અમદાવાદ: ગુજરાત પોલીસ લોક રક્ષકની ભરતી માટે ગત તા.૨ ડિસેમ્બરના રોજ લેવાનારી પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરાઈ હતી. હવે આ પરીક્ષા આગામી તા.૬ જાન્યુઆરીએ લેવાનાર છે ત્યારે પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને ખુદ રાજય સરકારે આ વખતે પેપર લીક ના થાય તે માટેના ફુલપ્રફુ આયોજન હાથ ધર્યા છે. સૂત્રોના આધારે અગાઉ દક્ષિણ ભારતમાં જ્યાં પેપર પ્રિન્ટીંગ થયું હતું ત્યાં આ પરીક્ષાનું પેપર પ્રિન્ટ નહીં થાય તે માટેનો નિર્ણય કરાયો છે. જે એજન્સીને આ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તે એજન્સી થકી પણ આ પેપર છાપવામાં નહિ આવે.
ફરીથી પેપર લીક ન થાય તે માટે ગુજરાત પોલીસ પણ ખુદ હવે સતર્કતા દાખવી છે અને કોઇપણ સંજાગોમાં ફરીથી પેપર લીક ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટેનું આખુ નેટવર્ક ગોઠવ્યું છે. સૌથી નોંધનીય વાત એ છે કે આ વખતે લોકરક્ષક દળની તા.૬ઠ્ઠી જાન્યુઆરીના રોજ લેવાનારી પરીક્ષા માટે નવા પ્રિન્ટીંગ પ્રેસમાંથી આ પેપર ફરીથી લીક થઈને કોઈ ગેંગ પાસે ન પહોંચે તે માટે ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાય જ રાખશે. વિકાસ સહાયે સ્પષ્ટ કર્યું હતું કે, તા.૬ જાન્યુઆરીએ લેવાનારી પેપરના પ્રિન્ટીંગ અન્ય એજન્સી પાસે કરાવશે કે કેમ તે અંગે તેઓ કશું નહીં કહી શકે.
જા કે, ફુલપ્રુફ સીસ્ટમ ગોઠવાઇ છે કે જેથી પેપર લીક ના થાય તેવો દાવો તેમણે કર્યો હતો. બીજીબાજુ, દક્ષિણ ભારતના જે પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું, તે મુદ્દે હજુ પોલીસ તપાસમાં કેમ કોઇ ફોડ પાડતી નથી તેને લઇને હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે કે, પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ પેપર લીક થયું છે તેવું પોલીસ જ કહે છે તો પોલીસ અધિકારીઓ શા માટે નામ છુપાવી રહ્યા છે ?, ગુપ્તતાના બહાને એજન્સીના કોઈ મોટા માથાને બચાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે શું ?, પેપર લીક પ્રિન્ટીંગ પ્રેસમાંથી જ થયું તો પછી કેમ ત્યાંના લોકોનું નિવેદન નથી લેવાયું ?, પ્રિન્ટિંગ પ્રેસ સુધી તપાસ કેમ નહીં ? તે સહિતના અનેક સવાલો હવે ભારે ચર્ચા જગાવી છે.