અમદાવાદ : દિવાળીના પર્વને લઇ આજે વેપારીઓ અને ધંધા-રોજગારવાળા વર્ગ દ્વારા શુભમૂર્હુતમાં માતા સરસ્વતીનું શારદાપૂજન અને ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. શહેરના શાહીબાગ, કાલુપુર, મણિનગર, મેમનગર સહિતના સ્વામિનારાયણ મંદિરોમાં તો વ્યાપારી વર્ગે ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ સામૂહિક ચોપડાપૂજન કર્યું હતું.
તો બીજીબાજુ, દિવાળીના તહેવારની મુખ્ય ત્રણ રાત્રિ એટલે કે, ધનતેરસે મહાલક્ષ્મીજીની રાત્રિ, કાળીચૌદશે મહાકાળીજીની રાત્રિ અને દિવાળીએ મહાસરસ્વતીજીની રાત્રિ આ ત્રણેય દિવસ દરમ્યાન જા પ્રથમ બે દિવસ માતાજીનું પૂજન થઇ શકયું હોય તેવા કિસ્સામાં પણ શ્રધ્ધાળુ ભકતોએ આજે ત્રણેય દેવીઓનું ભકિતભાવપૂર્વક સ્થાપન કરી પૂજા વિધિ સંપન્ન કરી હતી. જયોતિષશાસ્ત્ર અનુસાર, વિક્રમસંવત-૨૦૭૪ના અંતિમ દિવસ બાદ દિવાળીના દિવસે તુલા રાશિમાં ચંદ્ર, સૂર્ય, બુધ અને ગુરૂનો યોગ થઇ રહ્યો છે. જે એક વિશિષ્ટ યોગ બની રહ્યો છે, જેનાથી આ સમયગાળો ખૂબ ઉત્તમ રહ્યો હતો અને તે દરમ્યાન કરાયેલ પૂજન અને મંત્રસિધ્ધિ માટેની સાધના ફળદાયી બની રહે છે. શહેરના માણેકચોક, કાલપુર, દરિયાપુર, રતનપોળ, ગાંધીરોડ સહિતના બજારોમાં વ્યાપારી વર્ગે દિવાળીના તહેવારને લઇ શુભમૂર્હુતમાં માં સરસ્વતીનું શારદાપૂજન અને ચોપડા પૂજન કર્યું હતું. તો બીજીબાજુ, શાહીબાગ, કાલુપુર, મણિનગર, મેમનગર સહિતના સ્વામિનારાયણ મંદિરોમાં તો વ્યાપારી વર્ગે ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ સામૂહિક ચોપડાપૂજન કર્યું હતું.
સ્વામિનારાયણ સંતોની હાજરીમાં તેમના માર્ગદર્શન હેઠળ ષોડષોપચાર વિધિથી ચોપડા પૂજન કરાયું હતું. આજના આધુનિક હાઇટેક યુગમાં હવે ચોપડાઓનું સ્થાન કોમ્પ્યુટર લેપટોપ અને ટેબલેટે લીધુ હોવાથી કેટલાક વેપારીઓએ લેપટોપ, કોમ્પ્યુટર અને ટેબલેટનું પૂજન પણ કર્યું હતું. જા કે, ચોપડાપૂજનની પરંપરા મુજબની તેમની ધાર્મિક આસ્થા કે શ્રધ્ધામાં સહેજપણ ઓછપ આવી ન હતી. મોડી રાત સુધી વ્યાપારી સમુદાયે શારદા પૂજન અને ચોપડા પૂજનની વિધિ સંપન્ન કરી હતી.