પિતાની આજ્ઞા માનીને મનીષે 22 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા અને ભણતર વચ્ચે જ છોડી દીધુ. મનીષ એક છોકરીને પ્રેમ કરતો હતો પરંતુ તેના પ્રેમને કોઇ સ્વીકારશે નહી તેવુ માનીને તેણે ઘરમાં કોઇને પણ તેના પ્રેમ વિષે જણાવ્યુ નહી. ચૂપચાપ હિરલ સાથે લગ્ન કરી લીધા અને એક પુત્રીનો પિતા પણ બન્યો. થોડા સમય બાદ હિરલે મનીષને કહ્યું કે તે ફરી ભણવાનું શરૂ કરે, પત્નીની વાત માનીને મનીષે માસ્ટર ડિગ્રી માટે એડમીશન લીધુ.
મનીષને બધા સાથે ફાવી ગયુ અને તેને હવે જે પણ છોકરી જોતો તે બધી જ ગમી જતી. મનીષને ઘણીવાર પોતાની પત્ની અને દીકરીનો વિચાર આવતો પરંતુ કોલેજમાં આવતાની સાથે પત્ની અને પુત્રીના વિચાર મગજની બહાર નીકળી જતા. મનીષને એક છોકરી સાથે ખુબ સારો મેળ આવી ગયો હતો. છોકરીનું નામ સ્નેહા, સ્નેહાની સગાઇ થઇ ચૂકી હતી છતા તે પણ મનીષમાં ડૂબી ગઇ હતી.
કોલેજના બે વર્ષ પ્રેમી પંખીડાએ ખુબ મજા કરી અને છેલ્લા વર્ષમાં બંને એકબીજા સાથે ભાગવા તૈયાર થઇ ગયા. મનીષે કહ્યું કે હું મારી પત્ની અને પુત્રીને છોડીને તારી સાથે લગ્ન કરી લઇશ. સામે છેડે સ્નેહા પણ તેના ઘરને છોડીને આવવા તૈયાર છઇ ગઇ હતી. માસ્ટર ડિગ્રી પત્યા બાદ સ્નેહાએ મનીષ સાથે સંપર્ક ઓછો કરી નાંખ્યો અને તેને ફોન કરીને કહ્યું કે 3 દિવસ બાદ સાંજે 5 વાગે રેલ્વે સ્ટેશન પર આવી જજે, આપણે ભાગી જઇશું. મનીષ ખુશ થઇ ગયો અને ઘરે બહાના આપીને બેગ તથા ડોક્યુમેન્ટ ભેગા કરીને રેડી થઇ ગયો.
મનીષ 4:30 વાગ્યાનો રેલ્વે સ્ટેશન પહોંચી ગયો અને સ્નેહાની રાહ જોવા લાગ્યો. તેને પત્ની અને પુત્રીને છોડ્યાનું દુ:ખ તો હતું જ પરંતુ સ્નેહા સાથે નવું જીવન શરૂ કરવાની ખુશી પણ હતી. મનીષની પત્ની તેનુ બેગ સરખુ મુકવા ગઇ ત્યારે તેમાંથી મનીષ અને સ્નેહાની તસવીર સરી પડી, તે જોઇને તેને આઘાત લાગ્યો. તેણે મનીષને ફોન કરીને તસવીર વિશે પુછ્યુ તો મનીષે ભડકીને હકીકત જણાવી દીધી અને કહી દીધુ કે તે આ જ ક્ષણથી તેની સાથે દરેક સંબંધ તોડે છે.
ઘડિયાળમાં જોયું તો 5:30 થઇ ગયા હતા. મનીષે સ્નેહાને ફોન કર્યા પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો. તેણે થોડી વધારે રાહ જોઇ. 6:30 થઇ ગયા તે કંટાળી ગયો તેણે ફરી સ્નેહાને ફોન કર્યો પરંતુ સામે છેડેથી કોઇ જવાબ ના આવ્યો.
તે થાકી ગયો હતો, તેણે ફેસબૂક ખોલ્યુ અને ચોંકી ગયો કારણકે ફેસબૂક પર પોસ્ટ હતી કે “સ્નેહા મેરીડ ટુ દર્શન.” મનીષના પગ તળેથી જમીન સરકી ગઇ આંખોમાં પાણી ભરાઇ આવ્યુ. તે બોલવા ગયો પણ તેના ગળે ડૂમો બાજી ગયો. તે હસ્યો અને ફક્ત એટલું જ બોલી શક્યો “વાહ રે કિસ્મત”
-કિંજરી બ્રહ્મભટ્ટ