અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યની સતત અવિરત વિકાસ યાત્રાના મૂળમાં કાયદો-વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિની સરકારની ટોપ પ્રાયોરીટીની પ્રતિબદ્ધતા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં ગુજરાતે કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ, ગુનેગારો-અસામાજિક તત્વોના પ્રભાવથી થરથરતા ઇલાકા વગેરેને લીધે ઘણું સહન કર્યું છે. હવે સમય બદલાયો છે અને ભારતની આર્થિક પ્રગતિમાં ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું છે તેમાં શાંતિ, સલામતી અને સુરક્ષા દાયિત્વ નિભાવતા પોલીસ દળની જવાબદારી પણ વિશેષ બની છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, રેંજ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષકોની સંયુક્ત કોન્ફરન્સનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપ્સથિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ગુજરાત પોલીસ દળની ઉજ્જવળ છાપને વધુ ઉન્નત બનાવવા અધિકારીઓને આહવાન કરતા કહ્યું હતું કે, એસર્ટીવ બનીને જાતે કામ માથે લઇને સામાન્યમાં સામાન્ય, ગરીબ, વંચિત-શોષિતને ન્યાય અપાવવાનું દાયિત્વ તમે નિભાવો. સરકાર તમારી નેટ બનીને ઉભી રહેશે, તેમ લીડ લઇ તમારા સાથી નીચેના સ્તરના કર્મયોગીઓનું મોરલ બૂસ્ટિંગ કરો એમ મુખ્યમંત્રી સંવેદનસ્પર્શી વક્તવ્યમાં જણાવ્યું હતું.
વિજય રૂપાણીએ અસામાજિક તત્વો, પ્રજાને રંજાડનારાઓ, સાયબર ક્રાઈમ, બહેનો-બાળકો પરના ગુના આચરનારાઓ સામે ઝિરો ટોલરન્સની નીતિથી ફિલ્ડમાં કામ કરતા પોલીસ કર્મીઓને સખ્તાઈથી પેશ આવી પોલીસ દળની કડપ અને દાબથી જ આવા ગુનેગારોની હિંમત દાબી દેવા સ્પષ્ટ સૂચનો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, પોલીસ પ્રજાનો મિત્ર છે તેની ફરિયાદને ચોક્કસ ધાને લેવાશે અને પોતાને ન્યાય મળશે એવો ભરોસો-વિશ્વાસ જ સામાજિક સંવાદીતાના વાતાવરણમાં ઉપયુક્ત બનશે.
મુખ્યમંત્રીએ પોલીસ દળની કાર્યપદ્ધતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન કતા એમ પણ જણાવ્યું કે, સુરક્ષિત ગુજરાત-સલામત ભાવિની જવાબદારી પોલીસ દળના શિરે છે એવે વખતે ડેટા અપડેશન, કનેક્ટીવીટી, અદ્યતન સાધનોના મહત્તમ ઉપયોગથી જ ક્લીયર વિઝન સાથે ભાવિ રણનીતિ આયોજન ઘડી શકાશે. વિજય રૂપાણીએ સીએમ ડેશ બોર્ડ દ્વારા રાજ્યના ૬૫૦ પોલીસ મથકોના રિયલ ટાઇમ મોનિટરિંગ, ક્રાઈમ પ્રિવેન્શન-ડિટેક્શનનો ડેટા મુખ્યમંત્રી કક્ષાએ હાથ વગો બન્યો છે તેની ભૂમિકા સીએમ ડેશ બોર્ડના ઇન્ડીકેટર્સના પ્રેઝન્ટેશન સાથે આપી હતી.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ડિઝાસ્ટર, હુલ્લડો જેવી વિપદાના મૂકાબલામાં સીએણ ડેશ બોર્ડ અત્યંત મદદરુપ થાય તેવું હાથવગુ ટૂલ છે. તેમણે કહ્યું હતું કે, રાજ્ય પોલીસ દળમાં ભરતી થયેલી નવી પેઢી ટેકનોસેવી-આઈટી નિષ્ણાત છે તેનો મહત્તમ ઉપયોગ કરીને નવા ઇનોવેશન્સથી સમસમયાના સોલ્યુશન્સના પ્રયોગો જિલ્લા સ્તરે થાય તેવો અનુરોધ પણ કર્યો હતો. તેમણે ગુજરાત પોલીસને ટીમ વર્કથી સતત સતર્ક રહીને ગુનેગાર દંડાય અને નિર્દોષોને, સામાન્ય માનવીને સંતોષ મળે તેવી સ્થિતિ માટે ખાસ ભાર મુક્યો હતો.