જય સોમનાથ….!!!
વાચક મિત્રો, મહા વદ તેરસ એટલે મહાશિવરાત્રિ. સંસારના એ દેવને પૂજવાનું પર્વ જેણે સંસારની તમામ તર્જ્ય વસ્તુઓને અપનાવી છે. શ્વેતવારાહકલ્પના ભરતખંડમાં જંબુદ્વીપ ક્ષેત્રે હિમાલયના પહાડની ગિરિકંદરાઓમાં સર્વોચ્ચ એવા કૈલાસ પર્વતની ટોચે સ્મશાનમાં ચિતાઓની વચ્ચે વસેલો એ અઘોર, જેને તમામ યુગો, ઋષિઓ, મુનિઓ, વીરો, ભૈરવો. જોગણીઓ, ડાકિનીઓ, શાકિનીઓ, ભૂત, પ્રેત, જંબુક, વ્યંતર, સુર, અસુર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક અને શૂદ્રથી લઈને ચાંડાળ સુધીના તમામ લોકો પ્રણમે છે, એ છે દેવોના દેવ મહાદેવ શિવશંભુ.
આજે આપણે જોઈશુ મહાદેવે દર્શાવેલા પ્રેરણાદાયક ફંડા…
મહાદેવથી મોટા મોટિવેટર આ જગતમાં કોઈ નથી. નિર્વિકાર, નિરાકાર અને નિરાહાર એવો એ શિવ એમ જ મહાદેવ નથી બન્યો. સંઘર્ષ તો દેવોના દેવને પણ કરવો પડ્યો છે. એ અવતરણ માત્રથી મહાદેવ નથી બન્યો, જગતના ઝેર પચાવવાની એની સહનશક્તિએ એને મહાદેવના પદે બેસાડ્યો છે. પોતપોતાના પ્રાગટ્ય દરમિયાન જગતના તમામ દેવોએ રાજસ અને સત્વ ગુણને પોતાના માટે સ્વીકાર્યા કારણ કે તામસ ગુણ એ એક રીતે નકારાત્મકતાનું પ્રતીક છે પરંતુ ફક્ત મહાદેવએ તામસ ગુણને સ્વીકાર્યો કારણ કે તેમનામાં એ નકારાત્મકતાને પચાવીને તેને હકારાત્મકતામાં પરિવર્તિત કરવાની તાકાત હતી. કોઈ પણ સામાન્ય વ્યક્તિ એ જ રીતે મહાદેવ બની શકે છે, જો તેનામાં લોકોના ક્રિટિક્સ અને નકારાત્મક વલણને સ્વીકારીને તેને હકારાત્મકતામાં પરિવર્તિત કરવાની તાકાત હોય.
બીજું, બી યોરસેલ્ફ. તમે જેવા છો એવા જ રહો. કોઈના માટે પોતાને ન બદલો. હા, એ બદલાવ જો તમારા ફાયદા માટે હોય તો અવશ્ય સ્વીકારો અન્યથા જે વ્યક્તિ તમને તમે જેવા છો એવા જ રૂપમાં સ્વીકાર કરે એ જ સાચો સાથી. દુનિયામાં તમામ દેવી દેવતાને પૂજવા માટે અલગ અલગ વર્ગ અને સમુદાય છે પણ મહાદેવ એવા છે કે જેમને તમામ વર્ગ અને સમુદાય પૂજે છે. કારણ ફક્ત એક જ કે મહાદેવ બધાથી અલગ છે. જ્યા તમામ દેવો અને દેવીઓ સોના અને ચાંદીના આભૂષણો પહેરે છે ત્યાં મહાદેવ સાપ અને નાગને ગળે લગાડે છે. જ્યાં તમામ દેવો સુંદર કપડા પહેરે છે ત્યાં એ અઘોરી વાઘનું ચામડું ઓઢે છે. જ્યાં તમામ દેવો મુગટ પહેરે છે ત્યાં એ શિવ જટા બાંધે છે. જ્યાં લોકો તમામ ભૌતિક સુખ સગવડો હોવા છતાં પોતાનો સંસાર નથી ચલાવી શકતા, ત્યાં એ વૈરાગી સ્મશાનમાં રહીને, ભિક્ષા માંગીને પોતાનો સંસાર સુખેથી ચલાવે છે તો સંસારના તમામ જીવો માટે દાંપત્ય જીવનના બેસ્ટ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મહાદેવ સિવાય બીજુ કોણ આવી શકે.
અને અંતે, મહત્વપૂર્ણ વાત જગતના ઝેર પચાવવાની. જો પોતાની જિંદગીના મહાદેવ બનવું હોય, પોતાના પરિવારના અને સમાજના આદર્શ બનવું હોય તો એ તમામ નફરત અને કટાક્ષને પચાવવાનું શીખી જાવ કારણ કે જીવનરૂપી સાગરના મંથનમાં રાગ, દ્વેષ અને નફરતના ઝેર પચાવ્યા સિવાય સંબંધોની મિઠાશનું અમૃત નહિ મળે. સામાન્ય રીતે દરેક વ્યક્તિની બે અલગ અલગ પર્સનાલિટી હોય છે પણ મહાદેવ મલ્ટિપલ પર્સનાલિટી ધરાવે છે. જ્યાં ગુસ્સો કરવો જરૂરી ત્યાં જરૂર કરવો અને જ્યા ક્ષમા કરવી જરૂરી ત્યા ક્ષમા કરવી. જે મહાદેવ કામદેવને બાળીને ભસ્મીભૂત કરી શકે છે એ જ મહાદેવ એ જ કામદેવને અદ્રશ્ય રૂપે શાશ્વતકાળ સુધી તમામ જીવોમાં હાજર રહેવાનું વરદાન આપે છે. આ એ જ મહાદેવ છે, જે પોતાના જ અંશ લોહિતાંગની નકારાત્મકતા દૂર કરવા તેની સાથે યુદ્ધ કરે છે અને એ જ લોહિતાંગને નવગ્રહમંડળમાં સ્થાન આપીને એક મહત્વની જવાબદારી સંભાળવા પદોન્નત કરે છે. અને એટલે જ એ વૈરાગી, અઘોરી અને સ્મશાનમાં ભટકતો, ભૂતોની વચ્ચે ફરતો અને ચાંડાળોની સાથે રહેતો દેવ મહાદેવ છે – દેવાધિદેવ મહાદેવ.
- આદિત શાહ