હેલો દોસ્તો, કેમ છો તમે બધા… આસક્તિ અને તુલના પછી આજે આપણે વાત કરીશુ સંબંધોમાં તણાવ અને તૂટ પડવાના કારણની. જેમ જેમ ચોમાસુ બેસતું જાય છે એમ એમ રસ્તાની ચારેકોર ગારો અને કાદવ પણ વધતો જાય છે. ધીમે ધીમે પગ એ જ કાદવમાં ખૂંપવા લાગતા જે જમીન ભીની મહેક આપતી હતી તે જ જમીન પ્રત્યે આપણને અણગમો થવા લાગે છે. સંબંધોનું પણ કઈંક આવું જ છે. જે સંબંધ શરૂઆતના ધોરણે એક થ્રિલ, રોમાંચ અને રોમાંસ પેદા કરે છે એ જ સંબંધ ધીમે ધીમે ક્યારેક અણગમો અને અકળામણ પેદા કરે છે.
આ બાબત પાછળનું મૂળ કારણ એ છે કે જ્યારે આપણે કોઈ રિલેશનશિપમાં જોડાવા જઈ રહ્યાં હોઈએ ત્યારે એ બાબતનું એક્સાઈટમેન્ટ જ આપણને એટલું હોય છે કે આપણે લાગણીરૂપી સિક્કાની બીજી બાજુ પર ધ્યાન આપતા જ નથી. કોઈ છોકરો કે છોકરી જ્યારે પહેલી વાર કોઈ રિલેશનશિપમાં જોડાય ત્યારે એણે આ વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ કે એની સામે વાળા વ્યક્તિ પ્રત્યેની લાગણી એ ટૂંક સમય પૂરતી તો નથી ને કારણ કે શારીરિક આકર્ષણને લીધે રચાતો સંબંધ બંને પાત્રના માનસિક વલણનો જ્યારે સામનો કરે છે ને ત્યારે પોતાના ઘૂંટણ ટેકવી દે છે. નવા સંબંધનો થનગનાટ અને શારીરિક આકર્ષણ તમને સામી વ્યક્તિના ગુણ અવગુણ તપાસવાનો મોકો ક્યારેય નથી આપતું, એ મોકો આપણે આપણી વિવેકબુદ્ધિથી પ્રાપ્ત કરવો પડે છે નહિતર જ્યારે ટૂંક સમય પછી સંબંધોમાં તણાવ પેદા થાય ત્યારે સાત જન્મોના બંધનની વાત સાથે શરૂ થયેલ આ જ સંબંધ સાત પળ માટે પણ સહન કરવો મુશ્કેલ થઈ જાય છે.
થોડા દિવસ અગાઉ મારા બ્રોડકાસ્ટ લિસ્ટમાં મે એક ક્વોટ વહેતો મૂકેલો જે કઈંક આ મુજબ હતો – વ્યક્તિ જીંદગીમાં ફક્ત બે જ વાર સંબંધમાં હારી જાય છે –
- જ્યારે કોઈ પોતાનાને એ વ્યક્તિ ઓળખી જાય ત્યારે અને
- જ્યારે કોઈ પોતાનાને ઓળખી ન શકે ત્યારે…
જો કે અત્યારે હું બીજી લાઈનમાંએક નાનો સુધારો કરવા માંગીશ.
વ્યક્તિ જીંદગીમાં ફક્ત બે જ વાર સંબંધમાં હારી જાય છે –
- જ્યારે કોઈ પોતાનાને એ વ્યક્તિ ઓળખી જાય ત્યારે અને
- જ્યારે કોઈ પોતાનું એ વ્યક્તિને ઓળખી ન શકે ત્યારે…
સંબંધ ચાહે ટૂંકા ગાળાનો હોય કે લાંબા ગાળાનો, શારીરિક હોય કે માનસિક, સગીર સાથે હોય કે પ્રોઢ સાથે – પરંતુ એમાં બંધાતી કે જોડાતી વખતે વ્યક્તિ પોતાના જીવનની સૌથી મૌંઘી મૂડીને એમાં રોકે છે અને એ છે વિશ્વાસ. જ્યારે કોઈ પોતાનાને એ વ્યક્તિ ઓળખી જાય ત્યારે એટલે કે જો સામેવાળો વ્યક્તિ સંબંધોમાં કાવાદાવા રચી રહ્યો હોય, પોતાના પાર્ટનર, મિત્ર કે ભાગીદાર સાથે ગેમ રમી રહ્યો હોય તો જે દિવસે એ વ્યક્તિને એના પર વિશ્વાસ કરીને પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કર્યાનો અહેસાસ થશે એ દિવસે એ સંબંધમાં તણાવ કે તૂટ પડતા કોઈ નહિ રોકી શકે.
એ જ રીતે, જ્યારે તમે તમારા સંબંધોમાં પોતાના પાર્ટનરને નહિ સમજી શકો એટલે કે એની જરૂરિયાત, એનો સંતોષ નહિ સમજી શકો, એને પ્રાથમિકતા નહિ આપો એ દિવસથી એ વ્યક્તિમાં તમને કાં તો ગુમાવી દેવાની લાગણી જન્મશે અથવા તમારી સાથે જોડાયા બદલ ભૂલ કર્યાનો અહેસાસ અને અફસોસ બંને થશે.
જેમ સળંગ વરસાદ થયા પછી મહામારી રોકવા થોડો તડકો જરૂરી છે બસ એ જ રીતે સંબંધોની મધુરતા જાળવી રાખવા માટે સમજરૂપી તડકો જરૂરી છે અન્યથા બ્રેકઅપની મહામારીને આવતા કોઈ જ રોકી નહિ શકે…આવતા અંકે જાણીશું કે શારીરિક આકર્ષણ કઈં રીતે તમારા પ્રેમસંબંધની કતલ કરી શકે છે.
ચાલો મળીએ આવતા શનિવારે…