કોઠાસૂઝ
દીકરીને રંગે ચંગેપરણાવી દીધા પછી ય હાશકારો અનુભવવાના બદલે જયંતીલાલ એક મૂંઝવણને લીધે થોડા ઘણા બેચેન રહેતા હતા. એમની મૂઝવણનું મુખ્ય કારણ એમનાં પત્ની હતાં. સ્મિતાની એમનાં પત્નીને એટલી બધી ચિંતા રહેતી કે જયંતિલાલને થતું કે દીકરીને સાસરામાં શાંતિથી રહેવા દે તો સારું. મમ્મીને દીકરીના ખબર અંતર પૂછવાનું મન તો થવાનું જ ને, એટલે એ એને ફોન કર્યા વગર રહેવાની નહિ,
‘‘વહુને એની મમ્મી દરરોજ કે આંતરે દા’ડે ફોન કર્યા કરે એ કઇ સાસુને ગમવાનું?”
આ વિચાર આવતાં જયંતિલાલ ખુબ ચિંતિત થઇ જતા હતા. અત્યાર સુધીના લગ્ન જીવનમાં એ પત્નીના સ્વભાવને સારી રીતે ઓળખી ચુકેલા હતા એટલે દીકરીના સાસરે દીકરીની ખબર પૂછવા ફોન નહી કરવા માટે પણ તે પત્નીને ભારપૂર્વક કહેતાં અચકાતા હતા.
છેવટે તેમણે ભગવાન જે કરશે તે સારું કરશે તેમ રાખીને મનને મનાવ્યું. મહિનો માસ પછી દીકરી અને જમાઇ તેમને મળવા આવી ગયા. સ્મિતા ખુબ ખુશ જણાતી હતી એને જોઇને જયંતિલાલને થયુ કે દીકરીને સાસરામાં સારું ગોઠી ગયું છે. . દીકરી-જમાઇના ગયા પછી તેમણે રાત્રે પત્ની સાથે વાત કરતાં કહ્યું,
‘‘ સાંભળો છો, તમે સ્મિતાની ચિંતા નાહકની કરતાં’તાં, મને લાગે છે કે સ્મિતાને સાસરીએ કાંઇ જ વાંધો આવશે નહિ !! ’’
“ તે એમ જ હોય ને! દીકરી કોની છે ?”
આટલુ બોલી તેમનાં પત્ની જયંતિલાલ સામે જોઇ રહ્યાં. જયંતિલાલે પણ પત્ની સામે જોયું…… પત્નીનો ચહેરો ખુશખુશાલ જણાયો.
‘‘ હા ભાઇ હા, તારી છોકરીમાં શું ખામી હોય ?”
આમ કહી જયંતિલાલ થોડુ અટક્યા ને પછી બોલ્યા,
‘‘પણ તુ સ્મિતાને ફોન તો નથી કર્યા કરતી ને, મને હારી એની ચિંતા થતી હતી, કારણ કે તને રહેવાય નહીં ને તું ખબર પૂછવા ફોન કરે અને પેલા વેવાણ ને એ ના ગમે તો?’’
“ તે શું તમે અમને ભોટ સમજો છો ? જોકે ફોન તો મે કરેલા જ હોં …..
“ હૈ ? શું કો’છો ? ફરીથી કો,તમે કોને ફોન કરતાં’તાં?
જયંતિલાલ અધવચ્ચે જ કૂદી પડ્યા.
“ હાસ્તો પણ હું સ્મિતાને ફોન નો’તી કરતી…..
“ તો તુ કોને જમાઇને ફોન કરતી હતી ? અલ્યા તું તો નવા પ્રશ્નો ઊભા ના કરતી ભાઇ… “
જયંતિલાલ ચિંતિત સ્તરે બબડ્યા.
“ ના ના એવું કાંઇ થવા નથી દીધુ ,હું તો સીધો વેવાણ ને જ ફોન કરું છું ને પહેલાં એમના ખબર-અંતર પૂછું છું અને પછી મારા વેવાણ જ સ્મિતાને ફોન આપે અને કહે લ્યો આ તમારી સ્મિતા સાથે પણ થોડી વાત કરી લો——!!!!!
’’હમ્મ,તો તો ભાઇ તું ભારે હોશિયાર નીકળી હો… તારી આ રીત મને બહુ ગમી , દીકરીની ખબરેય પુછાઇ જાય અને વેવાણ ને માઠુંય ના લાગે “
જયંતિલાલે હાશકારો અનુભવ્યો. સ્ત્રીઓમાં જબરજસ્ત કોઠાસૂઝ રહેલી હોય છે, એનો જો એ યોગ્ય રીતે ઉપયોગ કરે તો ખૂબ સુંદર પરિણામ લાવી શકે છે. અહીયાં જો સ્મિતાની મમ્મીએ સાસરે ગયેલી દીકરીને એના જ મોબાઇલ ઉપર વધારે વાતો કરવાનું રાખ્યું હોતતો સ્વાભાવિક છે એ એના સાસુને ન જ ગમ્યું હોત , પરંતુ તેમણે દીકરીના બદલે વેવાણ ને પ્રધાન્ય આપ્યું એ એમનું ઉત્તમ પગલું કહેવાય………….
– અનંત પટેલ