* કાવ્યપત્રી *
“મારો ગમતો વિષય છે પ્રેમ ! કારણ કે એ મને સહજ અને પુષ્કળ મળ્યો છે. મિત્રવર્તૂળ ઘણું નાનું, પણ બધા જ લાગણીની બાબતમાં માલામાલ ! જીવન છે તો ચડાવ ઉતાર આવ્યા કરે, પણ આજ સુધી આપણે ઘા ખાઇ જઇએ એવી ઘટના બની નથી. મને કદાચ આ કારણે જ છૂપો ભય રહે કે મારી આટલી બધી હ્યદયસ્થ વ્યક્તિઓ પૈકી એક પણ મારાથી અંતર પાડી દે તો ?! કોઇને તમે બેફામ ચાહો, એ વ્યક્તિને એની ખબર પણ હોય, અને એ છતાંય તમારી લાગણીને એ અવગણ્યા કરે તો ? મારાં મનમાં એક વાત સમાંતરે ચાલ્યા કરે, કે પ્રેમ હોવાથી શું થાય અને પ્રેમ ન હોવાથી શું થાય ! આ સતત ચાલતો કાલ્પનિક સંઘર્ષ અમુક વખતે મને એ સ્પંદનોની અનુભૂતિ કરાવી જાય જે મેં ક્યારેય અનુભવ્યાં નથી. આ ગઝલ એવી જ મનોદશા વખતે અવતરી છે.
ઘોર અંધારું અને એકાંત જોવા આવતું,
થઈ ગયો છું એક નિર્જનપ્રાંત, જોવા આવતું.
આજુબાજુ ચાલનારા પણ બધા ચોંકી ઉઠે,
એમ આ હૈયું કરે કલ્પાંત, જોવા આવતું !
કોઈ હલચલ , કોઈ કોલાહલથી વિચલિત થાઉં ના,
થઈ ગયો છું કેટલો હું શાંત ! જોવા આવતું.
હું તને ચાહું તને ચાહું તને ચાહું તને….
જીભ પર મારા રમે વેદાંત ! જોવા આવતું.
આજનો કે કાલનો કે ઈસ્વીસન પૂર્વેનો હું ?
હોય કેવું એક જણ કા લાન્ત ! જોવા આવતું.
…………………. ………………….. ………………….
મિત્રો, આ વાત કહી રહ્યા છે ગોધરાના કવિ રિષભભાઇ મહેતા ! કાવ્યપત્રી માટે પોતાની મનપસંદ આ ગઝલ હરખભેર આપીને એ પોતાનાં કાવ્યસર્જન વખતની વાતો પણ કરે છે. કહે કે‘ કોઇપણ ઘટના બને કે તરત એ વખતે થયેલ સંવેદનને કાવ્યમાં વણી લેવું મારા માટે સહજ નથી. ગોધરાકાંડ જેવી મોટી ઘટના બની, એ પીડા છ મહિના સુધી મારાં મનમાં વલોવાયા કરી. એ પછી ગઝલનાં શેરમાં એનો પડઘો પડ્યો.’ આ વાત પરથી આપણે એવા નિષ્કર્ષ પર આવી શકીએ કે આ દરદને ઘૂંટીઘૂંટીને એનો અર્ક કાઢનારા કવિ છે.
આપણી સાથે વહેંચેલી ગઝલ બાબત પણ આવું જ છે. જેના વગર રહી જ ન શકાતું હોય, એ વ્યક્તિ નારાજ થઈને ચાલી જાય ત્યારે કેવા હાલ થતા હશે- એ સંવેદનની પીઠ પર આ ગઝલ આરૂઢ થઈને આવી છે.
ઘોર અંધારું અને એકાંત જોવા આવતું,
થઈ ગયો છું એક નિર્જન પ્રાંત, જોવા આવતું.
