જમીન રિ સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શક રીતે કરાઇ છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ વિકાસની જે નૂતન ઉંચાઈ હાસલ કરી છે તેનાથી અન્ય રાજ્યો પણ માર્ગદર્શન મેળવે છે. તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે જેણે પારદર્શીતા અને નિર્ણાયકતાથી જમીન રી સરવેની કામગીરી આરંભી હતી. એટલું જ નહીં ખાતેદારોના હિત પ્રત્યે પૂર્ણ સંવેદનશીલતા દાખવીને આ કામગીરી સફળતાથી હાથ ધરાઈ છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, જમીન રી-સરવેની કામગીરી પારદર્શી રીતે અને ભુલો વગરની થાય તે માટે રાજ્ય સરકારે પુરી તકેદારી રાખી છે અને એટલે જ ગુજરાતની શ્રેષ્ઠ કામગીરીને કેન્દ્ર સરકારે બિરદાવી છે અને ગુજરાતની અન્ય રાજ્યો માર્ગદર્શન મેળવી રહ્યા છે. મંત્રીએ જણાવ્યુ હતું કે, ગુજરાત રાજ્યમાં જમીનોની રી સરવે કામગીરી સને ૨૦૦૯-૧૦થી શરૂ કરી તબક્કાવાર તમામ ૩૩ જિલ્લામાં આ કામગીરી આવરી લેવામાં આવેલ છે. આ કામગીરીનું ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરની સમિતિઓ દ્વારા સતત મોનિટરિંગ અને સુપરવિઝન પછી નવું રેકોર્ડ તૈયાર કરવામાં આવી રહેલ છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, આ કામગીરી ઓનલાઈન સ્પર્ધાત્મક ટેન્ડરો મેળવી રાષ્ટ્રીય સ્તરે આધુનિક માપણીની ટેકનોલોજીની જાણકાર નિષ્ણાતો અને જમીન મોજણીની કામગીરીના અનુભવ ધરાવતી કુલ ૯ એજન્સીઓ મારફતે હાથ ધરાઈ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કેન્દ્ર પુરસ્કૃત યોજના ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ ડીઆઈએલઆરએમપી હેઠળ ગુજરાત રાજ્યે ખેડૂત ખાતેદારોના જમીન રેકોર્ડ સુસ્પષ્ટ અને સ્થળ સ્થિતિ તથા કબજા મુજબ તૈયાર થાય તે સારુ સમગ્ર દેશમાં આ કામગીરીની પહેલ કરી છે.

Share This Article