્રયાગનો મેળો વગેરે નાના અને મોટા મેળાઓ જૂનાગઢ અને આસપાસનાં પરગણામાં ભાતીગળ રીતે ભરાય છે.

જૂનાગઢ એટલે આમેય સંત શુરા અને સાવજની ભોમકા, અહીં જ કાઠીયાવાડનાં ખમિરવંતા ભોળા માનવે ભગવાનને }કાઠીયાવાડે કોક દી ભુલો પડ ભગવાન તને મોંધેરો કરૂ મહેમાન સ્વર્ગ ભુલાવુશા મળા~ ભોળા ભાવે ભુલો પડી પોતાનાં ઘરે આતિથ્ય ભાવનો તરૂ આપી શકે છે. અહીં અજાણ્યાને મીઠો આવકારો અપાય છે. ભુખ્યાને ભોજન અને દુખીને સહાયની સરવાણી કાયમ વહેતી રહે છે. શેઠ શગાળશા જેવા શાહ, દાનબાપુ કે આપાગીગા જેવા સંતનાં બેસણા આ જિલ્લામાં થયા હોય એવી ધરાનું કેન્દ્રબીંદુ એટલે ગરવા ગીરનારની ગોદ એટલે શિવ અને જીવનો સંગમ, પ્રતિ વર્ષ કુંભ મેળાની નાની આવૃતિ રૂપે મેળો ભરાય છે.

મહાદેવ શિવ પાતાળની તપશ્ચર્યા પુર્ણ કરી પર્વતાધિરાજ ગિરનારમાંથી કૈલાસ ગયા એ દિવસથી સિદ્ધક્ષેત્ર ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો ભરાતો હોવાનું લોકજીભે ચર્ચાય છે. બ્રહ્મલીન ભોજાબાપા આ મેળાને કમંડળ થી મંડળનો મેળો કહેતા. કમંડળ એટલે સાધુ સંતો, મહંતો, સન્યાસી, સિદ્ધો અને સાધકો અને મંડળ એટલે લોકસમુદાય-માનવ મહેરામણ આ બન્ને સમુદાયનો આ મેળો છે. ભવનાથ, ભભુતી, ભજન, ભવેશ્વર અને ભોજન એ પાંચ }~ નો સમન્વયીત મેળો એટલે મહાશિવરાત્રીનો ભાતીગળ મેળો. ચંદ્ર, શિવ અને સમુદ્રનો રોહીણી નક્ષત્ર એ પ્રભાસતિર્થ ક્ષેત્રે મિલાપ. આવો જ ઇશ્વર સાથે એકાકારનો અનેરો અવસર એટલે ભવનાથ ક્ષેત્રનો મહાશિવરાત્રીનો મેળો. અહીં પ્રતિ વર્ષ ૫ થી ૬ લાખ શ્રધ્ધાળુઓ ભવનું ભાથુ બાંધવા પધારે છે. દેશભરમાંથી વિવિધ સંપ્રદાયનાં સાધુ સંતો મહંતો અખાડાનાં સન્યાસીઓ પોતપોતાનાં રસાલા સાથે ધર્મ ધ્વજા અને ધર્મ દંડ સાથે ભવનાથતીર્થ ક્ષેત્રમાં નિવાસ કરે છે. સર્વ સિધ્ધો, નાથયોગીઓ, ગેબમાં રહેતા અપ્રકટ વસતા અઘોરીઓ, ગુરૂ દતાત્રેય, ગોપીચંદ, અશ્વતથામા, ભૃતુહરી, ગોરખનાથ તેમજ શિવનાં ત્રણ ગણ કાળભૈરવ, બટુકભૈરવ અને ચંદ્રભૈરવ સદેહે આ સમય દરમ્યાન રેવતાચલ પર્વતની ગિરી તળેટીનાં શિવરાત્રીનાં મેળામાં વિહરતા હોવાની લોકમાન્યાતાને કારણે લોક વિશાળ સમુદાયમાં દર વર્ષે પરંપરાગત ભાગ લેતા આવ્યા છે. સાધકોએ અખંડ બાર વર્ષ સુધી શિવરાત્રીની સાધનાં સિધ્ધક્ષેત્ર ગિરનારમાં કરવાની હોવાથી સાધકોની સંખ્યા પણ ઘણી મોટી હોય છે.

આ મેળામાં એક માન્યતા પ્રમાણે યક્ષનાં નામે સ્તંભારોપણ થયું એમ મનાય છે. મહા વદ ૯ (નવમી)નાં રોજ ભવનેશ્વર મહાદેવનાં મંદિરે ધ્વજારોપણથી મેળાનો વિધીવત પ્રારંભ થયો છે. મહા વદી ૧૪ (ચૌદશ)ની અર્ધરાત્રીએ પુર્ણ થાય છે. આ દિવસો દરમ્યાન દરેક ઉતારે ભજન-ભોજન, કિર્તન, દુહા, છંદ, લોકવાર્તા અને સંત સમાગમ થાય છે. અખાડાઓમાં ધુણીઓ તપતી હોય છે. સેવાર્થીઓ પોતપોતાનાં ઉતારામાં રાત-દિવસ અખંડ સેવાઓ આપતા થાકતા નથી. મેળામાં બારસ-તેરસ અને ચૌદસ એ ત્રણ દિવસ તો ભરચક માનવ મહેરામણ હિલોળા લેતું નજરે ચડે છે. કુંભમેળાનું નાનકડું રુપ એટલે આપણો ગરવા ગુજરાતનો આ મેળો. અહીં સાધુ સંતો કેન્દ્રસ્થાને છે. સ્કંદપુરાણ, હરિવંશ અને વિષ્ણુપુરાણમાં ગીરનારનું મહાત્મય અને વર્ણન પ્રસિદ્ધ હોવાથી ગુજરાતભરનાં મેળાઓમાં આ મેળો અનોખું સ્થાન ધરાવે છે.

