રીટાને પહેલે ખોળે દીકરી અવતરી. આ સમાચાર જાણી એનાં સાસુનું મોં પડી ગયું. દીકરો જ આવશે એમ માનીને જે કંઇ વિચારી રાખ્યું હતું એના પર પાણી ફરી વળ્યું. દીકરો આવે તો અગિયાર બ્રાહ્મણોને જમાડવાની, સત્યનારાયણ ભગવાનની કથા કરાવવાની અને ગામના મંદિરમાં રીપેરીંગ માટે બે હજાર રૂપિયા આપવાનું એમણે નક્કી કર્યુ હતું. પણ એમની મહેચ્છા જાણે ધૂળમાં મળી ગઇ.
રીટાનાં સાસુ કમળાબા રીટાને મનોમન ધિક્કારવા લાગ્યાં. આમે ય રીટા પરણીને આવી ત્યારથી એવી અમંગળ ઘટનાઓ બનતી હતી કે રીટા કમળાબાના મનમાંથી ઉતરી ગઇ હતી. રીટા પણ કમળાબાના મનમાં વસી જવા માગતી હતી, એ આખા ઘરનું કામ એકલી જ કર્યા કરતી પણ કમળાબા કઠોર હ્રદયનાં હતાં એમને રીટાની જરા ય દયા આવતી નહિ. બનેલું એવું કે રીટાનું લગ્ન થયું એના મહિના પછી એના સસરા અવસાન પામ્યા… આમ તો ઘણા સમયથી એ દમના રોગથી પીડાતા હતા પણ એમને ય રીટાને પરણીને આવ્યા પછી જાણે તરત જ મરવાનું સૂઝ્યુ !!!
રીટાના લગ્નના ત્રણેક મહિના બાદ એની નણંદ ફારગતિ કરીને ઘેર આવી, જો કે એને એના પતિ સાથે લગ્ન થયાં એ દિવસથી જ બનતું ન હતું પણ કેસનો નિકાલ છેક હમણાં થયો ને એનો દોષનો ટોપલો આવ્યો રીટાના માથે…. !!
વળી પાછું ઓછું હોય એમ કુદરત પણ રૂઠી… એના લગ્ન પછી ઉપરા ઉપરી બે વરસ સૂકાં ગયાં ને કમળાબાની બે દૂધ આપતી ભેંસો ઘાસના અભાવે કે કોઇ રોગના કારણે મરી ગઇ… આ બધું રીટાના ઘરમાં આવ્યા પછી બનેલું એટલે આ બધા અંગે કમળાબા રીટાને જ જવાબદાર ગણતાં હતાં. અરે એટલું જ નહિ હવે તો કમળાબા જો પડોશીઓ પણ વાત ઉઘાડે તો ટાપશી પૂરાવતાં…
રીટાના લગ્નને સાત સાત વર્ષ થઇ ગયાં હતાં તો ય હજી એનો ખોળો ખાલી હતો. આમાં ય એનો જ વાંક કમળાબાને દેખાતો…રીટા ખૂબ મૂંઝાયા કરતી..ત્યાં જ રીટાને સારા દિવસો રહ્યા, રીટા અને એનો પતિ આનંદમાં આવી ગયાં. રીટાને મનમાં હતું કે જો પુત્ર થાય તો એના આગળના બધા જ દોષ ભૂંસાઇ જાય… પણ કિસ્મત બે ડગલાં આગળ હતુંકે એની કૂંખે દીકરી આવી….
કમળાબા તો દીકરી હાથમાં ય લેતાં ન હતાં. એમને રીટા પર ખૂબ રીસ ચઢી હતી. રીટાના પતિ મનહરને લાગ્યું કે હવે તો બાને કંઇક સારી ભાષામાં કહેવું જ પડશે…
રીટા બેબીને લઇને હોસ્પિટલથી ઘેર આવી ત્યારે કંઇક વાંકુ પાડીને કમળાબા જેમ તેમ બોલવા લાગ્યાં…..મનહરે ત્યારે તક ઝડપી લીધી ને શાંતિથી બાને સમજાવતાં કહ્યું,
” બા મને લાગે છે કે તમે કંઇક વધુ પડતું કરી રહ્યાં છો, પણ આજે મારે ના છૂટકે તમને બોલવું પડે છે…રીટાના લગ્ન પછી પિતાજી અવસાન પામ્યા એમાં તમને રીટાનાં પગલાં જવાબદાર લાગ્યાં !!! મોટા બેન છૂટા છેડા લઇને ઘેર આવ્યાં એમાં શું રીટા જવાબદાર છે ? ને છૂટા છેડા પછી પણ આજે મોટાબેન સારા ઠેકાણે ગોઠવાઇ ગયા એ માટે રીટા જવાબદાર નહિ ??? રીટા સાથે પરણ્યા પછી મને નોકરી મળી એ માટે રીટાનાં પગલાં શુકનિયાળ ન ગણાય ?? જે કાંઇ ખરાબ બને એ માટે રીટા જવાબદાર ને જે કંઇ સારું બને એ માટે રીટાને યશ ન મળે ?? આવું તો બા ન જ કરાય હોં…
મનહર અટકી ગયો. કમળાબા એને ચૂપચાપ સાંભળી રહ્યાં હતાં રીટા પથારીમાં પડે પડે રડી રહી હતી. કમળાબા મનહરના શબ્દોથી એક તબક્કે અકળાઇ ઉઠયાં, પણ પછી એમને એમની ભૂલ સમજાઇ… દીકરો કે દીકરી એ તો ભગવાનના હાથની વાત છે એમાં કોઇનો ય દોષ ન કઢાય એમ વિચારીને એ રીટાના રૂમમાં જઇ એના માથે ક્યાંય સુધી હાથ પસવારતાં રહ્યાં….. રીટા પણ એમને માની જેમ વળગી પડી…
- અનંત પટેલ