अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण।
कृप: परशुरामश्च सप्तैतेचिरजीविन।।
सप्तैतान् संस्मरेन्नित्यंमार्कण्डेयमथाष्टमम्।
जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।।
આજે હનુમાન જન્મોત્સવે આ પંક્તિઓ એટલા માટે યાદ કરવી પડે કે આપણે ત્યાં વર્ષોથી હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. હકિકતે જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેની જયંતી ઉજવાય છે. હનુમાન કે જેમને અમરત્વ પ્રાપ્ત થયેલું છે તેમની જયંતી ક્યારેય હોઈ જ ન શકે. હનુમાનજી માત્ર ભગવાન હતા કે રામના સેવક હતા તેનાથી તેમનું અસ્તિત્વ પૂરું નથી થઈ જતું. હનુમાનજી આજના યુગમાં સામાન્ય માણસને પણ એટલા જ લભ્ય અને તેમની સમસ્યાઓના પ્રેક્ટિકલ ઉકેલ લાવવામાં મદદ કરનારા ઈષ્ટ દેવ છે. ઉપરોક્ત શ્લોકમાં આઠ ચિરંજિવોની વાત કરી છે જેમાં અશ્વત્થામા, રાજા બલિ, મહર્ષિ વેદવ્યાસ, હનુમાનજી, વિભિષણ, કૃપાચાર્ય, ભગવાન પરશુરામ અને ઋષી માર્કન્ડેય. આ આઠ ચિરંજિવોની ક્યારેય જયંતી હોઈ જ ન શકે.
હનુમાનજીના જન્મની અને પરાક્રમની કથાઓ આપણને ખબર છે પણ ખરેખર આ દેવતા, ઈશ્વર, મહાબલી જે કહો તે કેસનીનંદન હંમેશા પરોપકાર માટે જીવ્યા હતા. તેમના જન્મથી જ તેમને ધ્યેય આપી દેવાયો હતો કે, રામ કાજ ઈતિ તવ અવતારા….. રામના ચાહક, રામના આશિક અને રામના દાસ એવા હનુમાનના મગજમાં એક જ વાત રમતી હતી કે મારે ભગવાન રામને મદદ કરવાની છે.
માણસમાં સેવાભાવ લાવવો અને જાગ્રત કરવો તેમાં મોટો તફાવત છે. તમે કોઈને સમર્પિત થઈ જાઓ ત્યારે આ સેવાભાવ આનંદ આપે છે. લંકા વિજય પછી ભગવાન રામ જ્યારે હનુમાનજીને ભેટે છે ત્યારે કશું જ બોલી શકતા નથી. તેમની પાસે હનુમાનજીનો આભાર માનવા માટે એકપણ શબ્દ બોલતા નથી. તેમને મન હનુમાનજી ક્યારેય સેવક નહોતા પણ હનુમાનજીએ આજીવન રામને પોતાના આરાધ્ય જ માન્યા હતા.
મહત્વની વાત એ છે કે, ભગવાન રામે માતા સીતાની શોધ અને લંકા વિજય દરમિયાન જેટલા લોકોએ મદદ કરી તેમનું ઋણ ઉતારી દીધું હતું. માત્ર હનુમાનજી એક જ એવા હતા જેમણે આજીવન રામને ઋણી રાખ્યા હતા. ભગવાન રામ જેનું ઋણ ન ઉતારી શકે તેવા મહાપરાક્રમી, મહાબલીને માતા સીતાએ લંકામાં રહીને માત્ર સમાચાર આપવા બદલ અષ્ટ સિદ્ધી અને નવનીધીનું વરદાન આપી દીધું હતું.
આવા હનુમાનજીને જ્યારે આધુનિક સમયમાં યાદ કરીએ તો તેની જયંતી નહીં જન્મોત્સવ ઉજવવો જોઈએ. આજે પણ શ્રીલંકામાં, હિમાલયમાં, ચિત્રકૂટમાં હનુમાનજી દેખાયાના અહેવાલો ચાલતા હોય છે. ક્યાંક ક્યાંક તેમને શોધવા માટે સંશોધનો પણ ચાલે છે. શ્રીલંકામાં આદિવાસી પ્રજાતીને દર 41 વર્ષે હનુમાનજી દર્શન આપે છે તેવા પણ અહેવાલો છે.
