રંજન તેના પતિ સાથે ઝઘડીને આવી હતી. તેનો પતિ એક અઠવાડિયા સુધી દરરોજ ઓફિસેથી મોડો આવ્યો તે અંગે તેણે સ્પષ્ટતા માગતાં તેનો પતિ સમીર સંતોષજનક ખુલાસો ન કરી શકતાં રંજને તેની સાથે ઝઘડો કર્યો. તેના પર ગમે તેવા આક્ષેપો મોકી તે રિસાઇને તેના પિયર ચાલી આવી હતી. હજી એમના લગ્નને છ આઠ મહિના જ થયા હતા. તાજા પરણેલા દંપતિઓમાં પ્રેમનું આકર્ષણ જબરદસ્ત હોય છે. અને એ ક્ષણો પણ એટલી જ નાજુક હોય છે કે એમાં સહેજે ક શંકા જન્મી તો ખેલ ખલાસ !!! જો કે પરિપક્વ થયા પછી તેમને તેમની પોતાની અધીરાઇ કે ઉતાવળ કે ભૂલો સમજાતી હોય છે જ.
રંજન તેની મમ્મીને ભેટીને ધ્રુસ્કે ધૃસ્કે રડી પડી. રંજન માટે તેની મમ્મી જ સર્વસ્વ હતી. તેના પપ્પા ઘરની કોઇ જ વાતમાં રસ લેતા નહિ. રંજન નાની હતી ત્યારે ય તેણે તેનાં મમ્મી પપ્પાના ઝઘડા જોયા હતા. તેના પપ્પા કંઇ કમાતા નહિ. આખો દિવસ પારકી પંચાત કૂટ્યા કરતા. તેની મમ્મી શિક્ષિકા હતી એટલે તેમનું ઘર ચાલતું. નહિતર તેમને ખાવાના ય ફાંફા પડ્યા હોત… રંજનના પપ્પા સાવ આળસુ હતા. ઘરની કોઇ જ જવાબદારી ઉપાડતા નહિ. ઉલ્ટાનું રંજનની મમ્મી પર ક્યારેક હાથ પણ ઉપાડતા. રંજનની મમ્મી આ બધું સહી લેતી. રંજનની મમ્મીને તેમના પતિનું દુ:ખ તો હતું જ તેમાં વળી રંજન સાસરેથી રિસાઇને ઘેર આવતાં દુ:ખમાં ઉમેરો થયો. આમ છતાં તેમણે રાત્રે રંજનને પાસે બેસાડીને સમજાવી.
” બેટા રંજન, તું આવી રીતે સમીરકુમાર સાથે ઝઘડો કરીને ચાલી આવી તે બરાબર નથી કર્યુ. તું મારું જીવન પણ ભૂલી ગઇ ? તેં તારી મમ્મીના જીવનમાંથી ય કંઇક બોધ લીધો હોત તો તું આવું પગલું ન ભરત…!!! તારા પપ્પાએ મને જીવનમાંશું સુખ આપ્યું છે ? છતાં ય હું એમની સાથે જીવન વીતાવી રહી છું, ને સમીરકુમાર બે ચાર દિવસ ઓફિસેથી મોડા આવ્યા એમાં તું ઝઘડીને ચાલી આવી એ તારી ભૂલ છે.. તેં જો પ્રેમથી, શાંતિથી એમને પૂછ્યું હોત તો એ તારાથી કંઇ જ છાનું ન રાખત , પણ તેં તો શંકાશીલ બનીને જ પ્રશ્નોનો મારો કર્યો હતો. પછી એ તને શું કામ ખુલાસો કરે ? પુરુષનો સ્વભાવ જ એવો છે, પત્ની જો પ્રેમથી પૂછશે તો એ બધું જ કહી દેશે, પરંતુ જો જોહૂકમી કરતી હોય એ રીતે ખુલાસો માગશે તો એ કંઇ જ નહિ કહે, ને ઉલ્ટુ વાતને આડે પાટે ચડાવશે, માટે તું તારી ભૂલ સુધારી લે ને ચાલ કાલે સવારે હું જ તને મૂકવા આવું …”
રંજન મમ્મીના શબ્દો સાંભળીને પોતાની ભૂલ પર પસ્તાવો કરવા લાગી. તેને સમીર સાથેનો ઝઘડો યાદ આવ્યો. તેણે સમીર પર કોઇ બીજી યુવતી સાથે રખડવા જવાનો આક્ષેપ મૂકીને કરલા શબ્દ પ્રહારો યાદ અવ્યા.
સવારે તે અને તેને મમ્મી સાથે જવા નીકળ્યાં ત્યારે સમીર સામેથી તેને તેડવા જ આવી પહોંચ્યો !!!! આ જોઇ રંજન અને તેની મમ્મી પ્રસન્ન થઇ ઉઠ્યાં. રંજન સમીર પાસે જઇને રડવા લાગી. સમીરે તેને સમજાવીને શાંત કરી. રંજનનાં મમ્મી આ દીકરી અને જમાઇનું મિલન ક્યાંય સુધી મનોમન માણતાં જ રહ્યાં…
- અનંત પટેલ