મિત્રો, આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે યુવા કવયિત્રી ઈશિતા દવે. ઘરમાં સાહિત્યિક વાતાવરણમાં એનો ઉછેર થયો. કોલેજમાં ભણતી એ વયે ગઝલસંગ્રહ આપીને ગુજરાતી સાહિત્યનાં અફાટ જલરાશિમાં ખુદની એક અંજલી ભેળવી.. ખૂબ જ લાગણીશીલ છતાં અડગ મનોબળ ધરાવતું આ વ્યક્તિત્વ ગુજરાતી સાહિત્યને મળેલી અણમોલ ભેટ છે એમ કહું તો અતિશયોક્તિ નથી.
આ દીકરી કહે છે કે જ્યારે હું ગઝલ લખતા શીખી રહી હતી ત્યારે આસપાસના લોકો ખૂબ મદદરૂપ થયાં. આવી કાળજી લેવાઈ રહ્યાનો અહેસાસ મારે મન મોટું ગૌરવ હતું. સક્ષમ વ્યક્તિને અનુકૂળ સંજોગો મળતા એનો સાહિત્યિક વિકાસ ઝડપી બન્યો. સર્જન ધારદાર અને રસાળ બન્યું. ગઝલની રજુઆત પણ દમદાર થવા લાગી. આ સમયે એક ગઝલ લખાઈ. લખતી વેળા મને સ્વપ્નેય ખ્યાલ નહીં કે આગળનાં સમય માટે આ ગઝલમાં વ્યક્ત થયેલી લાગણી જાતે જ અનુભવવી પડશે, પણ દીકરીનાં સર્જનની સાહિત્યજગતમાં નોંધ લેવાઈ અને અસ્મિતા પર્વનાં મંચ પર કાવ્યપાઠનો મોકો મળ્યો…
આજ સુધી એના વિકાસમાં સહભાગી થનાર લોકો પૈકી અમુક માટે આ વાત પચાવવી અઘરી હતી. અથવા એ હવે આ દીકરીની પ્રસિદ્ધિમાં પોતાને હિસ્સો મળે એવું કદાચ ઇચ્છતા હોય.. જે હોય એ, પણ હવે તેઓનું વર્તન બદલાતું ગયું. નાની ઉંમરે આ સ્થિતિનો સ્વસ્થતાથી સામનો કરવો ઈશિતા માટે અઘરું હતું. એ કહે કે ક્યારેક તો મને એમનો રીતસર ડર લાગતો. પણ એક ક્ષણે મને વિચાર આવ્યો કે એ મારી લીટી છેકીને નાની કરવા પેંતરા કરે છે ત્યારે હું મારું કદ એટલું વધારી દઉં કે એની જ નજરમાં એને પોતાનાં વામનપણાનો અહેસાસ થાય. એની આ સાત્વિક બદલો લેવાની તમન્ના ફળી, અને આ વર્ષે જાહેર થયેલા છેલ્લાં ચાર વર્ષના સાહિત્ય પુરસ્કારો પૈકી ૨૦૧૪નો યુવા કવિ ગૌરવ પુરસ્કાર આપણી ઈશિતાને મળ્યો.
એ છતાં પોતાના માન્યા હોય એવા લોકોને આ રીતે દૂર થતા જોવાનો અફસોસ એને હજી થાય છે.
કાવ્યપત્રી માટે પોતાની એક રચના મોકલતી વખતે ઈશિતાએ સ્વહસ્તાક્ષરોમાં આ પીડા વર્ણવી છે અને કહ્યું કે કોઈ લાગણી ચરમસીમાએ અનુભવ્યા પછીનાં કાવ્યો તમે આ કૉલમમાં લો છો, પણ આજે પહેલાં લખાયેલી ગઝલની તિવ્ર અનુભૂતિ વર્ષો પછી મેં કરી એની વાત લખો…
આ રહી એ ગઝલ.
જે છે બધું એ છોડવામાં વાર તો લાગે જ ને !
આ જાત આખી ખોળવામાં વાર તો લાગે જ ને !
હા, જિંદગી આખી ભલે તડફડ કરી તોડ્યું બધું ,
એકાદ સગપણ જોડવામાં વાર તો લાગે જ ને !
વર્ષો પછી આજે ટકોરા કોઈએ માર્યા અહીં,
તો બારણાને ખોલવામાં વાર તો લાગે જ ને !
બેરંગ એણે ખુદ કરી’તી આયખાની ભીંતને,
એવી દિવાલો ધોળવામાં વાર તો લાગે જ ને !
