શામજી કાકા આજે ફરી પાછા એમની વીતી ગયેલી જીંદગીનાં પાનાં ઉથલાવતા હતા. છેલ્લા ત્રણેક વર્ષથી એ મનથી ખૂબ જ ભાંગી ગયા હતા. એમનાં પત્ની જમના કાકી ત્રણેક વર્ષ પહેલાં કેન્સર ની બિમારીને કારણે મૃત્યુ પામ્યાં હતાં. બબ્બે દીકરા હોવા છતાં જમના કાકીના ગયા પછી શામજીકાકા ખૂબ જ એકલા પડી ગયા હતા. દીકરા કામ ધંધે જાય અને વહુઓ ઘરની કામગીરીમાં વ્યસ્ત રહે. જમનાકાકી હતાં ત્યાં સુધી તો શામજી કાકાને કોઇ પ્રશ્ન ન હતો પરંતુ એમના ગયા પછી પત્ની જેટલું ધ્યાન કોઇ રાખતું ન જ હતું… પહેલાં તો કાકી હતાં ત્યારે તો એ બન્ને જણનો સમય પણ જતો રહેતો, પણ હવે એમનું સાંભળવાની કોઇને ફુરસદ ન હતી. જો કે દીકરા અને વહુ સાવ કંઇ નગુણાં તો ન હતાં પણ તો ય શામજી કાકાને બહુ ઓછું આવતું હતું.
પડોશી તરીકે એ જ્યારે એકલા હોય ત્યારે બાજુમાં રહેતો મનુ એમની પાસે બેસવા જતો, તો એ ઘણી વખત જમનાકાકીને યાદ કરીને નાના બાળકની જેમ રડવા લાગતા. જમનાકાકી સાથે યુવાનીમાં તેમણે જે ખરાબ વ્યવહાર અને અત્યાચાર કરેલ એ સંભારી સંભારીને ભગવાન પાસે એ પોતે ય મૃત્યુની ભીખ માગતા હતા….
એમની યુવાનીની વાત કંઇક આવી હતી. લગ્ન પછીના થોડાક સમયમાં એમની પડોશમાં નવા રહેવા આવેલ એક કુટુંબની યુવતી સાથે શામજીકાકાને આડો સંબંધ બંધાઇ ગયો હતો. ને એની જમનાકાકીને ખબર પડી જવાથી એમના ઘરમાં રોજ રાત્રે કંકાસ થતો. શામજી કાકા જમનાકાકીને ગમે તેવી ગાળો અને અપશબ્દો પણ બોલતા, જે હાથમાં આવે તેના વડે એ કાકીને ફટકારવાનુંય ચૂકતા નહિ.. આમએ એમના પર અવાર નવાર હાથ ઉપાડતા, કાકી બિચારાં આ બધી પીડા સહન કરે જ જતાં….. વળી આ ય ઓછું હોય એમ એ પાછા જમના કાકીને ઘર ચલાવવા માટે પૂરતા પૈસા પણ ન આપે અને જે આપે એમાં જ ઘર ચલાવવાનો આગ્રહ રાખતા.. જમના કાકી તો ફાટ્યાં તૂટ્યાં કપડાં પહેરતાં, ખૂબ જ કરકસર કરતાં ને છોકરાં ને ભણવા મોકલતાં. પતિનો આટલો બધો ત્રાસ હતો તે છતાં તેમને તેમના ભગવાન પર ખૂબ જ શ્રધ્ધા હતી. એમને એમ જ હતું કે એમનો ભગવાન તો એક દિવસ જરૂર એમની સામે જોશે જ ને એમના પતિને સદબુધ્ધિ આપશે જ.. એમના પિયરમાંથી જો કોઇ મળવા આવે તો એને ય શામજી કાકા બરાબર બોલે નહિ ને જો કોઇ એમને સમજાવવા જાય તો ઉલ્ટાના એ જમના કાકીનોકંઇને કંઇ વાંક કાઢતા.. સમયની સાથે ધીમે ધીમે છોકરાં મોટાં થઇ ગયાં .. છોકરીઓને શામજીકાકાએ જેમ તેમ પરણાવી દીધી ને છોકરાઓને પણ ખાનગી નોકરી ધંધે લગાડ્યા હતા.બાપની બેદરકારી અને ઘરના કાયમી કંકાસને કારણે છોકરા ય ખાસ કંઇ ભણી શક્યા નહિ.. પાછલી ઉંમરે શામજીકાકાને જમના કાકીની હયાતિમાં જ એમણે પોતે જીવનમાં કરેલી ભૂલોનો પસ્તાવો થવા માંડ્યો હતો.. પણ ત્યારે તો એમાં ઘણું મોડું થઇ ગયું હતું . જમનાકાકીને કેન્સરનું નિદાન થયા પછી તો કાકા સાવ ભાંગી જ પડેલા !!!!
કેન્સરનું સાંભળીને સારા-સારા ડૉક્ટરો પાસે એમને એ લઇ ગયા અને છેલ્લે છેલ્લે એવી સ્થિતિમાં ય એમને હરિદ્વારની જાત્રા પણ કરાવી આવેલા એમ કરીને એ એમની ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા. પણ બસ … તે પછી એકાદ માસમાં જ જમનાકાકી અવસાન પામ્યાં. શામજીકાકા સાવ પડી ભાંગ્યા, આજે ય એ એમની જમનાને ખૂબસંભાળે છે, નેરાત્રે ઉંઘમાં ય બબડ્યાં કરે છે ,
“ જમના તેં મને માફ કર્યો કે નહિ ? મેં તને બહુ ત્રાસ આપ્યો છે…… હું તારો ગુન્હેગાર છું ’’
અને એક સાંજે પડોશમાં રહેતા મનુને બોલાવીને એમણે શું કહ્યું ખબર છે ? એ કહેતા હતા,
‘‘ભઇ, કાલે રાત્રે તો તારા કાકી મારા સપનામાં આવ્યાં હતાં અને મને કહે કે મેં તો તમને ક્યારના ય માફ કરી દીધા છે, તમે પુરુષ થઇને શું કામ રડો છો ?તમે કશો ય રઘવા કરશો નહિ, તમે મન ખાટુ કરશો નહિ ને ભગવાનનું નામ લેવાનું રાખો હોં….હૌ હારાવાનાં થશે ’’
તે પછી થોડા જ દિવસમાં શામજીકાકા પણ જમનાકાકીની માફી માગવા માટે ભગવાનના દરબારમાં પહોંચી ગયા.
મનુષ્યને જુવાનીમાં કરેલાં ખરાબ કર્મ ઘડપણમાં ખૂબ જ સતાવતાં હોય છે. જો કે શામજીકાકાને મૃત્યુ પહેલાં જમનાકાકીએ સપનામાં આવીને તેમને માફ કરી દીધા છે એવો જે અહેસાસ થયેલો તેને કારણે કદાચ એમનું મોત સુધરી ગયેલું…