નમસ્કાર મિત્રો,
હું ફરી એક વાર લઇ ને આવી રહ્યો છું આપણી સમક્ષ આ વરસાદી રાતોમાં યાદ આવતી ભૂતકાળની યાદોની સંવેદનાઓ….
હા દોસ્તો… કદાચ તમને થશે કે અચાનક આ જ ટોપિક કેમ… તો દોસ્તો એનું કારણ એ છે કે અગાઉના સપ્તાહોમાં આપણે પ્રેમસંબંધની શરૂઆત અને પ્રેમના વિવિધ પ્રકારોનો તફાવત સમજ્યા હતા પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે સંબંધોની સ્થિરતા જાળવવામાં મદદ કરતી બાબતો તરફ પણ ધ્યાન આપીએ.
કોઈ પણ સંબંધ ફક્ત બે કારણોસર તૂટવાના આરે પહોંચે છે યા તો કપલની વચ્ચે વાતચીત એટલે કે કોઈ પણ બાબતનું અને તેને સંલગ્ન લેવાના નિર્ણયો માટેનું ડિસ્કશન ઓછું થઇ ગયું છે અથવા તો તેમની વચ્ચેના પ્રેમમાં આસક્તિ હદથી વધારે વધી ગઈ છે પછી તે આસક્તિ શારીરિક કે લાગણીઓને લગતી પણ હોઈ શકે છે. મિત્રો, પાછલા સપ્તાહે આપણે વાત કરી હતી આસક્તિ વિશે, જે ક્યારેક સબંધ તૂટવાનું મૂળભૂત કારણ બની શકે છે. આ આસક્તિ દિવસે દિવસે સહનશક્તિ પણ ઓછી કરી દે છે ક્યાંક ને ક્યાંક બ્રેકઅપ માટે જવાબદાર હોય છે.
દોસ્તો અહીં એક નાની વાર્તા મૂકવા માંગીશ જે કદાચ કોઈ આવી જ તકલીફોનો સામનો કરી રહેલા કપલને મદદરૂપ થઈ શકે છે. એક સુંદર શહેર અને એમાં એક સરસ મ્યુઝિયમ. એ મ્યુઝિયમમાં દુનિયાની તમામ હસ્તીઓના પૂતળા હતા પણ એના સિવાય પણ આકર્ષણ નું કેન્દ્ર હતું આ જ મ્યુઝિયમના પ્રાંગણમાં આવેલું એક દેવદૂતનું સુંદર બાવલું. બાવલાની આજુબાજુ સુંદર ફૂલોની ક્યારી અને ચોતરફ આરસના ચકચકિત પત્થરોનું ફ્લોરિંગ. ત્યાં આવનારી હરેક વ્યક્તિ એ બાવલાની પ્રશંસા કરતી. આ વાતથી પેલા ફ્લોરિંગના એક પત્થરને ખૂબ તકલીફ થતી જે આ બાવલાની નીચે ગોઠવાયેલો હતો. આથી એ પત્થરે એક વાર એ બાવલાને પૂછ્યું કે હે દોસ્ત તુ ને હું – આપણે બંને એક જ પહાડમાંથી તૂટીને બહાર આવેલા, એક જ ટ્રકમાં લવાયેલા, એક જ શિલ્પીને સોંપવામાં આવેલા છીએ છતાં પણ અહીં આવનાર દરેક માણસ તને ધ્યાનથી જુએ છે, તારી પ્રશંસા કરે છે, તારા ફોટા પાડે છે ને અમુક તો સેલ્ફી પણ પાડે છે જ્યારે મારી સામે કોઈ જોતુ પણ નથી આવું કેમ???
પ્રશ્ન સાંભળીને બાવલાએ સુંદર જવાબ આપ્યો જે કંઈક આવો હતો :
દોસ્ત તારા સવાલના બે જવાબ છે. પહેલો જવાબ એ કે તારી વાત સાવ સાચી કે તુ ને હું – આપણે બંને એક જ પહાડમાંથી તૂટીને બહાર આવેલા, એક જ ટ્રકમાં લવાયેલા, એક જ શિલ્પીને સોંપવામાં આવેલા છીએ છતાં પણ અહીં આવનાર દરેક માણસ મને ધ્યાનથી જુએ છે, મારી પ્રશંસા કરે છે, મારા ફોટા પાડે છે જ્યારે તારી સામે કોઈ જોતુ પણ નથી આવું કેમ??? કારણ એ કે શિલ્પીએ તને પ્રથમ તક આપેલી હતી પરંતુ જેવું એણે તને તરાશવા માટે તારા પર ઓજાર ચલાવવાનું શરૂ કર્યુ, તે તારી હિંમત ખોઈ નાખી. તુ ટુકડા ટુકડા થઈને તૂટી ગયો જ્યારે મેં મારી તાકાતને એકઠી કરીને મારી સહનશક્તિ વધારવાનો નિર્ણય લીધો, બસ એ જ કારણ છે કે આજે હું અહી છું. દોસ્તો આપણી રિલેશનશિપ પણ કઈંક આવી જ હોય છે. શક્ય છે કે ક્યારેક તમારા પાર્ટનર એવી કંડિશનમાં હોય કે એ તમને ન સમજી શકે અથવા એ તમને સપોર્ટ કરવા માંગતા હોય પણ પરિસ્થિતિ તેમની તરફેણમાં ન હોય તો આવા સંજોગોમાં વ્યક્તિએ ધીરજ રાખવાની જરૂર છે. આ પરિસ્થિતિ સ્ત્રીઓ જ્યારે માસિકધર્મમાંથી પસાર થઈ રહી હોય ત્યારે અને પુરુષ જ્યારે આર્થિક રીતે પોતાને પછાત અનુભવી રહ્યો હોય ત્યારે ખાસ અનુભવાય છે. આવા સમયે એકબીજાની પડખે રહીને એકબીજાની લાગણીઓને માનસિક રીતે સમજવાની જરૂર છે.
બાવલાનો બીજો જવાબ એ હતો કે તુલનાનું કોઈ સમાધાન નથી. હું ભલે ગમે તેટલું સુંદર અને આકર્ષક દેખાઉ પરંતુ મારો આધાર તો તું જ છે. કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ સ્ત્રી કે પુરુષ એક વાર સંબંધમાં જોડાયા બાદ ક્યારેય પણ અલગ નથી થઈ શકતા ચાહે તેમની રિલેશનશિપ ચાલુ હોય કે પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું હોય. ભગવાને એટલા પણ નબળા હ્રદય નથી બનાવ્યા કે એક વાર જોડાયા પછી તમે એકદમ સહજતાથી કોઈ વ્યક્તિને ભૂલાવી દો. ક્યારેય પણ પોતાના સંબંધોમાં તુલનાને સ્થાન ન આપો અન્યથા એ તુલના તમારી રિલેશનશિપનો ધી એન્ડ લાવી દેશે.
તો ચાલો મલીયે આવતા સપ્તાહે..