ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ નોંધાયેલો ભારે વરસાદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ :ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. રાજ્યના ૬૦થી વધુ તાલુકાઓમાં ઉલ્લેખનીય વરસાદ આજે થયો હતો. રાજ્યના જે વિસ્તારમાં ઉલ્લેખનીય વરસાદ થયો હતો તે વિસ્તારમાં લોકો એકબાજુ ખુશખુશાલ દેખાયા હતા. લાંબા વિરામ બાદ આ વરસાદી માહોલ જાવા મળ્યો હતો. રાજ્યના જે વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થયો છે તેમાં ક્વાંટ, મોડાસા, દાહોદ, ગાંધીનગર, સાબરકાંઠા, હિંમતનગર, જાંબુઘોડા, છોટાઉદેપુર, નસવાડી, બોડેલી, ગરબાડાનો સમાવેશ થાય છે.

ક્વાંટ, છોટાઉદેપુરમાં બે ઇંચથી વધુ વરસાદ થયો હતો જ્યારે દાહોદમાં પણ બે ઇંચથી વધુ વરસાદ થયો હતો. દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર ડિપ્રેશનની સ્થિતિ સર્જાયેલી છે જેના પરિણામ સ્વરુપે વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.  હવામાન વિભાગનું કહેવું છે કે, ભારે વરસાદ ગુજરાત ઉપરાંત અન્ય ભાગોમાં પણ પડી શકે છે. પૂર્વીય રાજસ્થાન, ગુજરાત, દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આવતીકાલે હિમાચલમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. ગુજરાતમાં પણ ભારે વરસાદની ચેતવણી હોવાથી તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાયા છે.

Share This Article