ઘરમાં કોઈ પ્રસંગ આવે એટલે મહીનાઓ પહેલા તૈયારી ચાલુ થઈ જતી હોય છે અને આ તૈયારી છેક પ્રસંગનાં આગલા દિવસ સુધી ચાલતી રહે. એન્ડ ટાઈમ સુધી મહિલાઓને શું પહેરવું કોની સાથે શેનું મેચિંગ કરવું તેવી ચિંતાઓ રહેતી હોય છે. તેમાં પણ જ્વેલરી ખરીદવી, પહેરવી અને સાચવવી કાળજી માગી લે તેવુ કામ છે. પ્રસંગ પત્યા પછી એટલા બધા કામ હોય, અથવા તો એક પ્રસંગ પછી તરત બીજા પ્રસંગ માટે તૈયાર થવાનું હોય ત્યારે એક જ બેગમાં જ્વેલરી, હેરસ્ટાઈલનો સામાન, મેકઅપ બધુ ભેગુ જ કાઢીને મૂકી દે છે. પરીણામે જ્વેલરી જલ્દી ખરાબ થઈ જાય છે. અહીં આપણે જ્વેલરીની જાળવણી વિશેની ટિપ્સ જોઈશું.
- સૌ પ્રથમ તો પ્રસંગ પત્યા પછી જ્વેલરીને કાઢીને પ્લાસ્ટિકની ઝીપલોક બેગમાં મૂકી દો.
- સમય મળે ત્યારે જ્વેલરીને કોરા કપડાંથી સાફ કરીને એક બીજાને અથડાય નહીં તેવી રીતે મૂકો.
- સોનાનાં દાગીનાને વેલવેટ બોક્સમાં મૂકો. જો તમે જ્વેલરી પાઉચમાં મૂકવાના હોવ તો જ્વેલરીની વચ્ચે થોડુ રૂ પણ મૂકો.
- ચાંદીનાં દાગીનાને દંતમંજન પાઉડર છાંટીને પેપરમાં વીટીને મૂકી રાખો.
- જો ઈમિટેશનમાં હેવી જ્વેલરી હોય તો તેને પણ પ્લાસ્ટિક ઝિપ લોક બેગમાં જ રાખો.
- પર્લ જ્વેલરીને બહારની હવા કે પાણી ન અડે તે રીતે એરટાઈટ બેગમાં રાખો.
- ડાયમંડ જ્વેલરીને સીધા રહે તેવી જ રીતે મૂકો. ઘર્ષણથી જ્વેલરી એકબીજા પીસ સાતે અથડાય નહીં તેનું ધ્યાન રાખો.
- બંગળીઓને નાના બટવા કે સ્પેશિયલ બેંગલ બોક્સમાં જ રાખો. બંગળીનાં આખા સેટને ગોઠવીને દોરી બાંધી રાખો, આથી જ્યારે પહેરવી હોય ત્યારે સેટ બનાવવા ન બેસવુ પડે.
- દરેક જ્વેલરીને તેની સાઈઝ પ્રમાણે અલગ અલગ બોક્સમાં જાળવીને મૂકો.