‘ઘણીવાર લડી શકવાની ક્ષમતા ધરાવતી કોઈ સ્ત્રીને એનાં સમય સામે ઘૂંટણિયે પડતી જોઉંને, ત્યારે મને એવો તો ગુસ્સો આવે કે ન પૂછો વાત! અરે યાર, તારા અસ્તિત્વ માટે તો કંઇક વિચાર! સાવ ખાલી અમથી તો તું આ દુનિયામાં નહીં જ આવી હોય ને? જાતની થોડી તો કદર કર ! પણ ઘણીવાર આ શબ્દો માહ્યલામાં મોટું તોફાન જગાવી જાય, પણ હોઠ પર આવી શકતા નથી. ત્યારે વળી જાત પર ગુસ્સો આવે… ત્યારે આ ગુસ્સો કવિતા બનીને કાગળ પર ઠલવાઇ જાય.’ આ શબ્દો છે કચ્છની કવયિત્રી હિમશીલા માહેશ્વરીનાં… એમની કવિતા આ રીતે આવતી હોવાથી આપણા હ્યદય સોંસરવી નીકળી જાય છે. એમની સંવેદનાને અછાંદસનું રૂપ વધુ માફક આવે છે. ક્યારેક તો એ કવિતામાં એમની તીવ્ર લાગણી એવાં શબ્દથી વ્યક્ત કરે કે આપણે બે ઘડી ત્યાં થોભવું પડે .
કાવ્યપત્રી માટે એમની કવિતા આપવા કહ્યું ત્યારે ખૂબ જ ઉત્સાહથી પોતાની વાત રજૂ કરી. અને આ કવિતા આપી.
બહું થાકી ગઈ છું,
 ભાગદોડથી ,
 બસ હવે આંખો બોઝલ,
 ને ,લાં,,,,બી,……ઊંઘ,
 બખોલમાંથી તરડાઈને આવતા,
 થોડા ચિત્ર-વિચિત્ર સૂર,
 જેને હું બરાબર
 નથી સાંભળી શકતી_
 કઈ ,કેટલાય ધૂંધળા ચહેરા,
 થોડા ચિંતાતૂર_થોડા રડમસ,
 પણ આજે હું બેબસ છું,
 એમને સધિયારો આપવા..
 ઘણા સંદેશાઓ પછી પણ,
 કારણવશ ન આવી શકેલા,
 કઈ કેટલાય સ્વજનો _મિત્રો ,
 આજે ટોળે વળી આંગણે ઉભા છે..
 પણ બદકીશ્મત  હું, ! કે ,આજે,
 એમને આવ-આદર નહિ આપું….
 ઘણા કોડ હતાં મને…કાયમ,
 નવોઢા જેમ સજીધજી રહેવાના..
 ને રહી પણ …
 આજે પણ સજાવાઈ છું…
 પણ…
 હું મને અરીસા માં નહિ જોઈ શકું,,,
 નહિ જોઈ શકું કે મારી લાલ બિંદી
 સહેજ ત્રાંસી તો નથી ને….??? 
 આંખનું કાજળ તો 
 સમજણી થઇ ,ત્યારથીજ 
 મારો પ્રથમ શણગાર રહ્યો છે….
 સહુ એમ જ કહેતા કે 
 ””કાજળ ભર્યા નયનના ””’
 પણ આજે એ કાજળ 
 આંખમાં અંજાયું છે ,કે પાંપણે લટકે છે…
 નહિ જોઉં 
 ચાર ખભા હાજર છે મને સફર કરાવવા ..
 ને હું પણ,,,,,,
 પણ …આ શું ?????
 હું કોઈ ભર-ભલામણ વગર,
 મારું ઘર રેઢું મુકીને જઈ રહી છું..
