સમકક્ષ મૂરતિયો               

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

કેતકીની ઉંમર ત્રીસ થવા આવી હતી. ન્યાતમાં સારા સારા કહી શકાય તેવા બધા મૂરતિયા અપટાઇ ગયા હતા. કેતકી ડોક્ટર હતી,  તેમની જ્ઞાતિમાંથી ડોક્ટર થનાર તે પ્રથમ વ્યક્તિ હતી. તેના પિતાજીએ તેને એમ.બી.બી.એસ.માં દાખલ કરી ત્યારે તેની મમ્મીએ એ વાતનો ખૂબ વિરોધ કરેલો. તેની મમ્મી એ વાતને સારી રીતે જાણતાં  હતાં  કે ન્યાતમાં ડોક્ટર છોકરીને લાયક મૂરતિયો શોધવો ક્યાંથી ?  પણ તેના પિતાજીની તેને ડોક્ટર બનાવવાની તીવ્ર ઇચ્છા હતી. ઇચ્છા ફળી  પણ ખરી, તે ડોક્ટર બની તો ખરી પણ તેનાં લગ્ન માટે તેના સમકક્ષ કે તેનાથી ચઢિયાતો કોઇ છોકરો ન્યાતમાં જડતો  ન હતો. જો કે લગ્ન બાબતે કેતકીએ હમણાં સુધી કંઇ વિચાર્યું  ન હતું, પરંતુ તેનાં મા બાપે સમાજમાં ખૂબ તપાસ કરાવેલી. બંને ખૂબ નિરાશ હતાં. વળી  કેતકી લગ્ન બાબતે કંઇ સ્પષ્ટ કહેતી ન હતી એટલે દીકરીના ભવિષ્યની ચિંતા થતી હતી. તેના પિતાજીને થતું હતું કે છોકરી  ક્યાંક પરન્યાતમાં લગ્ન કરશે તો સમાજમાં  નાક કપાશે. હવે તેમને પોતાની ભૂલ સમજાતી હતી, પણ એક હોંશિયાર છોકરીના ઉજ્જ્વળ ભવિષ્યને કેવી રીતે બરબાદ થઇ જવા દેવાય ?? આમ તેના પિતાજી તેના લગ્ન બાબતે  મોટી અવઢવમાં હતા. અને એક દિવસ કેતકીએ તેનાં મા બાપને કહ્યું,

” બાપુજી, તમે અને મમ્મીએ મારા માટે  ઘણા મૂરતિયા જોયા નહિ? પણ તમને એકે ય મારા માટે  યોગ્ય ન લાગ્યો ખરું ને ? પણ બાપુજી તમે તો મારા સમકક્ષ કે મારાથી ચઢિયાતો હોય એવો છોકરો જ શોધતા હતા શા માટે ? ”

” હાસ્તો બેટા,  તું ડોક્ટર હોય ને તારો પતિ સામાન્ય માણસ હોય એ તો કેમ ચાલે ?”  તેની મમ્મીએ કહ્યું.

” ના મમ્મી ત્યાં જ તારી ભૂલ થાય છે, ડોક્ટર છોકરીને માટે ડોક્ટર છોકરો જ મળે એવું કાયમ બનતું નથી, મેં એક છોકરો પસંદ કર્યો છે ને તમને જાણીને આનંદ થશે કે તે આપણી જ્ઞાતિનો જ  છે ને બેંકમાં નોકરી કરે છે ને મારા માટે  બધી રીતે યોગ્ય છે. પતિ તેની પત્ની કરતાં ચઢિયાતો કે સમકક્ષ જ હોવો જોઇએ એવું જરૂરી નથી. કદાચ મારાથી ઓછું કમાતો હોય કે ઓછો દરજ્જો ધરાવનારો પુરુષ મારા કરતાં વધારે બુધ્ધિશાળી હોઇ શકે છે. પતિ પત્ની એકબીજાને સાચી રીતે ઓળખીને જીવે તો એમને કાંઇ જ નડતું નથી. મેં  એમની સાથી આ બાબતે નિખાલસ ચર્ચા કરી છે એટલે તમે આપણા  ગોર મહારાજને ફોન કરીને સગાઇનું મૂરત જોવડાવવા બોલાવીએ જ લો..”

કેતકીનો નિર્ણય સાંભળી  તેનાં મા બાપ ખુશ ખુશાલ થઇ ગયાં. તેમના માથેથી  જાણે પહાડ જેટલો ભાર ઓછો થઇ ગયો…

  • અનંત પટેલ

anat e1526386679192

Share This Article