અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેન્કનો રાજ્ય પ્રારંભ કરાવતાં વિશ્વાસ વ્યકત કર્યો કે આ સેવાઓ દેશની આર્થિક ક્રાંતિમાં નિર્ણાયક બનશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેન્કના કારણે હવે સામાન્યમાં સામાન્ય માનવી, ગ્રામીણ-ગરીબ અંતરિયાળ વિસ્તારોમાં ઘર આંગણે ડીઝીટલ બેન્કીંગ સેવાઓનો લાભ મળતો થવાનો છે. વિજય રૂપાણીએ અમદાવાદમાં પોસ્ટ વિભાગની ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક સેવાઓનો રાજ્યસ્તરીય પ્રારંભ કેન્દ્રીય કૃષિ કલ્યાણ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા, સાંસદ ડા. કિરીટ સોલંકી તેમજ અમદાવાદના મેયર શ્રીમતી બિજલ પટેલની ઉપસ્થિતીમાં કરાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી અને મહાનુભાવોએ પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા ગ્રાહકો માટેના ઊઇ કાર્ડ અને ખાસ ટપાલ કવરનું પણ અનાવરણ કર્યુ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશના હરેક ગામોને-જન સામાન્યને પોતાના આર્થિક-નાણાંકીય કારોબાર માટે બેન્કો પર આધારિત ન રહેવું પડે અને સ્થાનિક કક્ષાએ જ બેન્કીંગ સુવિધા મળે તેવી નેમ સાથે નવો સૂર્યોદય પોસ્ટલ સેવામાં થયો છે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ પીપલ્સ ફ્રેન્ડલી ગુડ ગર્વનન્સની નરેન્દ્રભાઇ મોદીની વિભાવના હવે પોસ્ટ વિભાગની આ ઘર આંગણ સેવાઓ વ્યાપક બનાવશે તેવું ગૌરવ સહ જણાવ્યું હતું. વિજય રૂપાણીએ દેશભરમાં ૧.પપ લાખ પોસ્ટ ઓફિસનું નેટવર્ક અને પોસ્ટ વિભાગની સમાજ સાથેના જોડાણની આગવી વિરાસત હવે નયા ભારતના નિર્માણમાં નવા પ્રાણ સાથે જોડાઇ રહી છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો. ગુજરાતની ૮૯૮૪ પોસ્ટ ઓફિસો આ સેવામાં ક્રમશઃ જોડાઇને ગ્રામીણ સ્તર સુધી ડિઝીટલ સ્માર્ટ બેન્કીંગ સેવાઓ આપશે એમ પણ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીએ આ સેવાઓ ભ્રષ્ટાચાર નિર્મૂલનમાં પણ મહત્વપૂર્ણ બનશે એમ જણાવી સ્પષ્ટપણે ઉમેર્યુ કે, હવે સરકારની યોજનાઓના લાભો-સહાય બધું જ સીધું પોસ્ટ બેન્ક ખાતામાં જમા થતા વચેટિયા આપોઆપ નાબૂદ થશે. રૂપાણીએ ગુજરાતમાં પીપલ સેન્ટ્રીક ઓનલાઇન સેવાઓનો વ્યાપ વધારીને હવે ગૂનેગારોના ડેટા પોલીસ તંત્રની હાથવગા કરાવતી પોકેટ કોપ, ડ્રોન ટેકનોલોજી, ઓનલાઇન પાસપોર્ટ વેરિફીકેશનથી પારદર્શીતા અને ગતિશીલતાની પહેલ રૂપ સિધ્ધિઓની વિશદ ભૂમિકા આપી હતી. તેમણે ૬ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો પણ રાજ્યમાં શરૂ થતાં હવે રપ પાસપોર્ટ સેવા કેન્દ્રો કાર્યરત થયા છે અને જનસુવિધા વૃધ્ધિ થઇ છે તેમ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ પોસ્ટ વિભાગ નવિન પર્વ કે લીયે નવિન પ્રાણ ચાહિયેનો ધ્યેય મંત્ર આ સેવાઓ દ્વારા સાકાર કરે તેવું આહવાન કર્યુ હતું.
કેન્દ્રીય કૃષિ કલ્યાણ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ પોસ્ટ વિભાગના આગવા પારંપારિક અને પારિવારીક ભાવનાત્મક જોડાણના દ્રષ્ટાંતો માર્મિક શૈલીમાં આપ્યા હતા. તેમણે કહ્યું કે, અગાઉના સમયમાં ટપાલ-ટપાલી એ લોકોને જોડતા માધ્યમ હતા હવે એ ટપાલીઓને નાણાંકીય સેવાઓ સાથે જોડીને ૭ હજારથી વધુ ગ્રામીણ ડાક સેવક અને ૪ હજાર પોસ્ટમેનને એક નવી પરિભાષા નરેન્દ્ર મોદી સરકારે આપી છે. રૂપાલાએ એમ પણ જણાવ્યું કે, દેશમાં હાલની જે રાષ્ટ્રીયકૃત બેન્કોની દોઢેક લાખની સંખ્યા છે તેમાં આ ૧.પપ લાખ પોસ્ટ ઓફિસોનો પણ સમાવેશ થતાં હવે બમણું એટલે કે ૩ લાખ જેટલું વિશાળ નેટવર્ક થશે. ખાસ કરીને ગ્રામીણ-દૂરદરાજના વિસ્તારમાં આ નેટવર્ક મહત્તમ ઉપયોગી થશે તેમ તેમણે પોસ્ટલ કર્મીઓની સેવાઓને બિરદાવતાં જણાવ્યું હતું.