આ અહેવાલો વચ્ચે એક જ વાત શીખવા અને જાણવા જેવી છે, તમારામાં ગમે તેટલી અતુટ શક્તિ હોય, તમારી પાસે પાવર હોય પણ વિનમ્રતા ન હોય તો તેનો કોઈ અર્થ નથી. કિષ્કિન્ધાકાંડ પૂરો થયા પછી ત્યારે જાંબુવન અને હનુમાનજી વાનર અને રીંછ સેના સાથે દરિયા કિનારે પહોંચે છે ત્યારે જાંબવનજી તેમની શક્તિઓને ઉજાગર કરે છે.
અહીંયા મહાત્મા તુલસીદાસજીએ કેવી રીતે કોઈને પ્રોત્સાહન આપવું, તેનામાં રહેલા પરાક્રમને જાગ્રત કરવું તેની સુંદર છણાવટ કરી છે. હનુમાનજી માયોથોલોજિકલી તો તેમની શક્તિઓ ભુલી ગયા હતા. તેમને શાપ મળેલો હતો પણ હવે તેમની શક્તિઓને યોગ્ય રીતે ઉજાગર કરવાની હતી. એટલે માટે જ જાંબવન માત્ર એટલું જ કહ્યું કે,
કહઈ રિંછપતિ સુન હનુમાન, કા ચુપ સાધી રહેહુ બલવાના.
પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ બિબેક બિગ્યાન નિધાના.
કવન સો કાજ કઠિન જગ માંહી, જો નહીં હોય તાત તુમ પાહીં.
રામ કાજ લગી તવ અવતારા, સુનતહિં ભયઉ પર્બતાકારા.
માત્ર એટલું જ કહેવાયું કે રામકાજ માટે જ તારો જન્મ થયો છે અને તારા માટે કોઈ કામ અશક્ય હોઈ જ ન શકે ત્યાં તો વિશાળ પર્વત જેવી કાયા કરીને હનુમાનજી છલાંગ લગાવવા તૈયાર થઈ ગયા.
વારંવાર ડિપ્રેશનમાં જતા રહેતા, નાસીપાસ થતા અને પોતાનામાં રહેલી ક્ષમતાઓને ઓછા આંકનારા લોકો માટે હનુમાનજી ઉદાહરણ છે. તેમનામાં વિનમ્રતા ભારોભાર રહેલી હતી. લક્ષ્મણજી મૂર્છિત થાય છે ત્યારે રામને વિલાપ કરતા જોઈ શકતા નથી. પોતાનો નાથ વિલાપ કરે…. એ તો કઈ રીતે ચાલે. હનુમાનજી ખૂબ જ વિનમ્રતા સાથે પોતાના પ્રભુ રામને કહે છે કે, હે નાથ હે બ્રહ્માંડના અધિપતિ તું એક વખત મને આજ્ઞા આપ પછી જો આખું બ્રહ્માંડ ઉંધુ છત્તું કરી નાખું.. સંજીવની બુટી શું આખો પર્વત તારી પાસે લઈ આવું પણ પ્રભુ તું મને આદેશ આપ. અતુલ્ય પરાક્રમ અને બળ ધરાવતી વ્યક્તિ પોતાની ક્ષમતાઓ સિદ્ધ કરવાના બદલે અનુમતી માગે છે. આ શીખવે છે હનુમાનજી. તમારી પાસે જે હોય તે પણ સામેની વ્યક્તિને તે બતાવવા કરતા તેને કેટલા અને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ છીએ તે વધારે મહત્વનું છે.
આવા અનોખી શક્તિ અને ભક્તિના સ્વામી હનુમાનજી જેમણે રામને ઋણી રાખ્યા તેઓ આજે પણ લોકોની ઈચ્છા પૂરી કરવા માટે હાજરાહજુર છે. તેમને જાણે-અજાણે મૃતક જાહેર કરીને તેમના અમરત્વનું અપમાન કરવાને બદલે તેમનો જન્મોત્સવ ઉજવીએ તો વધારે આનંદ આવશે.
– રવિ ઈલા ભટ્ટ