છોટા ઉદેપુર જિલ્લામાં કથળેલા શિક્ષણના સ્તરને લઈ IAS ડૉ. ધવલ પટેલના વાયરલ પત્રથી ખળભળાટ મચી ગયો છે. ધીમે ધીમે હવે આ મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મામલે ટિ્વટ કર્યુ છે. તેમેણે કહ્યું, એક IAS ઓફિસરે પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, છોટાઉદેપુર અને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓમાં ભણતરની સ્થિતી ખૂબ જ દયનીય છે. ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં પણ સરકારી શાળાઓની સ્થિતિ બદતર છે. જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર હશે, ત્યાં સુધી શિક્ષણની આવી સ્થિતિ આવી જ રહેશે.ગુજરાતના સનદી અધિકારી ધવલ પટેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાની ૬ જેટલી શાળાઓની લીધેલી મુલાકાતના આધારે પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવને લખેલા પત્રથી રાજ્ય સરકારમાં હડકંપ મચી ગયો છે. ધવલ પટેલે જાણે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. તેમણે પત્રમાં જે ઉલ્લેખ કર્યા છે તે અત્યંત ચિંતાજનક બાબત છે.ધવલ પટેલે ત્યાં સુધી લખ્યું હતું કે આદિવાસી વિસ્તારના આ બાળકોને સડેલું શિક્ષણ આપવામાં આવે છે.
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સડેલું શિક્ષણ ગણાવનાર IAS અધિકારી ધવલ પટેલના લેટર અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થયો એટલે તમામ સ્થળેથી રિપોર્ટ આવ્યા છે. મુખ્યમંત્રીએ સારી વાત સાંભળવાના બદલે સાચી વાત સાંભળવાનો આગ્રહ રાખ્યો હતો. મુખ્યમંત્રીના આગ્રહ મુજબ ધવલભાઈએ તેના અનુભવના આધારે રિપોર્ટ આપ્યો છે. કોવિડકાળ દરમિયાન શિક્ષણ બગડ્યું છે. શબ્દ કદાચ સડેલો હોય શકે છે. સમગ્ર ગુજરાતનું શિક્ષણ આવું ના હોઇ શકે. ધવલભાઇએ તેમણે લીધેલી મુલાકાતના અનુભવની વાત કરી છે.છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણના સત્યાનાશ પર IAS ડૉ. ધવલ પટેલના વાયરલ પત્રથી ખળભળાટ મચી ગયો હતો. શાળાના અનુભવો અંગે શિક્ષણ સચિવને તેમણે પત્ર લખ્યો હતો. વાયરલ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વિદ્યાર્થીઓમાં પાયાનું જ્ઞાન પણ નથી. અલગ અલગ છ શાળાનો ચકાસણી કર્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો.
IASના વાયરલ પત્ર પર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપવાનો સરકારનો પ્રયાસ છે. જ્યાં પણ ક્ષતિ હશે ત્યાં સુધારો કરાશે. શાળાઓ રહેલી ક્ષતિઓ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. ધવલભાઇએ તેમણે લીધેલી મુલાકાત વિસ્તારની વાત કરી છે.IAS ડૉ. ધવલ પટેલના વાયરલ પત્ર મામલે શિક્ષણ મંત્રી કુબેર ભાઇ ડિંડોરે નિવેદન આપ્યું હતું કે મને પણ મીડિયાનાં માધ્યમથી જાણ થઈ છે. હું પણ એ જ વિસ્તારમાથી આવું છું. શિક્ષણ સુધારા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. શિક્ષણ માટે સારુ શું કરી શકાય તે માટેના પ્રયત્નો રહેશે. તેઓ ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા.