ખરી સમસ્યા

KhabarPatri News
By KhabarPatri News 6 Min Read

ચંદ્રિકા ઘણા  દિવસથી  મૂઝવણમાં આવી ગઇ હતી. લગ્નને દસ વર્ષ વીત્યા પછી તેના પતિ અતુલની વર્તણૂંકમાં  આવેલ પરિવર્તન તેને કંઇક અજુગતુ લાગતું હતુ. શું અતુલ કોઇ બીજી સ્ત્રી તરફ  તો નહિ ખેંચાયો હોય ? તે પોતે તો રૂપાળી હતી, બે સુંદર બાળકો પણ હતાં, હસતુ રમતું કુટુંબ હતું પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી અતુલ ચન્દ્રિકા અને બાળકો પ્રત્યે જાણે કે શૂષ્ક બનતો જઇ રહ્યો હતો. ચંદ્રિકાની કોઇપણ વાતમાં એ વિશેષ રસ લેવાને બદલે હા એ હા જ કરી દેતો હતો. ચંદ્રિકા અતુલને કંઇક રસિક અને આનંદમાં લાવવા માટે કોઇ સરસ  સિરિયલ કે ફિલ્મની વાત કાઢતી તો પણ એ કંઇ રસ લેતો જ નહિ. આમ થવાને લાધે ચંદ્રિકાના મનમાં શંકાનું બીજ રોપાણું હતું કે અતુલના જીવનમાં  કદાચ કોઇ બીજી યુવતી તો નહિ પ્રવેશી હોય ?

અતુલની વર્તણૂક માં આવેલા ફેરફારથી કંટાળીને ચંદ્રિકા આ વાતમાં કોની સલાહ કે મદદ લેવી તે વિચારવા લાગી. એને ગામડે  રહેતાં પોતાનાં સાસુને બોલાવીને વાત કરવાનો વિચાર આવ્યો, પણ એમાં કદાચ કશું ખાસ કારણ ન નીકળે તો અતુલ વધારે  ખીજાઇ પણ જાય ને તે ખોટી ખોટી શંકા કરવા લાગી છે એવું પણ ઉઘાડુ પડી જાય… એટલે ચંદ્રિકાએ આજ શહેરમાં રહેતી કોલેજ કાળની તેની ફ્રેન્ડ સ્મિતાને મળીને વાત કરવાનું વિચાર્યું…

સ્મિતાને ફોન કરીને એક બપોરે ચંદ્રિકા  અતુલ ઓફિસે હતો ત્યારે સ્મિતાને મળવા આવી પહોંચી. એક જ શહેરમાં માં રહેતી હોવા છતાં ચંદ્રિકા અને સ્મિતા બે ત્રણ વરસે અનાયાસે જ ક્યાંક મળી જતી  હતાં, પણ આજે ચંદ્રિકા ફોન કરીને ખાસ મળવા આવી એટલે સ્મિતાને પણ થોડું આશ્ચર્ય થયું હતું. ચંદ્રિકા અને સ્મિતા હજી બારણું બંધ કરી ડ્રોઇંગ રૂમમાં બેઠાં જ હતાં ત્યાં તો સ્મિતાના પતિની ગાડીનું હૉર્ન વાગ્યું. સ્મિતા પરિચિત હૉર્ન સાંભળી,

“ એ આવ્યા લાગે છે..” એમ બોલતી ઉભી થઇ ને બારણું ખોલી બહાર આવી.

જોયું તો ગાડીમાંથી સ્મિતાનો પતિ રાકેશ અને બીજી એક ડેશિંગ કહી શકાય તેવી મોડર્ન યુવતી ઉતરી… રાકેશ ચંદ્રિકાને આવેલ જોઇ ખુશ થયો અને

“ હલ્લો, ભાભી કેમ છો ? અતુલ કેમ નથી આવ્યો ?”

