અમદાવાદઃ ઉત્તરાયણ એટલે નાના-મોટા સૌને આનંદ આપતો તહેવાર. આ દિવસે આબાલવૃદ્ધ સૌ ધરની છત પર જોવા મળે છે. યુવાઓ પોતાની ઉજવણી માટે અનેક તૈયારીઓ કરતાં હોય છે. સૌ પોતાની મસ્તીમાં મસ્ત હોય છે, પણ આ તહેવાર કાળજી પણ એટલી જ માગી લે છે.
આ સંદર્ભે આશ્કા ફાઉન્ડેશન આ ઉત્તરાયણ પર્વ નિમિત્તે એક અનોખી પહેલ લઇને આવ્યું છે. આ પહેલ અંતર્ગત ઉત્તરાયણની ઉજવણી પરીવાર સાથે જ કરવી જોઇએ, જેથી નાના બાળકોની કાળજી રાખી શકાય. તે સિવાય સવાર અને સાંજનો એ સમય જ્યારે પક્ષીઓ પોતાના રહેઠાણેથી આવતા કે જતા હોય તે દરમિયાન પતંગ નહિં ચગાવી પક્ષીઓને ઇજા ન પહોંચે તે ધ્યાન રાખવા માટે લોકોમાં સંદેશ આપી રહ્યું છે.
આ ઉપરાંત આશ્કા ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્વયંસેવકો સાંજે ૪ થી ૫ના સમયગાળા દરમિયાન એક સાથે અલગ-અલગ વિસ્તારમાં પોતાના પરીવારો સાથે ૧૦૦૦ જેટલા મોટા કદના પતંગ પર શિક્ષણ જાગૃતતા, સાંસ્કૃતિક વારસા, વગેરે. વિશે સંદેશ લખી આકાશને રંગબેરંગી બનાવશે.
આ વિશે આશ્કા ફાઉન્ડેશન તરફથી અલ્પેશભાઇએ જણાવ્યું કે ઉત્તરાયણનો તહેવાર એટલે આનંદ-હર્ષોલ્લાસનો તહેવાર. આ ઉજવણી દરમિયાન દુર્ધટના ન ઘટે તે માટે પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવી જોઇએ. આ દરમિયાન અબોલ પક્ષીઓને ઇજા ન પહોંચે તે તકેદારી પણ ખાસ રાખવી રહી તે માટે અમે લોકોમાં જગૃતતા ફેલાવી રહ્યાં છીએ. શિક્ષણ અને સાંસ્કૃતિક વારસા સાથેના વિવિધ સંદેશાઓના લખાણવાળા મોટા કદના પતંગ દ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન પણ કરી રહ્યાં છીએ.