શિક્ષક કભી સાધારણ નહી હોતા… પ્રણય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પનપતે હૈ…
– જી હા, હું પોતે જેમનાથી સાત વર્ષની ઉંમરથી પ્રભાવિત છું એવા મારા પ્રિય આચાર્ય વિષ્ણુગુપ્ત મૌર્ય એટલે કે આચાર્ય ચાણક્યનો અહીં ઉલ્લેખ કરતાં પોતાને ગર્વિત અનુભવું છું કારણ કે, સમગ્ર વરસમાં આ એક જ તો એવો તહેવાર છે જે ઈશ્વરથી પણ અતિપૂજ્ય અને ભગવાનને પણ ભગવાન બનવા લાયક બનાવે છે– એવા એમના ગુરુને સમર્પિત છે. એક ભૂતપૂર્વ શિક્ષક તરીકે આ સન્માનનીય તહેવારનો ભાગ બનવું એ મારા માટે આનંદની વાત છે.
આખા વર્ષ દરમિયાન મારા જન્મદિવસ સિવાય જો હું કોઈ દિવસોની રાહ જોતો હોઉં તો એ દિવસો છે શિક્ષકદિન અને ગુરુપૂર્ણિમા કારણકે આ જ એ દિવસો છે જ્યારે મારા હાથ નીચે તાલીમ પામેલા અને જીવનમાં આગળ આવેલા મારા તમામ વિદ્યાર્થીમિત્રો મને આગલી રાતથી જ મેસેજ કરીને પોતાની સફળતા બદલ યાદ કરવાનું શરૂ કરી દે છે. તો, ચાલો આ પાવન પર્વ નિમિત્તે જાણીએ કે આપણા સિવાય આ તહેવારનું બીજે ક્યાં અને કેવું મહત્વ છે.
હિંદુ ધર્મઃ
હિંદુ ધર્મમાં અષાઢ સુદ પૂનમને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત ઈ.સ. પૂર્વે 7મી સદીની આસપાસ થઈ હોવાની માન્યતા છે. યોગી સંપ્રદાયમાં દુનિયાના સૌપ્રથમ ગુરુ દેવોના દેવ મહાદેવને માનવામાં આવે છે કારણ કે વાયકા મુજબ દુનિયાના સર્જન માટે બ્રહ્મા અને સાવિત્રીને સમાગમનું જ્ઞાન પુરુષ અને પ્રકૃતિના મિલનના ઉદાહરણ દ્વારા તેમણે જ આપ્યુ હતું. એ સિવાય મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન પારાશર વેદવ્યાસ, કે જેઓ મહર્ષિ પારાશર વેદવ્યાસ અને એક માછીમારની પુત્રી સત્યવતીના સંતાન હતા તથા જેઓને આપણે ટૂંકમાં મહાકાવ્ય મહાભારતના લેખક તરીકે જાણીએ છીએ, એવા મુનિ વેદવ્યાસના જન્મદિન તરીકે ઊજવાય છે. હકીકતમાં વેદવ્યાસએ પોતે મહાભારત લખેલ નથી, તે તો માત્ર વક્તા હતા પરંતુ પોતાની કુશાગ્ર બુદ્ધિના પ્રતાપે તેમણે ગણપતિને મનાવીને મહાભારત એમના હસ્તે લખાવેલ હતું. તેમની આ અદાકારીથી પ્રસન્ન થઈને ગણપતિએ તેમને પોતાના ગુરુ માન્યા અને તેમનું પૂજન કર્યું. બસ એ વખતથી ગુરુપૂર્ણિમાનો તહેવારની શરૂઆત થઈ હોવાની માન્યતા છે.
બૌદ્ધ ધર્મ:
કહેવાય છે કે આ જ દિવસે તથાગત બુદ્ધે કેવળજ્ઞાન પ્રાપત થયા પછી સારનાથ ખાતે પ્રથમ દેશના આપી હતી. આ દિવસે બૌદ્ધ સંપ્રદાય દ્વારા તેમના ધર્મગુરુઓનું પૂજન કરવામાં આવે છે. નેપાળમાં તો આ તહેવારને પ્રમુખ ઉત્સવ તરીકે જાહેર કરીને આ દિવસે જાહેર રજા આરવામાં આવે છે.
જૈન ધર્મ:
જૈન ધર્મ મુજબ, આજના દિવસથી ચોમાસાનો પ્રારંભ થાય છે. મહાવીર સ્વામી, જે જૈનોના ચોવીસમા તીર્થંકર છે. તેઓએ આ જ દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતાનો પ્રથમ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમને પ્રાપ્ત કર્યો હતો, જેને પાછળથી સમગ્ર દુનિયા ગૌતમસ્વામીના નામથી જાણે છે.
જતાં જતાં એક ગુરુચાવી…
અનુભવ અને પ્રયાસ બંને કરી જોજો. ક્યારેક જીવનમાં એવો સમય આવે અને સમજી શકાય એમ ન હોય કે હવે શુ નિર્ણય લેવો તો આંખ બંધ કરીને ફક્ત એ વ્યક્તિને વિચારજો જેને ક્યારેય પણ-ફક્ત એક ક્ષણ માટે પણ તમે તમારા ગુરુ માન્યા હોય….આંખ ખોલતાં પહેલા એ સમસ્યાનું સમાધાન તમારી નજર સામે હશે. કારણ કે જો કોઈ સામાન્ય વેદવ્યાસ ગણેશ જોડે મહાભારત લખાવી શકતો હોય, કોઈ સાંદીપનિ એક ગોકુળમાં ફરતાં ગોવાળિયાને દ્રારિકાનો રાજા બનાવી શકતા હોય, જો કોઈ મહાવીર એના ગૌતમના નામમાં એટલી બધી લબ્ધિ ભરી શકતો હોય કે જેના નામના જાપ માત્રથી જ કેન્સર જેવા રોગો જડમૂળથી મટતા હોય – તો એના અંશરૂપી આ ગુરુઓ તમને એક એવી હિન્ટ આપવા જેટલી તાકાત તો રાખે જ છે જે તમને તમારી દ્વિધામાંથી મુક્ત કરી શકે….. ઓપન ચેલેન્જ… બલ દિલથી યાદ કરજો એક વાર, ગુરુ નહિ કરે મદદ માટે પળભરની વાર… જય ગુરુદેવ…
- આદિત શાહ અંજામ