અમદાવાદઃ દેવાધિદેવ મહાદેવના હિન્દુ ધર્મમાં ઉલ્લેખ કરાયેલા વિશ્વપ્રસિધ્ધ કૈલાસ માનસરોવરની તીર્થયાત્રાને લઇ પર્યટકો અથવા તો ધર્મપ્રેમી જનતામાં અનેક ભ્રમણાઓ, ડર અને ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોય છે ત્યારે શહેરના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા અને કૈલાસ માનસરોવરની યાત્રા પૂર્ણ કરીને આવેલા શિવભકત દંપતિએ કૈલાસ માનસરોવર જવા ઇચ્છતા અને ધર્મપ્રેમી જનતાના હિતાર્થે કૈલાસ દર્શન નામનું એક અનોખું પુસ્તક પ્રસિધ્ધ કરવામાં આવ્યું.
નોંધનીય વાત તો એ છે કે, સામાન્ય રીતે કોઇપણ લેખક પોતાના પુસ્તકનું વિમોચન જાણીતી હસ્તી કે મહાનુભાવના હસ્તે કરાવતા હોય છે, પરંતુ પ્રસ્તુત કિસ્સામાં વિષ્ણુભાઇ પટેલે તેમના માતૃશ્રી જીવીબહેન આર.પટેલના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. એટલું જ નહી, કૈલાસ માનસરોવર જવા ઇચ્છતા અને અન્ય પર્યટક-ધર્મપ્રેમી જનતાને આ દંપતિએ કૈલાસ દર્શન પુસ્તક વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.
કૈલાસ દર્શન નામના આ પુસ્તકમાં કૈલાસ માનસરોવર જવા માટે શું કરવું, શું કાળજી રાખવી, કઇ-કઇ ચીજવસ્તુ લઇ જવી, હેલ્થ ચેક અપ, તબિયતની કાળજી, તેના નિયમો-જાગવાઇઓ, યાત્રા દરમ્યાન સાથે શું રાખવું, યાત્રા માટે સરકારમાં અરજી કેવી રીતે કરવાથી માંડી પરત ફરવા સુધીની ઝીણામાં ઝીણી માહિતીનો ઉલ્લેખ કરાયો છે.
કંઇક રસપ્રદ અને પ્રેરણારૂપ એવા આ કિસ્સાની વિગત એવી છે કે, શહેરના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા અને ધંધાકીય એકમ ધરાવતાં વિષ્ણુભાઇ પટેલ માત્ર ધોરણ-૧૦ સુધી જ ભણેલા છે. ઉંઝાના હાજીપરાના વતની પત્ની ભારતીબહેન પટેલ સાથે પોતાની પાછલી જીંદગી વ્યતીત કરી રહ્યા હતા ત્યાં અચાનક કૈલાસ માનસરોવર જઇને આવેલા શિવભકત દ્વારા ઘેર પ્રસાદ આપવામાં આવ્યો હતો અને તેને લઇને બસ કૈલાસ માનસરોવર જવાની વિષ્ણુભાઇ પટેલને પ્રેરણા જાગી અને આ ધાર્મિક યાત્રામાં તેમણે પોતાની પત્ની ભારતીબહેનને પણ સહભાગી બનાવ્યા. પહેલાં તો લોકોના કહ્યા-સાંભળ્યા પ્રમાણે, કૈલાસ માનસરોવરની યાત્રા બહુ કઠિન છે, તેમાં બહુ અઘરી પ્રક્રિયા હોય છે અને કાચા-પોચાનું કામ નહી જેવી વાતો કાને અથડાઇ હતી, પરંતુ આખરે મન મક્કમ કરીને તેઓ પોતાની કૈલાસ માનસરોવરની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીને પરત આવ્યા હતા.તાજેતરમાં ભારતમાં લિપુલેખ પાસના રસ્તેથી કૈલાસ માનસરોવરની પવિત્ર યાત્રા સંપન્ન કરીને આવેલા દંપતિએ પરત ફર્યા બાદ મનમાં દેવાધિદેવ મહાદેવના આ પવિત્ર સ્થાનકમાં જવા ઇચ્છતા અન્ય ધર્મપ્રેમી લોકો અને પર્યટકોના ડર, ભ્રામક ખ્યાલો અને ગેરમાન્યતાઓને દૂર કરવાના ઉમદા આશયથી કૈલાસ દર્શન નામનું ખાસ પુસ્તક લખવામાં આવ્યું, અને તેનું વિતરણ પણ ધર્મપ્રેમી જનતામાં બિલકુલ વિનામૂલ્યે કરવામાં આવ્યું.
નોંધનીય વાત તો એ છે કે, વિષ્ણુભાઇએ પોતાના આ પુસ્તકનું વિમોચન બીજા કોઇ મહાનુભાવો કે હસ્તીના હાથે નહી, પરંતુ માતા જીવીબહેન આર. પટેલના હસ્તે કરાવ્યું અને સમગ્ર સમાજમાં એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું હતું. પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમમાં અમરાઈવાડી વિસ્તારના ધારાસભ્ય એચ.એસ.પટેલ, પાટીદાર સમાજનાં અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. લેખક દંપતિ દ્વારા સહ કૈલાસ માનસરોવર યાત્રીઓનાં સન્માનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતનાં રસ્તેથી થતી કૈલાસ માનસરોવર યાત્રાની વિડીયો ફિલ્મ, ફોટો પ્રદર્શન વગેરે પણ બતાવવામાં આવ્યું હતું. ૮૪ પાનાનાં કૈલાસ દર્શન પુસ્તકમાં લેખક દંપતિએ યાત્રાની તૈયારીથી લઈને યાત્રા પરિપૂર્ણ થાય ત્યાં સુધીની તમામ વિગતોને કંડારી છે અને સુંદર ફોટોગ્રાફસ પણ મુક્યા છે. આ પુસ્તક તમામ ધર્મપ્રેમી જનતા ખાસ કરીને કૈલાસના દર્શન કરવા ઇચ્છતા યાત્રાળુઓ માટે માર્ગદર્શક સાબિત થાય તેમ છે.