આચાર્ય વિજયરત્નસુંદર સૂરિજી અને જૈન એલર્ટ ગ્રુપ
“જ્યારે જ્યારે સમાજને સાચા માર્ગદર્શકની જરૂર પડી છે ત્યારે ભારતની ધરતીએ એક સાચો માર્ગદર્શક જણ્યો છે અને આવા જ માર્ગદર્શકો સમાજને સત્ય, નેકી અને કરુણાના માર્ગે લઈ જાય છે.” મોહન ભાગવતજી, વડા, આર.એસ.એસ., ડિસેમ્બર 2016, સાયણના સોમૈયા ગ્રાઉન્ડ ખાતેથી જણાવ્યું હતું.
વાત ચાહે સત્યની પડખે રહેવાની હોય કે અન્યાયની સામે પડવાની, જૈન સમાજ અને જૈન ધર્મગુરુઓનું યોગદાન આ ક્ષેત્રમાં હંમેશા આગળ પડતું રહ્યું છે. આવા જ એક ધર્મગુરુ છે આચાર્ય રત્નસુંદરસૂરીજી, જે એક ધર્મગુરુની પદવી પર બિરાજમાન હોવા છતાં એક સમાજસુધારક તરીકે વધારે સક્રિય રહ્યાં છે. ભુવનભાનુસૂરીજીના સમુદાયના આ આચાર્ય ભગવંત તેમના 70 વર્ષના જીવનકાળ અને 51 વર્ષના દીક્ષાપર્યાયમાં કુલ 300 કરતા વધુ પુસ્તકો લખી ચૂક્યા છે, જે અંતર્ગત તેઓને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ પ્રાપ્ત થયું છે. તો ચાલો એક નજર કરીએ આ મહાનુભાવની જીવનકથની પર….
રત્નસુંદરસૂરિનો જન્મ ૫ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ગુજરાતના પાલીતાણા નજીક આવેલા દેપલા ગામમાં થયો હતો. તેમની માતાનું નામ ચંપાબેન અને તેમના પિતાનું નામ દલીચંદ હતું. તેમનું સાંસારિક નામ રજની હતું. ઈ.સ. ૧૯૬૭માં તેમનો ધર્મ પ્રત્યેનો લગાવ જોઈને તેઓએ અને તેમના પિતાએ સાથે જૈનાચાર્ય ભુવનસુંદરસુરિજી પાસે જૈન દીક્ષા અંગીકાર કરી અને જ્યારબાદ રજની નામના એ સામાન્ય બાળકની મુનિ રત્નસુંદરસૂરિ તરફ જવાની યાત્રા શરૂ થઈ જે આજે તેમની આચાર્યપદ પ્રાપ્તિપર્યંત ચાલું છે.
દીક્ષા લીધા પછીના વર્ષોમાં તેઓએ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અંતરિયાળ ગામો સુધી લાખો કિલોમીટરો સુધીનો વિહાર કર્યો અને જ્યાં જ્યાં તેઓએ પગલા કર્યા ત્યાં ત્યાં પરિવર્તનની લહેર પ્રસરતી ગઈ. આ લહેર, શાસનસેવા પ્રત્યેનો લગાવ અને ગુરુસેવા પ્રત્યેના સમર્પણ અન્વયે તેઓશ્રીને ઈ.સ. ૧૯૯૬માં તેમને આચાર્યની પદવી આપવામાં આવી હતી. આચાર્યપદની પ્રાપ્તિ પછી તેમના ગુરુદેવ ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિશ્વરજીની આજ્ઞાથી તેઓ દિલ્હી ગયા અને ઈ.સ. ૨૦૦૬થી તેમણે ચાર વર્ષ દિલ્હીમાં ગાળ્યા. ઈ.