અમદાવાદ : વિશ્વમાં આરોગ્ય અને ખાદ્ય ચીજવસ્તુઓના ક્ષેત્રમાં હવે ભારત પણ વિકસીત દેશોથી પાછળ રહ્યું નથી તેવું સાબિત કરવા માટે આપણે સૌ કોઇએ હેલ્ધી ઇન્ડિયાનો સંકલ્પ સાચા અર્થમાં ચરિતાર્થ કરવો પડશે. ગુજરાત અને દેશને હેલ્ધી સાથે એવું વાયબ્રન્ટ બનાવીએ કે જેથી વિશ્વભરના લોકો આપણી મહેમાનગતિ માણવામાં ગર્વ મહેસૂસ કરે. ફુડ કમિશનર તરીકે ઇશ્વરે તમને બહુ મહત્વની અને સમાજની અનોખી સેવા કરવાની જવાબદારી સોંપી છે, તેને માત્ર ફરજ ના ગણો કારણ કે, આ વૈધાનિક ફરજની સાથે સાથે સમાજની સેવા કરવાની બહુ પવિત્ર ફરજ છે. જા તમે સાચી નિષ્ઠાથી આ ફરજ નિભાવશો તો, તમે સમાજના લોકોને રોગો, બિમારી અને ગંભીર માંદગીથી બચાવવામાં બહુ ઉમદા યોગદાન આપી શકશો.
તમે જે કંઇપણ કામ કરો, તેમાં કમીટમેન્ટ રાખો અને દ્રઢ ઇચ્છાશકિત રાખો તો, તો, તમને ચોક્કસ સફળતાના અને સારા પરિણામો પામશો એમ અત્રે સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહે જણાવ્યું હતું. ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ અંગેના સામાન્ય એવા સમગ્ર ગુજરાત રાજયમાં પડતર એવા ચાર હજારથી વધુ કેસોનો ઝડપી અને અસરકારક નિકાલ કરવા બદલ ખુદ ફુડ સેફ્ટી ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ ગુજરાત રાજયની કામગીરી બિરદાવી તેને પ્રેરણારૂપ ગણાવી હવે દેશના અન્ય રાજયોમાં પણ ભેળસેળના સામાન્ય કેસોના કઇ રીતે ત્વરિત અને અસરકારક નિકાલ થાય તે માટે સૂચના જારી કરી હતી જેના અનુસંધાનમાં આજે અમદાવાદ શહેરમાં દેશના તમામ રાજયોના ફુડ સેફ્ટી કમિશનર સહિતના પદાધિકારીઓ માટે એક ખાસ લર્નિંગ અને ટ્રેનીંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત હાઇકોર્ટના આપણા વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને હાલમાં જ સુપ્રીમકોર્ટમાં નિયુકત થયેલા જસ્ટિસ એમ.આર.શાહ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી દેશભરમાંથી આવેલા ફુડ સેફટી કમિશનરો સહિતના પદાધિકારીઓને બહુ ઉપયોગી જાણકારી અને કાયદાકીય દ્રષ્ટિકોણથી જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. જસ્ટિસ એમ.આર.શાહે વધુમાં જણાવ્યું હતું કે, ફુડ એડલ્ટ્રેશનના જૂના પડતર કેસોના નિકાલમાં જયુડીશીયરી, સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમ જ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના ટીમવર્ક અને સહિયારા અસરકારક પ્રયાસથી શકય બન્યુ છે.
સરકાર અને કાનૂની સેવા સત્તામંડળની જૂના કેસોના નિકાલની સિધ્ધિને જસ્ટિસ શાહે બિરદાવી હતી. આ પ્રસંગે આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમાર અને ફુડ એન્ડ ડ્રગ કમિશનર ડો.એચ.જી.કોશીયાએ જણાવ્યું હતું કે, ભેળસેળના જૂના કેસોના નિકાલમાં જÂસ્ટસ એમ.આર.શાહનો સિંહફાળો રહ્યો છે, જે કયારેય ભૂલી નહી શકાય. તેમના માર્ગદર્શન અને દિશાસૂચનથી જ સરકાર આ સિધ્ધિ હાંસલ કરી શકી છે. ગુજરાતમાં પડતર ભેળસેળના સામાન્ય કેસો પૈકીના ચાર હજારથી વધુ કેસોને ઝડપી અને અસરકારક નિકાલ કરવામાં આવ્યો છે, જયારે રૂ.૭.૫૦ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ પ્રસંગે હાઇકોર્ટના એડિશનલ એડવોકેટ જનરલ પ્રકાશ કે.જાનીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. દેશના વિવિધ રાજયોમાંથી આવેલા ફુડ સેફ્ટી કમિશનર સહિતના પદાધિકારીઓને ગુજરાતની માફક જ આ પ્રકારના ભેળસેળના કેસોમાં કેવી રીતે ઝડપી અને અસરકારક નિકાલ લાવી શકાય તે અંગેની ઉપયોગી જાણકારી, માર્ગદર્શન અને કાનૂની ઉકેલની માહિતી નિષ્ણાતો દ્વારા આ લર્નિગ એન્ડ ટ્રેનીંગ સેમીનારમાં અપાઇ હતી.