જેઓ હ્યદયમાંથી અહીં ઉતરી ગયા છે ક્યારનાં,
ઘરમાં છબી એ ચોડવામાં વાર તો લાગે જ ને !
ઈશિતા દવે ગઝલનો પહેલો શેર જ જિંદગીનો મર્મ જણાવી દે છે. જે કંઇ પોતાની પાસે છે… જે કંઇ તમે તમારી ક્ષમતા મુજબ ઉપાર્જિત કર્યું છે એ બધું છોડવું પડે એમાં વાર તો લાગે જ ને? સામાન્ય બોલચાલની રદીફ અહીં સાહજિક વાતાવરણ રચવામાં કેવી અસર ઉપજાવે છે એ પણ જોવું રહ્યું. અને તરત બીજા મીસરામાં કહે છે કે
આ જાત આખી ખોળવામાં વાર તો લાગે જ ને !
શું મળ્યું જે હવે છોડવાનું છે એટલું નક્કી કરવા માટે આખી જાત ક્યાંક્યાં વણાયેલી છે એ જોવું પડે સાહેબ ! એ કામ કરવામાં જ જન્મારો નીકળી જાય !
કોઈની તમા રાખ્યા વગર જીવવાની પણ એક મજા છે. સંબંધ તૂટવાનો ભય રાખ્યા વગર બધાને એની નબળાઈઓ મોઢા પર ઝાટકી દેવા મળે તો એ મોકો કોણ જતો કરે ? પણ એક તોરમાં એવું કરી દીધા પછી જે એકલતા ઘેરી વળે એમાંથી બહાર આવવા કોઈ સાથીની જરૂર પડે જ પડે. એવા સમયે ફરીને નવું સગપણ જોડવામાં બહુ વાર લાગી જાય છે.
કદાચ તમે તમારી લાગણીઓને કુંઠિત કરી નાખો.. મનને બંધિયાર બનાવી દો… અને તમારા બંધ દ્વાર પર માનો કે કોઇ ટકોરા દે ત્યારે ? મનનાં દ્વારે સ્નેહનાં મીજાગરા હોય છે. બંધ બારણાનાં આ મિજાગરા કાટ ખાઈ જાય તો કોઈ સામેથી ટકોરા મારવા વાળું આવવા છતાંય એ દ્વાર ખોલવામાં વાર લાગી જાય છે.
જગતથી પોતાની જાતને તારવો એટલે તમે જ એકાકી બની જવાના. માણસ આખરે તો ટોળાનો જીવ છે. રાત પડ્યે પાંચ માણસોને મળાયું ન હોય એની ધીમી પણ લાંબાગાળાની અસર મન પર પડે છે. સંબંધોના વાદળા તાપને ખાળતા હોય છે. જે અહમના તેજ હેઠળ સંબંધોના વાદળ વીખેરી નાખ્યાં હોય એ જ અહંકાર ધીમેધીમે સૂરજ બનીને તપે છે. આયખાનાં ઓરડાની ભીંતે કરૂણા, લાગણી, સ્નેહ જેવા બધાં જ રંગો ફીકા પડી જાય છે. ત્યારે કોઈ રંગનાં કૂંડા લઈને એ ભીંતોને પૂર્વવત રંગવા કદાચ આવે તો પણ એને રંગ ચડવામાં ખૂબ વાર લાગે એ સાહજિક છે.
એક વાર હ્યદયમાં માનભેર સ્થાપિત કરેલી વ્યક્તિ એનું સ્થાન ગુમાવી દે પછી એનાં માટે આદર અને અનુરાગ પૂર્વવત થતા નથી. જાણે એ કોઈ દિવસ આપણી જિંદગીમાં આવ્યાં જ ન હોત તો કેવું સારું એ હદે મનમાં તિરસ્કાર જાગે એ વખતની લાગણી આ શેરમાં આવી છે. એ ખુદ તો હવે ફરી ક્યારેય હ્યદયમાં આવી શકવાના નથી, પણ એ ક્યારેક હતાં એવી સ્મૃતિરૂપ છબી પણ મોટું મન રાખી હ્યદયની દીવાલ પર ટાંગવી હોય તો એટલા સ્વસ્થ થવામાં પણ ખૂબ સમય નીકળી જાય છે.
તારી અંગત સંવેદના કાવ્યપત્રી સાથે વહેંચવા માટે ખૂબખૂબ આભાર ઈશિતા. સતત લખતી રહે. સત્વશીલ લખતી રહે. ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરતી રહે….
નેહા પુરોહિત