દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને મળી મોટી સફળતા
દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્થાનિક પોલીસને મળી છે મોટી સફળતા, જામજાેધપુરના બુટલેગરને ૧૨ લાખના દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો છે. ગોવાથી દારૂ ભરેલો ટેમ્પો ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે ઠલવાય તે પૂર્વે ખંભાળિયા પોલીસે કાર્યવાહી કરી હતી. આ પ્રકરણમાં કચ્છના બે સહિત સાત શખ્સોની સંડોવણી ખુલવા પામી છે.
પોલીસે ૨૭૭૨ બોટલ દારૂ અને એક લાખનો બિયરનો જથ્થો કબજે કરી, આ પ્રકરણના મૂળ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. આ ટેમ્પોમાંથી દારૂ ભરેલ ૨૫૨૦ નંગ બોટલ મળી આવી હતી, જ્યારે ૬૦ નંગ બોટલ બે લીટર દારૂની મળી આવી હતી. પોલીસ દ્વારા રૂપિયા ૧૧ લાખ ૧૭ હજાર ૨૦૦ની કિંમતનો દારૂ કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટેમ્પો અંદરથી ૧૦૮૦ નંગ બીયરના ટીન પણ મળી આવ્યા હતા.
જેથી પોલીસે. દારૂ અને બિયર સહિત રૂપિયા ૧૨ લાખ ૧૮ હજારની કિંમતના જથ્થાને કબ્જે કરી પકડાયેલા પ્રફુલ સીતાપરાની પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં દારૂનો આ જથ્થો મૂળ કચ્છના અને હાલ ગોવામાં રહેતા મહેશ ઉર્ફે દિપેશ પટેલ નામના શખ્સ રવાના કર્યું હોવાની વિગતો સામે આવી હતી. જામનગર જિલ્લાના જામજાેધપુર તાલુકા મથક ખાતે રહેતો બુટલેગર પ્રફુલ પરસોત્તમભાઈ સીતાપરા નામનો શખ્સ વિદેશી દારૂનો ટેમ્પો ભરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાણવડથી ખંભાળિયા રોડ પરથી પસાર થઈ રહ્યો હોવાની ખંભાળિયા પોલીસને ચોક્કસ હકીકત મળી હતી.
આ હકીકતના આધારે ખંભાળિયા પોલીસે ખંભાળિયા ભાણવડ ધોરીમાર્ગ પરના લલીયા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતાં એક ટેમ્પાને પોલીસે રોકી લીધો હતો. આ ટેમ્પોમાંથી પ્રફુલ સીતાપરા નામનો જામજાેધપુરનો શખ્સ મળી આવ્યો હતો. જ્યારે પોલીસને જાેઇ ટેમ્પોચાલક યુસુફ સુલેમાન રાવકરડા નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે પ્રફુલને આંતરી લઈ ટેમ્પાની તલાશી લીધી હતી.
આ ઉપરાંત આ પ્રકરણમાં કચ્છના સાગર ઉર્ફે લાલો આહીર, જમીર હારુન પટેલ, સમીર જુનુસ રાંદે, ફરીદખાન રસીદખાન મુસ્લિમ અને દારૂનો જથ્થો જ્યાં ઉતારવાનો હતો, તે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના દિલીપસંગ મોહબ્બતસંગ કેર નામના છ શખ્સોની સંડોવણી ખુલવા પામી હતી. પોલીસે ટેમ્પો ચાલક સહિતના તમામ શખ્સોને ફરાર જાહેર કરી પકડાયેલા પ્રફુલને કોર્ટ સમક્ષ રજૂ કરી આ પ્રકરણના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરવામાં આવી છે.