ભારતની નજરે… આઝાદીની કથા...આઝાદીની વ્યથા…
નમસ્તે મિત્રો….!!!
હું ભારત છું. આપણા ઈતિહાસકારોએ મને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું છે, કારણ કે મારી પાસે અફાટ સમુદ્રરૂપી જળસંપત્તિ, હિમાલય અને દક્ષિણના ઉચ્ચપ્રદેશોરૂપી ભૂમિસંપત્તિ અને લીલોતરી તથા વન્યજીવોથી ભરપૂર પશુસંપત્તિ છે. આજે મારો ઓફિશ્યિલ જન્મદિવસ છે એમ કહી શકાય. આપણે સહુ કોઈ 15મી ઓગસ્ટએ મારી આઝાદીનો તહેવાર ઊજવીએ છીએ. મારો ઇતિહાસ તહેવારો અને ઊજવણીઓ સાથે અનોખો સંબંધ ધરાવે છે. કોઈ ધાર્મિક તહેવાર હોય કે કોઈ મહાન વિભૂતિની જન્મતિથિ હોય કે પુણ્યતિથિ – સમગ્ર ભારતવર્ષમાં તેનું અનેરું મહત્વ હોય છે. અન્ય તહેવારની જેમ જ મારી સ્વતંત્રતાના દિવસનો તહેવાર પણ પોતાની આગવી વિશેષતા ધરાવે છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે આ તહેવાર અને તેને ઊજવવાનું મૂળ કારણ – એટલે કે મારી આ આઝાદી શુ હજી પણ મારા નાગરિકો માટે એટલી જ મહત્વની છે કે કેમ.
ઈ.સ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મંગલ પાંડેથી શરૂ કરીને ઈ.સ. 1947 સુધીમાં લાખો ચળવળકારોએ પોતાની કિમતી જવાની અને સપનાઓને આઝાદીની લડતમાં દાવ પર લગાવ્યા, લડત લડ્યા અને તમારા માટે આઝાદી મેળવી પણ ખરી…. પરંતુ શું એ વાત સંપૂર્ણપણે માનવામાં આવે છે કે હું આઝાદ થઈ ચૂકી છું. ના, મારા મતે તો જરા પણ નહિ….. કારણ એ જ કે આપણને જે વસ્તુ મફતમાં મળી હોય એની આપણને કદર નથી હોતી.
ઉચ્ચ શિક્ષણ, પદવી અને ગુણવત્તાસભર જ્ઞાન હોવા છતાં પણ આપણે હજી પણ એવી રોજીંદી બદીઓથી ઘેરાયેલા છીએ કે જે તમને અને તમારા થકી મને આઝાદ નથી થવા દેતી. હજી પણ મારી દીકરીઓને પ્રથાના નામે ઘુંઘટમાં ફરવું પડે છે. હજી પણ મારા પશ્ચિમના અમુક રાજ્યોમાં બાળકીઓને જન્મતા સાથે જ મારી નાખવામાં આવે છે. હજી પણ મારા સૌથી સુરક્ષિત રાજ્ય ગુજરાતમાં બહેન દીકરીઓને રાત્રે ઘરની બહાર નીકળતા વિચારવું પડે છે. હજી પણ મારા સૌથી પવિત્ર યાત્રાધામોથી સમૃદ્ધ રાજ્ય ઉત્તરપ્રદેશમાં દર ત્રીજા દિવસે સામૂહિક બળાત્કાર અને મારકાપની ઘટનાઓ બને છે. હજી પણ મારા સૌથી દિલદાર રાજ્ય પંજાબની યુવા પેઢી ડ્રગ્સના સેવન થકી નર્કની ગર્તામાં સબડી રહી છે. હજી પણ મારા સ્વર્ગ જેવા કાશ્મીરને મારી જ પ્રજાએ આતંકવાદ થકી દોજખ બનાવી રાખ્યું છે. હજી પણ માયાનગરી મુંબઈ સત્તા અને મનોરંજન માટે કોઈને કઈં પણ કરી લેવા મજબૂર કરવા માટે કુખ્યાત છે અને એ તો ઠીક હવે તો મારા રક્ષક જ મારા ભક્ષક બની બેઠા છે.
આ તો હતી મારા અલગ અલગ પુત્રો જેવા રાજ્યોની દુર્દશાની વાત પણ જો વ્યક્તિગત ચર્ચા કરું તો હજી પણ હું એ જ ભારત છું, જ્યાં “અહીંયા થૂંકવું નહિ”ના બોર્ડ પર જ માવા-મસાલાની પિચકારીઓ જોવા મળે છે. હું એ જ ભારત છું જ્યાં નારી સંરક્ષણ ગૃહ ખોલનારા જ ત્યાંની કહેવા પૂરતી સંરક્ષિત નારીઓનું શોષણ કરે છે. હું એ જ ભારત છું જ્યાં હજી પણ “નો પાર્કિંગ”માં વાહન પાર્ક કરીને રસ્તાની શોભા વધારવામાં આવે છે. હું એ જ ભારત છું જ્યાં એક મરતાં વ્યક્તિને હોસ્પિટલ લઈ જતી એમબ્યુલન્સને રસ્તો આપવાની જગ્યાએ શોભાયાત્રાના ડી.જે ડાન્સને પ્રાધાન્ય આપવામાં આવે છે. હું એ જ ભારત છું જ્યાં આજે પણ ધર્મના નામે ધૂતારાઓ લોકોને લૂંટે છે અને લોકો લૂંટાવા પણ તૈયાર છે. હું હજી પણ એ જ ભારત છું જ્યાં વ્યક્તિ કરતાં ઈશ્વર વધુ અમીર છે. હું એ જ ભારત છું જ્યાં ગરીબોને મફત શિક્ષણ માટે શાળા અને મફત દવા માટે હોસ્પિટલ માટે દાનની જગ્યાએ મંદિરના પત્થરના શિખરો અને પત્થરની મૂર્તિના સિંહાસનો માટે કરોડો અને અબજો રૂપિયા પાણીની જેમ વહાવી દેવામાં આવે છે. હું એ જ ભારત છું જ્યાં એક તરફ લગ્નમાં પાંચસો રૂપિયાની થાળી એંઠી છોડી દેવામાં આવે છે, જ્યારે બીજી તરફ મારા જવાનો બે ટંક ગુણવત્તાસભર ભોજન માટે પણ ભૂખને અવગણીને મારી રક્ષા કાજે સરહદ પર લડે છે.
છતા પણ હું ખુશ છું….કારણ કે,
મને આશા છે કે આખરે તમે છો તો મારા જ પુત્રો…ક્યારેક તો મારી વાત ગણકારશો જ…
મને વિશ્વાસ છે કે મને કઈં જ નહિ થાય કારણ કે મારા ઋશિકેશ રામાણી અને વિનોદ કિનારીવાલા જેવા ઘણા પુત્રો મારા માટે જીવ આપી દેવા તત્પર છે.
અને… સૌથી છેલ્લે મને એકમાત્ર અપેક્ષા છે કે તમે – તમારી અને મારી – બંનેની આઝાદીનું મહત્વ સમજશો અન્યથા એ દિવસ દૂર નહિ હોય, જ્યારે મારે મારા અસ્તિત્વ માટે ફરીથી ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા વીરોનું બલિદાન મારી રડતી આંખે ફરી એક વાર જોવું પડશે.
- આદિત શાહ