ઇઝરાયેલની સિંચાઇ પદ્ધતિ અને ગ્રીન હાઉસ એગ્રો ટેકનોલોજી સહિત ડિજિટલ ફાર્મિંગ-એગ્રીકલ્ચર માટેની અગ્રગણ્ય કંપની નેટાફિમના સીઇઓ રન મૈદન સાથે વિચાર-વિમર્શની ફળશ્રુતિ રૂપે ગુજરાત માટે ડિજિટલ ફાર્મિંગના દ્વાર ખૂલ્યાં છે. તદઅનુસાર, ઇઝરાયેલ તરફથી ગુજરાતને પ્રાયોગિક ધોરણે ડિજિટલ ફાર્મિંગનો પ્રોજેક્ટ હાથ ધરવા ડિજિટલ ફાર્મિંગના ૧૦૦ યુનિટ ગીફટ-ભેટ અપાશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઇઝરાયલની આ ડિજિટલ ફાર્મિંગ ભેટ ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ગેઇમ ચેંજર બનશે અને ભવિષ્યમાં ગુજરાતને ડિજિટલ ફાર્મિંગ તરફ લઈ જવામાં મહત્વનું કદમ બનશે.
આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત વેળાએ ઇઝરાયેલ દ્વારા બે મોબાઈલ ડિસેલીનેશન યુનિટ ભેટ આપવામાં આવ્યા હતા. અત્રે એ ઉલેખનીય છે કે ડિજિટલ ફાર્મિંગમાં સેન્સર ઇક્વિપમેન્ટનો સમાવેશ થાય છે, તે માટી, હવામાનની પરિસ્થિતિ, ભેજની પ્રાપ્યતા, પાકની સ્થિતિ અને તંદુરસ્તીની માહિતી રિયલ ટાઇમના ધોરણે એકત્રિત કરે છે. આ સેન્સર્સ ક્લાઉડ આધારિત ટેક્નોલોજી તથા આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ/ મશીન લર્નિંગ ટેક્નોલોજિઝની મદદથી પાક સંબંધિત તમામ માહિતીનું ટ્રાન્સમિશન તેમજ વિશ્લેષણ થઇ શકે છે.
આ પદ્ધતિ ડ્રીપ ઇરિગેશન ટેક્નોલોજીને ઓટોમેટિક બનાવવા તથા પાણી અને ખાતરની બચત કરવામાં આશીર્વાદરૂપ છે. ડિજિટલ ફાર્મિંગની મદદથી પ્રત્યેક પાકની આવશ્યક્તા મુજબ જ પાણી અને ખાતરનો ઉપયોગ શક્ય બનશે અને આ રીતે ઉપલબ્ધ સંસાધનોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ થઈ શકશે. આ પ્રોજેક્ટની મદદથી ગુજરાતના ખેડૂતોની ખેત ઉત્પાદકતા વધતાં આવકમાં પણ વૃદ્ધિ થશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ઇઝરાયલની ડિજિટલ ફાર્મિંગ પદ્ધતિનો ગુજરાતમાં વિનિયોગ કરીને રાજ્યની કૃષિક્રાંતિમાં નવા આયામો સર્જી ગુજરાત ખેતી અને ખેડૂતના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે, ઇઝરાયલની કૃષિ ટેક્નોલોજિઝ અને તકનિકીની જાણકારી ગુજરાતના કૃષિ ક્ષેત્રને વધુ સશક્ત બનાવી શકે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ નેટાફિમના સીઇઓ સાથેની ચર્ચા દરમિયાન જણાવ્યું કે ડિજિટલ ખેતી એ કૃષિ ક્ષેત્રે આવનારા સમયનું સૌથી મોટું પરિવર્તન છે. તેમણે આ પરિવર્તનો માટે ગુજરાતના કૃષિ ક્ષેત્રને સજ્જ કરવા રિયલ ટાઇમ મોનિટરિંગ, સ્માર્ટ એનાલિસિસ એન્ડ કન્ટ્રોલ ઇન ક્લોઝ્ડ પ્લેટફોર્મ, સિંચાઇ માટે ડાયનેમિક ક્રોપ મોડ્સ, ક્લાઉડ ટેક્નોલોજી, ખેડૂતો માટે યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને સ્કેલેબલ સોલ્યૂશન્સના ડિજિટલ સોલ્યૂશન્સના ક્ષેત્રે સહયોગ વિશે ચર્ચા કરી હતી.
આ પદ્ધતિના કારણે છોડના મૂળમાં જ પાણી, પોષકદ્રવ્યો તથા અન્ય કૃષિ રસાયણો આપીને સચોટ પરિણામ મેળવી શકાય છે. સબ સરફેસ સિંચાઇ પદ્ધતિ વડે શેરડીનો પાક ૬૦ ટનથી વધારીને ૧૬૦ ટન કરવો શક્ય બને છે. આ પદ્ધતિ અન્ય કૃષિ પેદાશોના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવામાં પણ કારગત નિવડી શકે છે તેની વિગતો પણ ગુજરાત પ્રતિનિધિમંડળે મેળવી હતી.