પ્રિયપાત્રની ઉપસ્થિતિ એટલે ભીતર બહાર બધું જ ઝળાહળા ! એકાંતમાં વસ્તીનો અનુભવ થાય, એકાંત અને એકલતા વચ્ચેનો ભેદ સમજાય ત્યારે માનવું કે જાતનો પ્રેમની ચરમસીમા એ વસવાટ થયો છે. ભૂતકાળને ભૂલી જવા મન લલચાય, વર્તમાન અને ભાવિ – બેઉને સ્પર્શતા મુદ્દાઓનાં કેન્દ્રમાં કોઇ નામ ઝબક્યાં કરે ત્યારે તમે નિઃશંક એના પ્રેમમાં છો. જ્યારે આજ પાત્ર દૂર જતું રહે ત્યારે બધું જ ખલાસ ! ભીતરે દીવો ઠરી ગયા પછી આંગણે સાત સૂરજ સામટા ઉતરી આવે તોય શું ? જાત નિર્જન ખંડેર જેવી લાગે.. કવિ આ વાતને વધુ ઘેરી કરતા ‘જાત’ માટે ‘પ્રાંત’ રુપક લઈને એને કાફિયો બનાવે છે ! આ જગ્યા એક વિકર્મની ઊંચાઇ જોવા મળે છે. કાફિયો દરેક શેરનું હ્યદય છે. યોગ્ય કાફિયા વગર જાનદાર રદિફ વેડફાઇ જાય. એક ઘર, વિસ્તાર કે ગામ ખંડેર થાય તો પણ એ સહેવું મુશ્કેલ છે, અહિ તો આખો પ્રાંત ખંડેર થઈ ગયો છે. જે વ્યક્તિ એના માટે કારણભૂત છે એને જ એની ફરી મુલાકાત લેવા આવવાનું ઇજન આપવું એ પણ કેટલું ગજું માપી લે એવી વાત થઈ !
આજુબાજુ ચાલનારા પણ બધા ચોંકી ઉઠે,
એમ આ હૈયું કરે કલ્પાંત, જોવા આવતું !
હૈયું નંદવાય ત્યારે ભીતર વહી રહેલી ઊર્જા પર એની સીધી અસર થાય. આ ઊર્જા જ આપણા સામાજિક સંબંધો સ્થાપિત કરતી હોય છે. કોઇ વ્યક્તિનું અમથું અમથું ગમી જવું, એ જ રીતે કોઇ માટે અકારણ અભાવની લાગણી થતી આપણે સહુએ અનુભવી છે. ખુશ ખુશાલ વ્યક્તિની બાજુમાંથી પસાર થઇએ તો પણ એકાદ ક્ષણ માટે આપણને આનંદ થાય. રસ્તા પર જતા હોઇએ, ને કોઇ આંગણે વર વધૂ પોંખાતા હોય ત્યારે આપણાં મનમાંય કેવો હરખ ઉભરાય ! આથી વિરુદ્ધ નંદવાયેલા હૈયાની ઊર્જા પણ અસર કરે. હ્યદયનો ચિત્કાર હંમેશા હ્યદયને વલોવી નાખે એવો જ હોય ! પ્રેમમાં નાસીપાસ થનાર માણસ પોતાની વેદના વ્યક્ત કરવાનું ટાળે જ, છતાં એની ઓરા એટલી બધી બદલાઇ જાય કે આસપાસની વ્યક્તિ જાણી જાય કે ક્યાંક કશી ગરબડ તો છે જ!
આજુબાજુનાં લોકો ચાલી રહ્યાં છે. આ ‘ચાલવું’ એ એક સ્થાનથી બીજે જવાની વાત નથી. આ વહેતી જિંદગીની વાત છે. બધાનું જીવન સુખરૂપ ચાલી રહ્યું છે, પણ પોતાનું મન જે હદે કલ્પાંત કરી રહ્યું છે એની અસર આસપાસના લોકો પર એ હદે થાય છે કે એ ચોંકી જાય છે ! ઊર્જાની આ મોટી ઊથલ પાથલ જોવા આવવાનું ઇજન આપતો શેર કેવો મજાનો બન્યો છે !
આ ગઝલ પુરુષ દ્વારા લખાયેલી છે ત્યારે ત્રીજો શેર ધ્યાનાકર્ષક લાગે. કોઇને જોઈને પ્રેમમાં પડે પછી એ સફળ થાય કે નહીં, પણ દરેક પગથીયે ઉતાવળા નિર્ણયો લેવા એ પુરુષની લાક્ષણિકતા છે. મળવા માટે નિયત કરેલા સમયથી બે મિનિટ પણ મોડું કરતી પ્રિયતમાને એના ધૂંધવાટનો સામનો કરવો જ રહ્યો. ઘડીકમાં ગુસ્સો, ઘડીકમાં શાંત ! પુરૂષને ઘડતી વખતે આ વારંવાર વિચલિત કરનાર ઉતાવળિયો સ્વભાવપણ વિધાતાથી ઉતાવળે જ ઇનસ્ટોલ થઈ ગયો હોય એવું લાગે. અને પ્રિયપાત્રને આ વાતનો અણગમો હોય, ઉપરાંત એ મુક્ત મને અનેકવાર જાહેર પણ કર્યો હોય ! આમ પોતાનાં સ્વભાવની આ ખામી વિશે તો પુરુષ જાગૃત હોય જ, પણ પ્રેમિકાને એ વાત કઠે છે એની પણ ખબર હોય.. છતાં આ તકરાર જ બેઉને નજીક લાવવા પણ કારણભૂત બની હોય !
