“તમે છેલ્લે પેટ પકડીને ક્યારે હસ્યા હતા?”
પરીક્ષા અને વેકેશનના સમયની વચ્ચે એક એવા અદાકારનો જન્મ દિવસ પસાર થઇ ગયો જે કેટલાંક લોકોના ધ્યાનમાં પણ ના આવ્યું પણ ચાલો કંઈ વાંધો નહિ જાગ્યા ત્યારથી સવાર, વાત ૧૬ એપ્રિલની છે, સાડા ચાર ફૂટની કાયા ધરાવતો અને ટૂંકી મૂછો ધરવતો અને પોતાની મસ્તીથી લોકોને હસાવી હસાવીને લોટપોટ કરી દેતા એ ચાર્લી ચેપ્લીનનો જન્મ દિવસ હમણાં જ પસાર થઇ ગયો..
જિંદગી પ્રત્યેની તેમની ફીલોશોફી તદન અલગ હતી તેઓએ આપણને શીખવ્યું કે જિંદગીમાં હસવું એ ખુબ જ સુખદ ઘટના છે.. વિકટમાં વિકટ સ્થિતિમાં પણ ચહેરા પરનું હાસ્ય ભુસાવું ના જોઈએ. તેમની પાસે પણ મુશીબતો નો પહાડ હતો પણ તેમને ક્યારેય એની જાણ કોઈને થવા નથી દીધી કારણકે તે માનતા કે જે સમસ્યા આજે છે તે કદાચ કાલે ના પણ હોય, તો પછી ક્ષણીકની સમસ્યા માટે ચહેરા પરનું હાસ્ય કેમ કરમાઈ જવા દેવું.
હાસ્યને લઇને હાસ્ય લેખક જ્યોતીન્દ્રભાઈ દવે તો એમ કહેતા કે “હાસ્ય એ માણસની પ્રકૃતિમાં જડાયેલી પ્રવુતિ છે” તમારું હસવું નિખાલસ હોવું જોઈએ બીજા માટે પીડાદાયક કે અપમાનજનક ના બની રહે તેની જવાબદારી આપણી છે..
મિજાજ પણ ખુશ થઇ જાય એવા ખુશ મિજાજી લોકોને તમે જયારે મળો છો ત્યારે સ્વભિક રીતે જ તેઓ આપણા અંગત સર્કલમાં ઊમેરતા જાય છે. ખુશ રહેનાર લોકોની પાસે પોતાની અલગ સુગંધ હોય છે તેમના સંપર્કમાં આવતા તમામ લોકોને તેઓ મહેકાવે છે, હસતો ચહેરો કોને ન ગમે?, માણસ એક જ પ્રાણી એવું છે જે હસી શકે છે, આ પૃથ્વી પર અનેક જીવ છે જેમાંથી ઈશ્વરે આ કૃપા માત્ર માણસ ઉપર કરી છે, પણ આપણામાંથી ઘણા લોકોની પાસે આ કૃપા લીમીટેડ સ્ટોકમા છે એટલે તે બહુ કરકસરથી અને સાચવી સાચવીને ખર્ચે છે.. હસતો માણસ સૌની વહાલો લાગે છે. કહેવાય છે કે જે વ્યકિત ક્યારેય હસતો નથી તેનો વિશ્વાસ પણ ના કરવો જોઈએ તે તમને ક્યારેય પણ દગો આપી શકે છે, હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણું ગુણકારી છે, શહેરોમાં તો લાફીંગ ક્લબોએ ગજબની ધૂમ મચાવી છે… હસતા રહો અને સ્વસ્થ રહો એવું આપણે સૌ માનીએ છીએ તો શા માટે આપણે હસવું ના જોઈએ!!?
દરેક માણસને કોઈને કોઈ પ્રોબ્લેમ્સ હોય છે જ , કોઈ તો એવું ટેન્શન હોય છે, જે તેની રોજીંદી જિંદગીમાં અળચણ ઉભી કરી શકે છે. છતાં કેટલાંક લોકોની પાસે જબરી આવડત હોય છે કે તેઓ આ બધી જ પરિસ્થિતિ પછી પણ હસી શકે છે, તેઓ જીવનના તમામ પળોને મન મુકીને માણે છે, કારણકે તેઓ સ્વીકારે છે કે હાસ્ય જેવી બીજી કોઈ અકસીર દવા નથી.
છેલ્લે…. હાસ્યએ જિંદગીને ચાર્જે કરવાનું ચાર્જર છે જેના વગર વ્યક્તિનું કોઈ અસ્તિત્વ નથી , જે વ્યક્તિ પોતાની ઉપર હસી શકે છે તને કોઈ પરીસ્થીતી હરાવી નથી શકતી. માટે હસો અને ખુશ રહો..
નિરવ શાહ.