 મને એવો કોઈ અવકાશ જ નથી મળ્યો 
 કે હું કોઈ સૂચનો કરી શકું …
 મારી સફરમાં કઈ કેટલાય 
 પડાવ આવે છે …
 પણ મારે ક્યાય રોકાવું નથી ,
 મંદિર આવ્યું પણ હું આજે ત્યાં દર્શન કરવા નહિ જાઉં …
 પ્યારી અંગત સખીનું 
 વરંડાબંધ મકાન નજીક આવી રહ્યું છે 
 પણ મારે આજે ત્યાં નથી જવું…
 ચોરો-ચબુતરો,કુવાકાંઠો 
 આ બધાને વટાવીને 
 હું આગળ ને આગળ ચાલી નીકળું છું 
 મારો ભાર ઉંચકી, 
 ચાર ખભા થાકી ગયા છે,
 આખરી પડાવને નજીક જોઇને,
 ચહેરે ઉદાસીનું આવરણ 
 પણ હૈયે હાશ લઇ 
 એ લોકો મને પહોંચાડી દે છે
 મારા આખરી ધામે 
 કાષ્ટની શૈયા પર મને પોઢાડીને 
 પહેલા જે જીવ બાળતા,
 તે હવે મને હાડમાંસ સાથે
 અગ્નિના હવાલે કરે છે ….
 ક્યારેય સાથ ન છોડવાના 
 વચન આપનાર મારા ખાસ થોડા સ્વજનો ,
 મને એકલી મુકીને પાછા પગ કરે છે..
 હા ….આશ્વાસન ખાતર 
 મારા અસ્થિ સાથે લઇ જાય છે….
@હેમશીલા માહેશ્વરી’શીલ’
કવિતાની શરૂઆત જ થાકી જવાથી થાય છે.. અને પછી લાં…બી ઊંઘ! અહીં જ સજ્જ ભાવકને અણસાર આવી જાય કે આ મૃત્યુ વિષયક કવિતા હોવી જોઈએ. જિંદગી માટે પુરુષ અને સ્ત્રીના દ્રષ્ટિકોણમાં તફાવત હોય , પણ અહીં સ્ત્રીની નજરે મૃત્યુની ઘટનાનું વર્ણન છે…
આખાં ઘરમાં પોતાનું અસ્તિત્વ વીખેરીને બેઠેલી સ્ત્રી આ ક્ષણે પોતાની ચેતના સમેટી રહી છે ! શેરીનાં ખૂણે પતિનું સ્કૂટર વળાંક લે ત્યાં રસોડામાંથી પારખી જનારી એને આજે એની આસપાસ થતી વાતચીતનો સ્વર બખોલમાંથી આવતા તરડાયેલા સૂર જેવો લાગે છે ! સ્વજનોના વિકટ સમયે આશ્વસ્ત કરતી એ આજે ય એમને પોતાના માટે આમ વિહ્વળ થતાં જોઈ શકતી નથી. પણ હવે એ આશ્વાસન આપવા અસમર્થ છે. સ્ત્રી જ્યારે પોતાનું લગ્નજીવન શરુ કરે ત્યારે આશાવાદની ચરમ સીમાએ હોય છે. જેમજેમ સમય પસાર થાય, અને વાસ્તવિકતા મોં ફાડીને સામે ઊભી રહે ત્યારે એનો સ્વીકાર કરવાને બદલે પોતાની તર્કની દુનિયા વસાવી લે છે. ઘરને ડામાડોળ થતું અટકાવવા પોતાનાથી બનતા દરેક પ્રયત્ન કરી છૂટે છે. આ જ વાતનો ગર્ભિત ઈશારો કરતા કવયિત્રી કહે છે કે-
ઘણા સંદેશાઓ પછી પણ,
 કારણવશ ન આવી શકેલા,
 કઈ કેટલાય સ્વજનો _મિત્રો ,
 આજે ટોળે વળી આંગણે ઉભા છે..
 પણ બદકિસ્મત  હું, ! કે આજે
 એમને આવ-આદર નહિ આપું….
