ગુજરાતનું આવકવેરા ખાતું ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષના ટાર્ગેટને પાર કરવામાં અંદાજે રૂ.૩૦૦૦ કરોડથી ચૂકી ગયું છે. નોટબંધીની અસરમાં મંદ પડી ગયેલા અર્થતંત્રના કારણે ઘણાં વર્ષો પછી ગુજરાતનું આવકવેરા ખાતું તેના ટાર્ગેટને સિદ્ધ કરવામાં નિષ્ફળ નીવડયું છે.
એક્સિસ બૅન્કની નોન પરફોર્મિંગ એસેટ્સ વધી જતાં તેણે નફામાંથી એનપીએ સામે જોગવાઈ કરવા પાછળ જ મોટી રકમ ફાળવવી પડી હોવાથી એડવાન્સ ટેક્સ પેટે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે અંદાજે રૂ. ૨૫૦૦ કરોડ જેટલા ઓછા જમા કરાવ્યા હોવાથી ગુજરાતનું આવકવેરા ખાતું ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાંઅંદાજે રૂ. ૩૦૦૦ કરોડ પાછળ રહી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે કે એક્સિસ બૅન્ક સામાન્ય રીતે રૂ. ૫૦૦૦ કરોડની આસપાસનો એડવાન્સ ટેક્સ જમા કરાવે છે. આ વર્ષે તેનો એડવાન્સ ટેક્સ રૂ. ૨૫૦૦ કરોડથી ઓછો આવ્યો છે. તેથી તેના થકી થતી આવકવેરાની આવકમાં રૂ. ૨૫૦૦ કરોડનું ગાબડું પડી ગયું છે. ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં કરદાતાઓની સંખ્યામાં વધારો થાય તે માટે આવકવેરા ખાતાએ ખાસ્સા પ્રયાસો કર્યા હતા. આ પ્રયાસોને પરિણામે આવકવેરા ખાતાએ અંદાજે ૧૦ લાખ જેટલા કરદાતાઓનો ગુજરાતના કરદાતાઓમાં ઉમેરો કરવામાં સફળતા મેળવી છે.
તેમ છતાંય ૫મી એપ્રિલ ૨૦૧૮ સુધીમાં આવકવેરા ખાતાની કચેરીમાં ગુજરાતની આવકવેરાની થયેલી આવકના એકત્રિત થયેલા આંકડાઓ મુજબ ગુજરાતની વાર્ષિક આવકવેરાની આવકમાં અંદાજે રૂ. ૩૦૦૦ કરોડનું ગાબડું પડયું છે. જોકે નોટબંધી પછી આ વર્ષ દરમિયાન રોકડની અછત રહેતા વેપાર ધંધાઓ જોઈએ તેટલા સંગીન થયા નથી. તેથી પણ આવકવેરાની આવક પર અસર પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.