હાલમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યુ છે. લોકો પોતાના પરિવાર સાથે ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે. જાે કે વેકેશનમાં ફરવા જનારાઓની સંખ્યામાં વધારો થતા વિમાની મુસાફરીનું તો ભાડુ વધ્યુ જ છે. સાથે બસનું ભાડુ પણ વધી ગયુ છે. ખાસ કરીને સ્પાઇસ જેટની અમદાવાદ-ગોવા ફલાઇટ તેમજ ગો ફર્સ્ટની ફલાઇટ બંધ થઇ જતા અન્ય એરલાઇન્સ સાથે બસના ભાડામાં પણ વધારો થયો છે. બસનું ભાડુ હાલ વિમાન મુસાફરીની ટિકિટ જેટલુ જ થઇ ગયુ છે. સામાન્ય દિવસોમાં અમદાવાદ-ગોવાનું એરફેર ૪૦૦૦ રુપિયા હોય છે. જાે કે એરફેર જેટલુ ભાડુ હાલ અમદાવાદ-ગોવા વન-વેનું થઇ ગયુ છે. ઉનાળા વેકેશનના કારણે ગોવા-અમદાવાદ વન-વે એરફેર હાલમાં રુપિયા ૧૪,૫૭૮ જેટલુ છે. જ્યારે ગોવા-અમદાવાદ બસનું ભાડું વધીને હાલ રુપિયા ૪૨૦૦ થઇ ગયુ છે.
વેકેશનમાં હવાઇ મુસાફરી મોંઘી બનતી હોય છે. ત્યારે લોકો બસની મુસાફરીને વિકલ્પ તરીકે પસંદ કરતા હોય છે. જાે કે હવે બસની મુસાફરી પણ મોંઘી બનતા ફરવા જવાનું આયોજન બનાવનારાઓને નિરાશા સાંપડી છે. ગોવા-અમદાવાદનું વન વે એરફેર સામાન્ય દિવસોમાં ૩૫૦૦થી ૪૦૦૦ રુપિયા રહેતુ હોય છે. જાે કે હાલમાં એરફેર વધીને ૧૪૫૦૦ને પાર થયુ છે. સ્પાઇસ જેટની ફ્લાઇટ બંધ થતા અનેક લોકોને અમદાવાદ-ગોવાની બીજી ફ્લાઇટમાં જવુ હવે ખર્ચાળ સાબીત થાય તેમ છે. આ ઉપરાંત ટ્રેનમાં પણ છેલ્લી ઘડીએ ટિકિટ મળે તેમ નથી. જેના કારણે લોકો બસ મુસાફરીનો વિકલ્પ પસંદ કરે છે. જાે કે હવે ગોવા-અમદાવાદ માટે બસનું ભાડું રુપિયા ૪૫૦૦થી પણ વધી ગયુ છે. સામાન્ય દિવસોમાં તે રુપિયા ૨૫૦૦ આસપાસ હોય છે. એરફેર વધી રહ્યો હોવાથી અનેક લોકો હવે અન્ય રાજ્યમાં પણ બસમાં જ મુસાફરી કરીને જઇ રહ્યા છે. હાલમાં ઉનાળા વેકેશનના કારણે પર્યટન સ્થળો હાઉસફૂલ જાેવા મળી રહ્યા છે. તેવામાં ગોવા જવા તો લોકો પડાપડી કરી રહ્યા છે. જેથી અમદાવાદ-ગોવાનું એરફેર ખૂબ જ વધી ગયુ છે.