આજે પ્રિયા નારાજ થઈને ચાલી ગઈ છે ત્યારે પોતાની પ્રકૃતિ ખોવાઈ ગઇ હોય એવું નાયકને લાગેછે. કહેછે કે–
કોઈ હલચલ, કોઈ કોલાહલથી વિચલિત થાઉં ના,
થઈ ગયો છું કેટલો હું શાંત ! જોવા આવતું.
નાયિકાએ સ્વભાવની જે અવસ્થાની ખેવના કરેલી એને વિશેષણ તરીકે લઈ,
કાફિયા તરીકે વાપરીને આ શેરને અનોખું સૌંદર્ય આપવામાં કવિ સફળ રહ્યા છે.
હું તને ચાહું તને ચાહું તને ચાહું તને….
જીભ પર મારા રમે વેદાંત ! જોવા આવતું .
હાથ વછૂટ્યું સઘળું જ આપણાં જીવનમાં એ કેટલી અગત્ય ધરાવતું હતું એનો ક્ષણેક્ષણ અહેસાસ કરાવતું હોય છે. નાયિકા જતી રહી છે, પછી જ એણે સદાય ઝંખેલ, કદાચ નાયક દ્વારા કહેવાનું રહી ગયેલ એક વાક્ય – ‘હું તને ચાહું છું’ હવે સિદ્ધમંત્રની જેમ નાયકની જીભે વસી ગયું છે.
આમ જોઈએ તો આપણું આ ધરતી પર અવતરણ કોઈ હેતુસર જ થયું છે. આ હેતુ સમગ્ર સૃષ્ટિને પ્રેમ કરવા સિવાય બીજો શો હોઇ શકે ? નવાઈની વાત એ છે કે જીવવા માટે સગવડો ઊભી કરવામાં એટલો સમય વેડફી નાખીએ છીએ કે જીવનની આ પ્રાથમિક જરૂરિયાત જ સંતોષાતી નથી.
નાયિકાના જતા રહ્યા પછી ન કહેવાયેલું વાક્ય જાણે વેદાંત હોય એમ રટના બની ગયું છે.
આજનો કે કાલનો કે ઈસ્વીસન પૂર્વેનો હું,
હોય કેવું એક જણ કાલાન્ત ! જોવા આવતું .
પ્રિય સાથે પસાર કરેલ સમય ખંડ ક્ષણ જેવો લાગે, ને ક્ષણ ભરનો ઝૂરાપો સદિ જેવો ! વિરહની વેદના નાયકનાં ચિત્ત પર એ હદે સવાર થઈ ગઈ છે કે હવે એને સમયનું કોઇ ભાનસાન રહ્યું નથી. ભૂતકાળનાં સ્મરણોનાં વિસ્તારમાં કદમ મુકવાથી પીડા મળશે, વર્તમાન તો અસહ્ય છે જ, અને ભવિષ્યમાં પણ એ આવે એવી કોઇ શક્યતા આજે દેખાતી નથી. કોઇ ખાસ જણ પોતાની જાતનો સંદર્ભ બની ગયા પછી સંબંધ તૂટે ત્યારે પોતે માત્ર શ્વસે છે એટલું જ જીવે છે, હવે એને નથી ભૂતકાળ, ના વર્તમાન કે નહીં ભાવિ.. નાયક આ રીતે કાલાન્ત બની ગયાની વેદના ભાવક ના મનને ચીરી જાય એ રીતે વ્યક્ત કરી શક્યા છે. ! લમણે લખેલા શ્વાસ પુરા કરવા જીવતા માણસની દશા સાચે દયનીય હોય છે.
‘જોવા આવતું ’રદિફ ક્યારેક મનાવવા માટે, તો ક્યારેક કરગરતા નાયકની દશા સૂચવવા સફળ નિવડી છે. રિષભભાઈ, આવી સરસ ગઝલ મેળવવા માટે ખૂબ ખૂબ અભિનંદન, અને એ અમારી સાથે વહેંચવા બદલ આપનો આભાર માનું છું.
મિત્રો, ફરી મળીશું.
આવતા બુધવારે…
- નેહા પુરોહિત