સ. 2010માં મુંબઈમાં મુલુંદ ખાતે ગુરુદેવ ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિશ્વરજી સાથે તેમના ચાતુર્માસ નક્કી થયા અને તે દરમ્યાન ગુરુ-શિષ્યની આ બેલડી તે સમયના અન્ય ધર્મગુરુઓ અને ઘણા રાજનૈતિક લોકોને મળ્યા, કે જેઓ હકીકતમાં સમાજના લોકો, તેમના સંસ્કારો અને એ સંસ્કારોમાં પરિવર્તનને ઝંખતા હતા. ગુરુદેવશ્રીની આજ્ઞા પછી 2011માં દિલ્હી ખાતે એક લાખની વધુ સંખ્યાની જનમેદનીને સંબોધતા તેમણે ભારતમાંથી માંસના નિકાસનો પ્રતિબંધિત કરતી ઝુંબેશ શરૂ કરી હતી તો નાગપુરમાં જુલાઈ ૨૦૧૩માં ચાતુર્માસ દરમ્યાન તેમણે ઑનલાઈન પોર્નોગ્રાફી બંધ કરતી એક અરજી રાજ્ય સભામાં દાખલ કરી હતી. 1 સપ્ટેમ્બર, 2013 ના રોજ જ્યારે તેમનું 275મું પુસ્તક ‘આ ઈતિહાસ નથી, વર્તમાન છે’ વિમોચિત થઈ રહ્યું હતું ત્યારે એક જ ભાષા (ગુજરાતી)માં ૨૭૫થી વધુ પુસ્તકો લખવા માટે ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. તેમણે વિવિધ વિષયો પર ૩૧૧ જેટલા પુસ્તકો લખ્યા છે અને હજી પણ શબ્દોની એ સરવાણી અવિરતપણે ચાલુ જ છે. ‘લખી રાખો આરસથી તકતી પર’ એ તેમનું સૌથી વખણાયેલું પુસ્તક છે. તેનો હિંદી, અંગ્રેજી, ઊર્દૂ, મરાઠી, ફ્રેંચ અને જર્મન સહિત ૨૦ ભાષાઓમાં અનુવાદ થયો છે. ટેલિવિઝન પારસ અને અરિહંત ચેનલો પર આવતા તેમના વ્યાખ્યાનો કઈંક લોકોના જીવન બદલી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમને એક સશક્ત રાષ્ટ્રના પાયા તૈયાર કરવામાં તેમના યોગદાન અન્વયે તેઓને પદ્મભૂશણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
આ સિવાય તેઓ સમગ્ર હિંદુસ્તાનમાં વ્યાપ્ત એવા જૈન એલર્ટ ગ્રુપની બાગદોર પોતાના મજબૂત હાથોથી સંભાળી રહ્યાં છે અને અને આજે પણ હિંદના યુવાઓનું માર્ગદર્શન કરી રહ્યાં છે. એલર્ટ ગ્રુપની સ્થાપના વિ.સં. 2046, ભાદરવા વદ ત્રીજ, તા. 7-9-1990ને શુક્રવારના રોજ રાજકોટ મુકામે યુવા હ્રદય સમ્રાટ શ્રી હેમરત્નસૂરીજીના હસ્તે કરવામાં આવી હતી. પ્રથમ શિબિર ઈ.સ. 1983માં સમ્મેતશિખરજી મુકામે શરૂ કરવામાં આવી હતી જે આજ પર્યંત ચાલુ છે અને આજે તેનું માર્ગદર્શન આચાર્ય ભગવંત શ્રી રત્નસુંદરસૂરિજી કરી રહ્યાં છે. આચાર્ય હેમરત્નસૂરીજીએ શરૂ કરેલી આ શિબિરનો કાર્યભાર દોર આજથી દસ વર્ષ પહેલા તેમના કાળધર્મ બાદ આચાર્ય રત્નસુંદરસૂરીજીના હાથમાં આવ્યો. આજ સુધી આ શિબિર કરોડો નવયુવાનોને પરિવર્તન તરફ દોરી ગઇ છે.
આગામી તારીખ 22-23-24 ડિસેમ્બરે, રાજસ્થાનના નાગેશ્વર તીર્થ મુકામે આ શિબિર ભાગ લેશે જેમાં તમામ યુવાઓને તેમના સેવાકાર્યો માટે પારિતોષિક એનાયત કરવામાં આવશે તથા સ્પીચ અને સિંગિંગ કોમ્પિટિશન થકી નવોદિત યુવાઓને આગળ વધવા માટેની સુવર્ણ તક પૂરી પાડવામાં આવશે.