નમસ્કાર દોસ્તો..આશા છે કે આપ સહુ સકુશળ હશો. ધીમે ધીમે મહિનાના અંતની સાથે સાથે આપણી કોલમ લાગણીના સૂર પણ એની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહી છે. જેમ સમય બદલાય છે એમ લાગણીઓ પણ બદલાય છે અને એની સાથે સાથે માંગ પણ બદલાય છે. સ્ત્રી હોય કે પુરુષ- વિજ્ઞાન અને કુદરતના હાથે દરેક વ્યક્તિ બંધાયેલી છે. જો ઈશ્વરે દરેક વ્યક્તિને કઈંક વધારે કે ઓછા પ્રમાણમાં આપ્યુ છે તો એ વત્તાં-ઓછા પ્રમાણને નિયંત્રણમાં રાખવા લાગણી આપી છે પરંતુ જ્યારે લાગણીઓ પર જ કાબૂ ન રહે ત્યારે શું…?
તન અને મન એ નૈસર્ગિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. આ આખી કુદરતી પ્રક્રિયા સમજવા લાયક છે. જ્યારે કોઈ સ્ત્રી કે પુરુષ અચાનક પહેલી વાર કોઈ વિજાતીય પાત્રને જુએ ત્યારે કુદરતી રીતે એના શરીરમાં રહેલા હોર્મોન્સ એક્ટિવ થાય છે અને તેને એ પાત્ર માટે આકર્ષણ થાય છે. સમય અને સંજોગોનુસાર ધીમે ધીમે મન મળે, મુલાકાતો વધે અને એક સમય એવો આવે જ્યારે બે શરીર એકબીજામાં સમેટાય અને પ્રેમસંબંધની સાથે અંતરમનની લાગણીઓ પણ પોતાની ચરમસીમાએ પહોંચે. આજીવન પ્રેમસંબંધમાં મધુરતા લાવવા, પોતાના પાત્રને સહજતાથી જાણવા માટે અમુક હદ સુધીની નિકટતા જરૂરી છે, પરંતુ જો તમારો પ્રેમ જો ઈન્ટિમસી પૂરતો જ સીમિત હશે તો આવા સંબંધોનું આયુષ્ય ઘણું ટૂંકુ હોય છે. પ્રેમ એ નથી કે જેમાં બે પાત્રો એકબીજા સાથે ઈચ્છા હોય કે ન હોય, શારીરિક સંબંધના બંધનમાં તેઓને બંધાવવું જ પડે. હદથી વધારે શારીરિક આકર્ષણ પણ પ્રેમસંબંધ માટે હાનિકારક છે અને આ ટૂંકા ગાળાનો આનંદ અને સંતોષ તમારી લાંબા ગાળાની રિલેશનશિપને તહસનહસ કરી નાખે છે.
હાલના સમયમા જે યુવામિત્રો પ્રેમસંબંધમાં છે અથવા ઉંમરની આ અવસ્થામાંથી પસાર થઈ રહ્યાં છે કે પસાર થવા જઈ રહ્યાં છે તે તમામ માટે એક નાનકડી સલાહ છે કે જો તમે તમારી રિલેશનશિપને લોંગ-લાસ્ટિંગ બનાવવા માંગતા હોવ તો એમાં કામૂકતાને ક્યારેય પ્રાથમિકતા આપવી નહિ કારણ કે એ બાબત માટે એક ચોક્કસ સમય અને નિયમો છે. ઈન્ટરકોર્સ એ ફક્ત એ જ સાબિત કરશે કે બંને પાત્રને ફક્ત એકબીજાના શરીરની જરૂર છે જ્યારે હકીકતમાં પ્રેમને શરીરની નહિ પરંતુ માન, સમ્માન, વિશ્વાસ, કાળજી, સમજ, કમ્ફર્ટ, સિક્યોરિટી અને સ્થાનની જરૂર છે. આ તમામ એ મૂળભૂત બાબતોછે જે કોઈ પણ સંબંધને સાંબા સમય સુધી જોડી રાખવા માટે મહત્વપૂર્ણ છે.
જોકે, જો તમારા સંબંધોમાં શારીરિક સંબંધને પ્રાધાન્ય મળી રહ્યું છે તો પછી એમાં પ્રેમ કે લાગણીઓને કોઈ જ પ્રાથમિકતા નથી. રિલેશનશિપ એક્સપર્ટ્સનું માનવું છે કે જો કોઈ પણ ઉંમરના કપલ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજાને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ અને થોડી ઈન્ટિમસી સાથે આગળ વધે તો આવા સંબંધોની આવરદા વધી જાય છે. મન કરતા શરીરને ઉપલક્ષમાં રાખીને ઉભી કરવામાં આવતી સંબંધોની ઈમારતના પાયા ટૂંક જ સમયમાં ગગડી જાય છે જેના અમુક કારણો આવા પણ હોઈ શકે છે. જેમકે,
- દિલથી દિલનું કપાતું જોડાણ.
- પાર્ટનરનું એડિક્શન
- ઝીરો કમિટમેન્ટ
- ક્લ્પનાની જીંદગી અને સત્ય સામે આવતા પોતાના પર જ કંટ્રોલ ન રહેવો.
- અમુક સમય પછી અન્ય વ્યક્તિ તરફ આકર્ષણ
- જરૂરિયાત પૂરી ન થતા કંકાસ
- સંબંધોમાં તૂટ
- યુવાવર્ગમાં બ્રેકઅપ અને પરિણીતોમાં છુટાછેડા
- હતાશા અને વ્યસન
- અને અંતે આત્મહત્યાના પ્રયાસો…
મર્યાદા દરેક સંબંધમાં જરૂરી છે. આજનો અંતિમ આર્ટિકલ એ પર્ટિકિયુલરલિ કોઈ જાતિ, સ્ત્રી કે પુરુષ વર્ગ પૂરતો નથી કે માત્ર કોલેજીયન કે યુવાવર્ગ પૂરતો નથી. આ ઉંમરના તમામ વર્ગના લોકો માટે જરૂરી છે કારણ કે જ્યારે સંબંધોમાં શરીરને પ્રાધાન્ય મળતું થઈ જાય છે ત્યારે લાગણીઓની કતલેઆમ સર્જાઈ જાય છે અને સમયનું ખંજર ઉંમર, જાતિ કે વર્ગના કોઈ મંજરને ગણકારતું નથી. એ બસ ધીમું ઝેર બનીને સંબંધરૂપી વૃક્ષનાં મૂળિયાંને કોહવતું જાય છે. એક ટૂંકો વિરામ અને બહુ જ જલદી ફરી મળીશું એક નવા વિષયની સાથે…
ત્યાં સુધી.. વાંચતા રહો…