બોલતો અંદર આવ્યો. પેલી યુવતી પણ તેની સાથે અંદર આવી. એ લોકો થોડી વાર બેઠાં. સ્મિતાએ ચા-નાસ્તો આપ્યો તે કરીને રાકેશ તેની સેક્રેટરી જેવી લાગતી યુવતી સાથે પરત જતો રહ્યો…

ચંદ્રિકા આ બધુ વિસ્ફારિત નેત્રે જોતી જ રહી. તેણે સ્મિતાને કહ્યું પણ ખરું,

“ અરે મને ખબર હોત તો હું આજે ન આવત..” તો સ્મિતાએ કહ્યું,

“ ના ના એમાં તારે કંઇ અકળાવાની જરૂર  નથી…”  પણ પછી તેનો ચહેરો થોડો પડી  ગયો ને તે ધીમેથી બોલી,

“ ચંદ્રિકા તને શું કહું ? આ રાકેશને તો હું સમજાવી સમજાવીને થાકી ગઇ પણ આ એની ઓફિસની બલાને છોડતો જ નથી, શી ખબર કોણ જાણે એ રાંડે  શું જાદુ કર્યો છે એમના ઉપર !! મારું તો જીવન જાણે બરબાદ થવા બેઠું છે, મને તો છૂટાછેડા લેવાનો કે જીવન ટૂંકાવવાનો વિચાર પણ આવે છે, પણ હવે શું કરવું ? આ છોકરાંને લઇને આ ઉંમરે હવે મારે ક્યાં ભટકવું ? અને એટલે જ તો ન છૂટકે કોઈને કશું કહ્યા વગર બધું વેઠી લઉં છું …” બોલતાં બોલતાં સ્મિતાની આંખો ભીની થઇ આવી.

પેલી યુવતીને રાકેશ સાથે જોઇને જ ચંદ્રિકા ડઘાઇ ગઇ હતી.. વળી સ્મિતાએ જે ખુલાસો કર્યો તે સાંભળ્યા પછી તે વધારે અકળાઇ ઉઠી.. તે પોતે પોતાની સમસ્યાની વાત કરવા સ્મિતા પાસે આવી હતી,પણ અહીંયાં તો સ્મિતા જ મોટી મુસીબતમાં કસાયેલ જોઇ તે કશી વધારે વાત કર્યા વગર સ્મિતાને હિંમત આપીને પાછી વળી ગઇ.

રસ્તામાં તે તેના પતિ અતુલ અને સ્મિતાના પતિની સરખામણી કરવા લાગી, તેને થયું કે રાકેશ તો બદમાશ બની ગયો છે, ઉઘાડો પણ પડી ગયો છે ને અતુલે તો હજી આવું તો કશું કર્યુ નથી કે તેણે અતુલ બાબતે આવું કશું જોયું કે સાંભળ્યું પણ નથી તો હવે મારે  બિનજરૂરી શંકા કુશંકા કરવા જેવી નથી.  એ જ રાત્રે જ્યારે અતુલે તેની ઉદાસીનતા અંગે સ્પષ્ટતા કરતાં  કહ્યું  કે,

“ અલ્યા ત્રણેક માસ પહેલાં મેં મને ગળામાં થતા દુખાવા અને બળતરા અંગે પેલા મોટા સર્જન ડોક્ટરને  બતાવ્યું હતું તો એમને થોડા ટેસ્ટ વગેરે કરાવી ને મને  ગળાનું કેન્સર થઇ શકે તેવી શક્યતાની વાત કરીને ડરાવી મૂક્યો હતો.. તમે લોકો ડરી ન જાઓ એટલે મેં તમને કશું કહ્યું  ન હતું, પણ પછી મને ચેન ન પડ્યું એટલે મેં બીજા બે ડોક્ટરને બતાવ્યું અને બીજી બે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો તો છેલ્લે હવે પાકી ખબર પડી છે કે મને કશી જ તકલીફ નથી થોડું ઇન્ફેકશન થયું હતું એટલું જ… “

અતુલની બધી વાત સાંભળ્યા પછી ચંદ્રિકાના રાજીપાનો પાર ન રહ્યો…. ને પોતે અતુલ વિશે કરેલી એલફેલ શંકાઓ અંગે મનોમન પસ્તાતી રહી. એને લાગ્યું કે ખરી સમસ્યા અતુલની ન હતી પણ તેની શંકાએ ઉભી  કરેલી હતી.

  • અનંત પટેલ

anat e1526386679192

Share This Article