ઠંડા હવામાનમાં ચા થી લઈને ઈમ્યુનિટી વધારતા કાવો બનાવવા સુધી ઘરમાં આદુનો ઉપયોગ થાય છે. આદુનું નિયમિત સેવન માત્ર ભોજનનો સ્વાદ જ વધારતું નથી, પરંતુ આરોગ્યને લગતા અનેક ફાયદા આપી વ્યક્તિને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. પરંતુ આજકાલ બજારમાં મળતું નકલી આદુ ફાયદાની જગ્યાએ આરોગ્યને નુકસાન પહોંચાડે છે. એવા સમયે બજારમાંથી આદુ ખરીદતી વખતે અસલી આદુ કેવી રીતે ઓળખવું તે જાણવું ખૂબ જરૂરી છે. ચાલો જાણીએ આદુ ખરીદતા પહેલાં અસલી અને નકલી આદુ કેવી રીતે ઓળખવું.
સાચું અને નકલી આદુ ઓળખવાના સરળ ઉપાયો
સુંઘીને તપાસો
અસલી આદુની સુગંધ તીખી, તીવ્ર અને તાજી હોય છે. જ્યારે નકલી આદુમાં સુગંધ નથી હોતી અથવા બહુ હલકી હોય છે.
છાલ જોઈને ઓળખો
અસલી આદુની છાલ પાતળી અને નરમ હોય છે, જે નખથી સહેલાઈથી ઊતરી જાય છે અને હાથમાં તીખી સુગંધ છોડી જાય છે. જ્યારે નકલી આદુની છાલ કઠણ હોય છે અને સહેલાઈથી ઊતરતી નથી.
રંગ પર ધ્યાન આપો
અસલી આદુ હળવા ભૂરો રંગનું હોય છે અને તેના પર થોડી માટી લાગી હોય શકે છે. જ્યારે નકલી આદુ વધારે ચમકદાર, ખૂબ સાફ અને સફેદ જેવું લાગે છે. આવું આદુ ઘણીવાર એસિડ અથવા કેમિકલથી ધોયેલું હોય છે. હંમેશા ખૂબ ચમકદાર આદુ ખરીદવાનું ટાળો.
તોડી ને જુઓ
અસલી આદુ તોડતા અંદરથી રેશા (ફાઇબર) દેખાય છે. જ્યારે નકલી આદુ તોડતા આવા રેશા નથી દેખાતા.
સ્વાદથી ઓળખો
અસલી આદુ ચાવતાં તીખાશ અને થોડી બળતરા જેવી લાગણી થાય છે. જ્યારે નકલી આદુમાં ખાસ કોઈ સ્વાદ નથી હોતો.
