અમદાવાદ : ભાવનગર ખાતે ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના પ્રાંરભ વખતે જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયા બાદ હજુ તેનો વિવાદ શમવાનું નામ નથી લેતો. એક પછી એક નવો વિવાદ આ રો-રો ફેરી સર્વિસને લઇ સામે આવી રહ્યા છે. અગાઉ વિશાળ જહાજ દરિયામાં એન્જિન ખોટકાઇ પડતાં અટવાયું હતં અને બંધ પડયું હતું, તેના રીપેરીંગ બાદ પણ હજુ સમસ્યા હલ થઇ નથી. ત્યાં વારંવાર ડ્રેજીંગ અંગેની ફરિયાદો કરવામાં આવ્યા છતા સરકારી તંત્ર ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી)ના બહેરા કાને અથડાઇ રહી નહીં હોવાથી ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર ઇન્ડિગો સીવેઝ દ્વારા વડાપ્રધાન કાર્યાલય, મુખ્યમંત્રી ગુજરાત અને જીએમબીને પત્ર લખી ફેરી સર્વિસ બંધ કરવાનું અલ્ટિમેટમ આપી દીધુ છે.
જેને પગલે હવે નવો અને બહુ ગંભીર વિવાદ સામે આવ્યો છે. ઇન્ડિગો સીવેઝને અલ્ટિમેટમ આપવું પડયુ તેનો અર્થ એ કહી શકાય કે, તેમની વારંવારની રજૂઆત છતાં સરકારના સત્તાધીશો અને જીએમબી સહિતના સ્થાનિક સત્તાવાળાઓ આ સમગ્ર મામલે ગંભીર દુર્લક્ષ્ય સેવી રહ્યા છે. રો-રો ફેરી સર્વિસના કોન્ટ્રાક્ટર ઇન્ડીગો સી-વેઝ દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે, દરિયાના પાણીમાં પાંચ મીટરના ડ્રાફ્ટ (પાણીની ઉંડાઇ)નો વાયદો કરવામાં આવ્યો હતો, અને શિપ ચલાવવા માટે તે આવશ્યક પણ હોવા છતા અઢીથી ત્રણ મીટર પાણી માંડ મળે છે, તેથી જહાજને ગંભીર નુકસાન થવાની શક્યતા છે. ગત તા.૨૧મી નવેમ્બરે જહાજ ક્ષતિગ્રસ્ત થવાનું મુખ્ય કારણ ડ્રેજીંગ હતુ. ઉપરાંત ઘોઘા અને દહેજ ખાતેના ૩૦૦ મીટરના ર્ટનિંગ સર્કલમાં પણ ઝીરો સાઉન્ડીંગ આવી રહ્યુ છે. તેથી જહાજની સલામતી સામે પણ જોખમ ઉભુ થઇ શકે છે.
જીએમબી દ્વારા રો-પેક્સ ફેરી સર્વિસ ભરતીના સમયે જ ચલાવવાનું જણાવવામાં આવ્યુ હતું, તેની સામે ઇન્ડીગો સી-વેઝ દ્વારા જણાવાયુ છે કે, ભરતીનો સમય વારંવાર બદલાતો રહે છે તેના મુજબ મુસાફરોને આકર્ષિત કરવા અસંભવ કાર્ય છે. દસ માસથી ચેનલની બાજુમાં માટીના ડુંગરને હટાવવા જાણ છતાં હટાવાયો નથી. તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપ છે. ઘોઘા ખાતે ૫૨૦૦ મીટર લાંબી, ૧૦૦ મીટર પહોળી અને હયાત પાણીના લેવલથી ૬ મીટર ઉંડી ચેનલ બનાવવાની હતી. તેવી જ રીતે દહેજ ખાતે ૧૦૦૦ મીટર લાંબી, ૧૦૦ મીટર પહોળી અને ૬ મીટર ઉંડી ચેનલ બનાવવાની હતી અને તેનો કોન્ટ્રાક્ટ ધરતી ડ્રેજીંગને ૧૯૨ કરોડમાં આપવામાં આવ્યો હતો અને ચેનલ મેઇનટેનન્સનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ અદાણી ડ્રેજીંગને ૩૯ કરોડમાં આપવામાં આવ્યો હતો, છતા ચેનલની ઉંડાઇ કરાર મુજબ કરવામાં આવી નથી. અને ચેનલનું નિયમીત ડ્રેજીંગ પણ કરાવવામાં આવી રહ્યું નથી. તેથી આટલા બધા કરોડો રૂપિયા ગયા કયાં તેને લઇને પણ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.