* સાચો ગુરુ કોણ? *
આપણે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવા જઇ રહ્યાં છીએ ત્યારે એક સવાલ મનોમન ઉદ્ભવ્યો કે સાચો ગુરુ કોણ? વર્તમાન સમયમાં જે રીતે આપ મેળે બની બેઠેલા ગુરુઓની જે કપટ લીલા જોવા મળે છે ત્યારે કોણ સાચું અને કોણ ખોટું એ શોધવું ઘણું મુશ્કેલ થઇ ગયું છે, જેના પગે આપણે આપણું સર્વસ્વ ધરી દઈએ છીએ એ જ કહેવાતા ગુરુઓનું જયારે પાપ પ્રકાશે છે ત્યારે ઊંડી ચીસ નીકળી જાય છે, એક બાજુ ગુરુ વિના જ્ઞાન નહિ કહીને આપણને ગુરુનું માહત્મ શીખવવામાં આવે છે અને બીજી બાજુ અમુક ગુરુઓની દાનત સામે પ્રશ્ન મંડાય છે, ત્યારે સમાન્ય માણસ જાય તો ક્યાં જાય ?!!
સાચો ગુરુ એ છે કે જે સાચો રસ્તો બતાવે, સાચો ગુરુ આપણને સમાજમાં જીવતા શિખવે છે, પરિવારની જવાબદારીથી ભાગી છૂટવાને બદલે કર્તવ્યથી અભિમુખ કરાવે છે, જિંદગીના દરેક પહેલુંમાં આવતી અલગ અલગ પ્રતિક્રિયા જેવી કે ગુસ્સો, લોભ , મોહ ને ત્યજી દેવાને બદલે તેનો સકારાત્મક ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવે છે, સાચા ગુરુએ ધર્મથી નિરપેક્ષ હોય છે, પોતાનો ધર્મ જ સાચો કહીને પોતાની સત્તાને સલામત કરતા ગુરુઓને તમે શું કહેશો!?
સાચા ગુરુને શોધવા બહુ દુર જવાની જરુર નથી બસ માત્ર એટલું કામ કરો કે તમને કરેલા કાર્ય પર એક દ્રષ્ટી કરી લો જાતે જ પરચો મળી જશે, એમના કામથી તમે જાતે જ ખાતરી કરી લો કે તેનાથી સમાજને કઈ લાભ થયો કે કેમ? દિન દુખિયા અને જરૂરીયાતના સમયે લોકોની મદદ તેઓ કે તેમના અનુયાયી કામે આવ્યા કે કેમ? ગુરુ નામની કંઠી પહેરી છે તેઓએ પોતાના પરિવારની જવાબદારી યોગ્ય રીતે નિભાવી છે કે કેમ? બસ આટલી ખાતરી કરી લો – અને જો સમજાય કે આ બધા પ્રશ્નો માંથી તેઓ સાંગોપાંગ ઉતર્યા છે તો એ સાચા ગુરુ છે અને એ જ અસામાન્ય વ્યક્તિ તમને તમારા જીવનની સમજ આપી શકે છે..
છેલ્લે……
જમાનાની સાથે ગુરુઓના પણ પ્રકાર પડ્યા છે જેમકે ધાર્મિક ગુરુ, કોર્પોરેટ ગુરુ, મેનેજમેન્ટ ગુરુ, પ્રોફેશનલ ગુરુ, વગેરે… વગેરે…
બસ સમજણની એરણ પર જેની કૃપા વરસી હોય તેનો ગુરુમંત્ર અપનાવવામાં અને કંઠી પહેરવામાં કોઈ વાંધો નથી….
- નિરવ શાહ