શિવરાત્રીનાં દિવસે વહેલી સવારથી જ મૃગીકંડને તાળાબંધી પહેરો લાગી જતો હોય જેમાં દિવસભર પ્રવેશબંધી રહે, દિવસભર જટાધારી સંતો સાધુઓ શિવપાર્વતિનાં વિવાહ મહિમાં ગાતા ગાતા સમાજ-ક્ષેત્રમાં ભ્રમણ કરતા રહે છે. દરેક ઉતારે સવારે ભાંગ-ફળાહાર-પ્રસાદ-ઉપવાસનું આયોજન થાય છે

શિવરાત્રીનાં મંગળવારની રાત્રે ૧૦ કલાકે જટાધારી, ભભુતધારી, દિગંબર, અતિપુરાતન સાધુઓ તો કોઇ ઉગતી અવસ્થાવાળા વડવાઇ જેવી પગની ધુટી સુધીની પીળી જટાને લાલઘુમ આંખોવાળા સાધુઓ સન્યાસીઓ, સાધ્વીઓ, દેવીજીઓ અને નાની બાલ્યવસ્થા વાળા મહાત્માઓ, સંતો, મહંતો હર હર મહાદેવ, બમબમભોલે, ઓમ નમઃશિવાયનાં જયઘોષ સાથે વિશાળ સરઘસ ભવનાથ મહાદેવનાં મંદિર પાછળ આવેલા દશનામી પંચ અખાડામાંથી ભવ્ય શંખઘોષ, ડમરૂ, નાગફણી-ભેરી ફુંકતા ભાલા તલવારો, ઢાલની પટ્ટાબાજી ખેલતા લાઠીનાં અને અંગકસરતનાં હેરતભર્યા પ્રયોગો કરતા નિશાન, ડંકા ઝાલર અને ધ્વજાઓ અને પાલખીઓ સાથે આગળ વધે છે. ભવનાથનાં નિયત કરેલા મેઇન રોડ પર ફરે છે. અખાડાનાં સાધુ અદનું પર્વકાળમાં પવિત્ર સ્નાન (શાહી સ્નાન) મહાશિવરાત્રીનાં પર્વનાં દિવસે વિવિધ અખાડાઓનાં સાધુ સંતો દ્વારા નિશ્વિત કરવામાં આવેલા ક્રમ અનુસાર પોતાનાં અખાડાનાં સંતો સાથે કરવામાં આવતા સ્નાનને પવિત્ર સ્નાન (શાહી સ્નાન) કહે છે. રવાડી (સરઘસ)માં દશનામી પંચ અખાડાની ગુરૂદત્તાત્રેય પાલખી, અભાન અખાડાનાં ગાદીપતીની પાલખી, અગ્ની અખાડાની ગાયત્રીજીની પાલખી સાથે સાથે જુદા જુદા અખાડાઓના સાધુ આગળ વધે છે. સાધુ સંતોની યાત્રાનાં પથ પર બપોરથી જ માર્ગની બન્ને બાજુ વિશાળ જનમેદની એકત્રિત થાય છે. વિવિધ વાજીંત્રો અને હરહર મહાદેવ, બમ-બમભોલે નાદ સાથે શરીર પર ભસ્મ ચોપડીને હજારો સાધુ સંતો ગળામાં ફુલોનાં હાર, હાથમાં ધ્વજદંડ લે છે. શરીરે ભસ્મ લગાડવાથી અમાનવીય આકૃતિ દેખાતા હજારો દિગંબર સાધુ સંતો હરહર મહાદેવનો જયઘોષ કરે ત્યારે એમ લાગે કે જાણે કૈલાશીય જીવંત દ્રશ્ય નજરે નિહાળીએ છીએ. આમ મધરાત્રે ભવનાથનાં મંદિરનાં દ્વિતીય દરવાજેથી શાહી સવારી મૃગીકુંડમાં પહોંચે છે. લોકમાન્યતા પ્રમાણે ગોપનીય વિધી સાથે મૃગીકુંડમાં કાંઠે ઉભી સાધુઓ વરૂણ પુજા કરે છે. અહીં અમર આત્માઓ સ્નાન કરવા પધારે છે. તેની પ્રતિતીરૂપે ત્રણ તરંગો સ્‍વંય ભુકુંડમાંથી પ્રગટે છે. ત્યારબાદ સાધુઓ એકી સાથે મૃગીકુંડમાં સ્નાન કરે છે. મૃગીકુંડમાંથી બહાર નિકળી થોડા જ સમયમાં મેળામાંથી અદ્રશ્ય થઇ જાય છે. સાધુઓનાં મૃગીકુંડનાં સ્નાન પછી મંદિરમાં આરતીને મહાપુજા થાય છે અને મેળાની પુર્ણાહુતી થાય છે.

Share This Article