જિયો સ્ટુડિયોની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓ ને’ 4 નવેમ્બરના રોજ થઇ રહી છે રીલિઝ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ગુજરાતઃ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી સ્ટારર રોલર કોસ્ટર કોમેડી ‘વ્હાલમ જાઓ ને’ 4 નવેમ્બરના રોજ રીલિઝ થવા જઇ રહી છે. ફિલ્મના મુખ્ય કલાકારો પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી, ડિરેક્ટર હાર્દિક ગજ્જર, લેખક રાહુલ પટેલ, જિયો સ્ટુડિયોના હેડ ઑફ કોન્ટેન્ટ શોભા સંતે અમદાવાદની મુલાકાત લીધી હતી.

અમદાવાદની મુલાકાતે આવેલા પ્રતિક ગાંધીએ જણાવ્યું, “ફિલ્મમાં સર્જાતી રોલર કોસ્ટર કોમેડી ‘વ્હાલમ જાઓ ને’માં મુરતિયો બિલકુલ મૂડમાં નથી. મુરતિયાને લગ્ન કરવા છે અને પછીથી લગ્ન નથી કરવા તેને લઇને જે સિચ્યુએશન કોમેડી સર્જાય છે. ‘વ્હાલમ જાઓ ને’ એક પરફેક્ટ રોમેન્ટિક ડ્રામા છે, જેમાં ભરપુર કોમેડી જોવા મળશે. આ પારિવારિક મૂવી છે, જે દર્શકોને થિયેટર્સમાં ખડખડાટ હસાવશે.”

દીક્ષા જોશીએ જણાવ્યું, “ફિલ્મમાં હું રીનાનું કેરેક્ટર ભજવી રહી છું, જે ફેશન સ્ટાઇલિસ્ટ છે. ફિલ્મમાં હું પ્રતિક ગાંધીને અવનવી ફેશન સ્ટાઇલના કપડા પહેરાવી રહી છું, જે તેને અકળાવી મૂકે છે. એમ કહી શકાય કે આ વ્હાલમ એટલે કે પ્રતિક ગાંધીને કેવી રીતે મારી સાથે ડીલ કરવી તે સમજાઇ રહ્યું નથી. તેને લઇને સિચ્યુએશન કોમેડી સર્જાય છે, જે ચોક્કસથી દર્શકોને ભરપુર મનોરંજન પુરૂ પાડશે.”

ફિલ્મ ‘વ્હાલમ જાઓ ને’ના ટ્રેલરને દર્શકો તરફથી ખૂબ જ બહોળો પ્રતિસાદ મળ્યો છે. તો બીજી તરફ ફિલ્મના ગીતો પહેલાથી જ લોકોને પસંદ આવી રહ્યાં છે. ‘મુરતિયો મૂડમાં નથી’ ગીત આગામી લગ્ન સીઝનમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મમાં જાણીતી સંગીતકાર બેલડી સચિન-જીગરે મ્યુઝિક આપ્યું છે.
‘વ્હાલમ જાઓ ને’ એ એક મલ્ટી-સ્ટારર રોમેન્ટિક કોમેડી છે, જેનો રોલર કોસ્ટર પ્લોટ ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરપૂર છે. ફિલ્મમાં ટેલેન્ટ પાવર હાઉસ પ્રતિક ગાંધીની જોડી દીક્ષા જોશી સાથે છે, જે ફેશન ડિઝાઈનરની ભૂમિકા ભજવે છે અને પ્રતિક ગાંધી પર ફેશનના નવા ટ્રેન્ડ અજમાવતી રહે છે, પ્રતિકને એક પૂતળાની જેમ માને છે અને તેમને રણવીર સિંહ જેવા ઑફબીટ કપડાં પહેરાવે છે. આના કારણે પ્રતિક ગાંધી ગુસ્સે થાય છે અને આ રોલરકોસ્ટર એન્ટરટેઇનમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન આપે છે.

જ્યોતિ દેશપાંડે, જિયો સ્ટુડિયો અને હાર્દિક ગજ્જર ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને હાર્દિક ગજ્જર દ્વારા નિર્દેશિત અને પ્રતિક ગાંધી, દીક્ષા જોશી, ટીકુ તલસાણિયા, સંજય ગોરડિયા, કવિન દવે, જયેશ મોરે, કિંજલ પંડ્યા અને પ્રતાપ સચદેવ દ્વારા અભિનિત ફિલ્મ ‘વ્હાલમ જાઓ ને’ 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

Share This Article