ભાવનગર જિલ્લામાં આવેલા સોનગઢમાં સુવર્ણપૂરી જૈન તીર્થક્ષેત્રમાં હાલમાં નિર્માણાધીન ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ સામે જૈન સમાજમાં ઉગ્ર રોષ વ્યાપ્ત થયો છે. સમાજના આગેવાનોને કહેવું છે કે, કરોડોના ખર્ચે આ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય, ટ્રસ્ટના બંધારણના ઉદ્દેશ્યની વિરુદ્ધ થઈ રહ્યું છે. આ વિશાળ પ્રોજેક્ટના કારણે જૈન ધર્મના સિધ્ધાંતો મુજબ વિવિધ જીવોની મોટી હિંસા થાય તેમ છે. આ પ્રોજેક્ટનું નિર્માણ તાત્કાલિક ધોરણે બંધ કરવાની તથા અહીં અગાઉ ટ્રસ્ટ દ્વારા નક્કી થયા મુજબ જૈન ધર્મના ભગવાનોની પ્રતિમાઓ બિરાજમાન કરવા તેમજ વિશાળ ડોમ ફરતે ભવ્ય ઝાંખી બનાવવાનો પ્રોજેક્ટ સાકાર કરવાની માંગણી કરવામાં આવી છે.
સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં સોનગઢમાં શ્રી દિગંબર જૈન ધર્મનું સુવર્ણપુરી તીર્થધામ બન્યું છે. આધ્યાત્મિક સંત પૂજ્ય શ્રી કાનજી સ્વામી અને પૂજ્ય બહેનશ્રી ચંપાબેને અહીં 45 વર્ષ સુધી સાધના કરીને જૈન ધર્મના ઉપદેશ અંગે માર્ગદર્શન આપ્યું હતું. અહીં ટ્રસ્ટ દ્વારા એક કૃત્રિમ પર્વત બનાવીને શ્રી બાહુબલી ભગવાનની 41 ફૂટ ઉંચી પ્રતિમા, શ્રી સૂર્યકીર્તિ ભગવાનની આરસની મોટી પ્રતિમા બિરાજમાન કરવા તથા જૈન ધર્મના 24માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન તેમજ જ્ઞાની પુરુષ શ્રી કાનજી સ્વામી તેમજ બહેનશ્રી ચંપાબેનનો ઈતિહાસ મોડેલ સ્વરૂપે ટંકોત્કીર્ણ કરીને ઝાંખી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે વિશ્વમાં પહેલો વહેલો વિશાળ લંબગોળ ડોમ અને તેમાં ઝાંખી બનાવવાનો વિચાર અને ડીઝાઈન રાજેન્દ્ર વી. શાહ (રાજુભાઈ-પાર્લા)એ આપ્યો હતો. તે મુજબના આયોજન સાથે અહીં કામ પણ ચાલું કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ડોમમાં ક્યારેય કોઈ અન્ય વ્યક્તિ, ટ્રસ્ટી કે બીજી વિચારધારા ધરાવતા વ્યક્તિના મન મુજબ ફેરફાર ન કરી શકે કે બીજી કોઈ સ્થાપના ન કરી શકે, તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું.
જોકે, નેમિષભાઈ શાંતિલાલ શાહે પોતાના પાવર અને રૂપિયાના જોરે, પોતાની પ્રસિદ્ધિ માટે અને પોતાના ઈરાદાઓ પાર પાડવા અહીં શ્રી સૂર્યકિર્તિ ભગવાનને બિરાજમાન કરવા ઉપર ચેરિટી કમિશનર પાસે જઈને ખોટી રીતે ગેરકાયદેસર સ્ટે લઈ આવ્યા હતા. તેમણે છળ કપટથી, પ્રપંચો કરીને અહીં ઈલેક્ટ્રોનિક્સ ડીજીટલ પ્રોજેક્ટ બનાવવા માટે જીદ કરીને, જબરદસ્તીથી પ્રમુખ હસમુખભાઈ વોરા પાસે ગેરકાયદેસર રીતે આ પ્રોજેક્ટનું નિર્માણ કરવાનું નક્કી કરાવડાવ્યું હતું. જોકે, સમય જતાં સમાજને અને ટ્રસ્ટીઓને ખબર પડી હતી કે, આ ઈલેક્ટ્રોનિક્સ ડીજીટલ પ્રોજેક્ટમાં મોટાં પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, લાઈટોનો ઉપયોગ થવાનો છે અને મોટાં-મોટાં એસી લાગવાના છે. વળી, તેમાં ભારે માત્રામાં પાણીનો પણ ઉપયોગ થવાનો છે. આ વિશાળ પ્રોજેક્ટના કારણે જૈન ધર્મના સિધ્ધાંતો મુજબ છ કાયના જીવોની મોટી હિંસા થાય તેવી ભીતિ છે. જે અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીની આજ્ઞાની વિરૂધ્ધ છે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટનું નિર્માણ અમારા ટ્રસ્ટના બંધારણના ઉદ્દેશ વિરૂધ્ધ છે અને નીતિ નિયમોનું ઘોર ઉલ્લંઘન છે. અગાઉ, સોનગઢના કોઈ પણ મંદિરોમાં, કે મોટા મોટાં સ્વાધ્યાય હોલોમાં પંખા પણ નાખવામાં આવ્યા નથી. તો પછી, મોટા પ્રમાણમાં એરકંડીશનો અને ઈલેક્ટ્રોનિક્સ ડીજીટલ પ્રોજેક્ટ સ્થાપિત કરવાની વાત ક્યાંથી થઈ શકે..? સમાજના લોકોના ઉગ્ર વિરોધ છતાં પણ નેમિષભાઈ શાંતિલાલ શાહ આ હિંસક પ્રોજેક્ટ બનાવવાની જીદ છોડતા નથી.
અહીં તીર્થ ક્ષેત્રમાં આવો પ્રોજેક્ટ હિંસક છે અને તેના નિર્માણનો વિરોધ થતાં તેનું કામ 2017 થી ઓક્ટોબર-2025 સુધી બંધ હતું. પરંતુ તેમણે અહીં ફરીથી પ્રોજેક્ટનું નિર્માણકાર્ય શરૂ કરી દીધું છે. જે સંદર્ભેના ફોટા અહીં પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. આ પ્રોજેક્ટ જીવ હિંસાને પ્રેરે છે તેથી જૈન સમાજ આનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યું છે. સમાજના લોકો માને છે કે, નેમિષભાઈ શાંતિલાલ શાહ આ સુવર્ણપુરી સોનગઢના જૈન તીર્થક્ષેત્રમાં એક મોટો હિંસક પ્રોજેક્ટ કરીને કસાઈખાનાની ફેક્ટરી ઉભી કરી રહ્યા છે અને એક પર્યટક સ્થળ ઉભું કરવા જઈ રહ્યા છે. આથી સમગ્ર જૈન સમાજની લાગણી દુભાઈ રહી છે અને આ તેમના પ્રોજેક્ટનો સખતમાં સખત રીતે વિરોધ કરીએ છીએ. સમાજે આ પ્રોજેક્ટના નિર્માણ કાર્યને રોકવા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પણ અપીલ કરી છે. આ અંગે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને ટ્રસ્ટીઓને પહેલાં પણ લેખિત અને મૌખિક રીતે રજુઆતો કરેલી છે. સમાજના આગેવાનોએ અહીં જુના પ્લાન મુજબ કાર્યો થાય તેમજ જૈન ધર્મના ભગવાનોની પ્રતિમાની સ્થાપના થાય તેવી માગણી કરી છે.
