ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મહારાષ્ટ્રને પાછળ છોડી આગળ આવ્યું

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ગુજરાત પાસે અન્ય રાજ્યો કરતા વધુ ઔદ્યોગિક સંસાધનો છે.  અને આ ગેપ દિવસે દિવસે વધતો જાય છે. એન્યુઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝના ડેટા મુજબ આ પ્રકારના ઔદ્યોગિક સંસાધનો કે જેને ‘ફિક્સ્ડ કેપિટલ’ કહે છે તેમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો ફાળો ૨૦૧૨-૧૩માં ૧૪.૯૬ ટકા હતો જે ૨૦૧૯-૨૦માં વધીને ૨૦.૫૯ ટકા થયો છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટક જેવા ટોપ ઔદ્યોગિક રીતે સમૃદ્ધ રાજ્યોનો એ જ સમયગાળા દરમિયાન ફિક્સ્ડ કેપિટલમાં ફાળો ઘટ્યો છે. 

ગુજરાતનું પ્રોડક્ટિવ કેપિટલમાં પણ પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. પ્રોડક્ટિવ કેપિટલમાં રો મટિરિયલ, સેમી ફર્નિશ્ડ ગુડ્‌ઝ, કેશ વગેરેનો સમાવેશ થાય છે. પ્રોડક્ટિવ કેપિટલમાં પણ ગુજરાતનો ફાળો વધ્યો છે.

પ્રોડિ્‌ક્ટવ કેપિટલમાં ગુજરાતનો ફાળો ૨૦૧૨-૨૦૧૩માં ૧૫.૧% હતો જે ૨૦૧૯-૨૦માં વધીને ૧૯ ટકા થયો. કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ(મૂડી રોકાણ) માં ગુજરાતને સૌથી વધુ ફાળો જાય છે. જો કે તમિલનાડુએ સૌથી વધુ ફેક્ટરીઓ ધરાવવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. જ્યાં ભારતની કુલ ફેક્ટરીઓમાંથી ૧૫.૮ ટકા ફેક્ટરીઓ આવેલી છે. જ્યારે ગુજરાત ૧૧.૬ ટકા ફાળા સાથે બીજા નંબરે અને મહારાષ્ટ્ર ૧૦.૪ ટકા ફાળા સાથે ત્રીજા નંબરે છે.  ઔદ્યોગિક રોજગારી મામલે પણ આવો જ કઈંક ટ્રેન્ડ જોવા મળ્યો છે. સૌથી વધુ ઔદ્યોગિક રોજગારી પૂરી પાડતા રાજ્યોમાં તમિલનાડુ પ્રથમ સ્થાને છે. દેશની કુલ ઔદ્યોગિક રોજગારીમાંથી ૧૬ ટકા તમિલનાડુમાં પૂરી પડાય છે. જ્યારે લેટેસ્ટ સરવે મુજબ અહીં પણ ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ છોડીને બીજુ સ્થાન મેળવ્યું.  ૨૦૧૯-૨૦ ના આંકડા મુજબ ઔદ્યોગિક રોજગારીમાં ગુજરાત નો ફાળો ૧૨.૪ ટકા અને ૧૨.૩ ટકા સાથે મહારાષ્ટ્ર ત્રીજા નંબરે હતું.  

જો કે ઔદ્યોગિક રાજ્યો માટે value of output from factories એટલે કે ફેક્ટરીઓના ઉત્પાદનના મૂલ્યમાં ફાળાને જોઈએ તો બહું કઈ ખાસ ફેરફાર નથી. કુલ ઉત્પાદનના ૧૮.૧ ટકા ફાળા સાથે ગુજરાતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જો કે ૨૦૧૨-૧૩માં આ આંકડો ૧૮.૫ ટકા હતો એટલે કે મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રનો ફાળો ઘટ્યો છે. ૨૦૧૨-૨૦૧૨માં આ ફાળો ૧૭ ટકા હતો જે ૨૦૧૯-૨૦માં ઘટીને ૧૩.૮ ટકા થયો છે. તમિલનાડુની વાત કરીએ તો તેણે પોતાનો ફાળો ૧૦.૩ ટકા જાળવી રાખ્યો છે. એક બાજુ જ્યાં રાજ્યોમાં રોકાણ ખેંચવા માટે તીવ્ર સ્પર્ધા ચાલુ છે ત્યાં ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે સતત હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાત પાસે અન્ય રાજ્યોની સરખામણીએ ઔદ્યોગિક સંસાધનો પણ વધુ પ્રમાણમાં છે. ઔદ્યોગિક રોજગારી અને કેપિટલ ઈન્વેસ્ટમેન્ટમાં ગુજરાત મહારાષ્ટ્રને પછાડીને બીજા નંબરે છે.

Share This Article