કોઇ કારણ હશે કે જેથી ઘણા સંદેશાઓ મોકલ્યા પછી પણ તેઓ મળવા આવ્યા નથી ! આજે એ બધાં આંગણે ટોળે વળી ઊભા છે… આ વાત પણ કેવો તીવ્ર કટાક્ષ લઈને આવી છે ! છતાં આવકાર આપવાની પોતાની અક્ષમતાને ખુદની બદ કિસ્મતમાં ખપાવવા જેટલી ઉદારતા તો એક સ્ત્રીમાં જ હોય.
અરિસાને પોતાનો સાથી માનવો એ દરેક સ્ત્રીની લાક્ષણિકતા છે. કોઈ ધ્યાન આપે કે નહીં, ખુદને ખુદની સજાવટમાં સહેજે ઓછું રહી જાય એ પાલવે નહીં. અહીં પણ કવયિત્રી અંતિમ સફર માટેના શણગારની વાત ખૂબ સુંદર રીતે વર્ણવી, આ વખતે પગે ચાલીને નહીં, પણ ચાર ખભા પર કરવાની છે, ને એના માટે હવે એ ય પુરી તૈયાર છે, પણ…. આમ કાયમ માટે ઘર રેઢું મુકી જવાનું હોવા છતાં કોઈને ભલામણ ક્યાં કરવાની છે?! આ વાત કવિતા વાંચતી વખતે મનમાં ઉઝરડો પાડી જાય છે .
હવે વાત આવે છે સ્મશાન યાત્રાની ! સ્ત્રીઓની પ્રકૃતિ જ એવી હોય કે આંગણમાં આંટો મારે તો ય બે પડોશણ સાથે વાત કરતી આવે.. આ તો અંતિમ યાત્રા છે ! અંગત સખીનું વરંડાબંધ મકાન… કે જ્યાં કરેલી બધી જ અંગત વાતો સલામત છે.. આ મકાન પસાર કરવાનું છે, અને મંદિર, ચોરો, ચબૂતરો..કૂવાકાંઠો… જે દરેક સ્થળ સાથે જિંદગીનો ભાર હળવો કર્યાની કોઈને કોઇ સ્મૃતિ સંકળાયેલી છે- ત્યાંથી આજે નિર્લેપ ભાવે નીકળી જવાનું છે. આખી જિંદગી જેમની જવાબદારીઓનો ભાર ઊંચકી રાખ્યો એ ચાર ખભા જાણે આટલી સફરમાં થાકી ગયા છે. ચહેરા પર ઉદાસીનું આવરણ, પણ સ્મશાન નજીક આવેલું જોઇ એમનાં હૈયામાં થતો હાશકારો એ અનુભવી રહી છે.
અંતે અગ્નિદાહની વાત આવે છે, કે નાની નાની વાતોમાં મારા માટે જીવ બાળતા સ્વજન આજે મને અગ્નિને હવાલે કરી દે છે ! જનમ જનમનો સાથ નીભાવવાની વાતો કરનારા ખાસ માનેલા સ્વજનો હવે એને સ્મશાનમાં એકલી મુકીને ચાલ્યા જાય છે. અહીં કવયિત્રી ‘પાછા પગ કરે છે’ કહીને આ વાતને વધુ ઘેરી બનાવવામાં સફળ રહ્યા છે. આત્મસંતોષ ખાતર થોડાંક અસ્થિ ઘરે લઈ જવાની વાત પણ સૂચક છે.
આખી કવિતા મૃત્યુ અને અગ્નિદાહ વચ્ચેનો સમયગાળો દર્શાવે છે. સ્ત્રીની કલમે કહેવાયેલી હોવાથી આ વાત વધુ સંવેદનશીલ બની છે. નાના નાના પ્રતિકો લઈને આવેલું આ અછાંદસ માર્મિક પણ છે, અને સ્ત્રીનાં મનોજગતનો સાચો ચિતાર પણ આપી જાય છે.
સરસ મજાની કવિતા આપવા માટે ખૂબ ખૂબ આભાર હેમશીલાજી.
મિત્રો, કાવ્યપત્રીના આ હપ્તા માટે અભિપ્રાય આપશો.. મને આનંદ થશે.
નેહા પુરોહિત
 



 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		