આવું તો ક્યારે ય ન કરાય
કેટલાય દિવસોથી એક વડીલ હું સવારે મંદીરે જતો હોઉ ત્યારે રસ્તામાં સામા મળતા અને નજીક આવે ત્યારે તેમનો ચહેરો બોલું બોલું થઇ જતો, પણ તે કશું બોલ્યા વિના જતા રહેતા. તેમનો આવો ભાવ જોતાં એક દિવસ મેં જ પહેલ કરી તેમને
“ જયશ્રી ક્રૃષ્ણ “
કહ્યું ને મંદીર સુધી તેમની સાથે ચાલતાં ચલતાં તેમનો વધારે પરિચય થયો. તેઓ અમારી સોસાયટીમાં બે ત્રણ મહિનાથી જ રહેવા આવ્યા હતા, તેમનું મકાન સોસાયટીના છેડા પર હતું. મારો મંદીર જવાનો રસ્તો પણ ત્યાં થઇને જ પસાર થતો.હું રોજ સવારે જો મંદીર જવામાં લેટ પડું તો એ વડીલ એમના ઘરે ઓટલા ઉપર ખુરશીમાં બેઠા બેઠા છાપું વાંચતા હોય. હું હાથ ઉંચો કરું તો એ પણ મલકાઇને હાથ ઉંચો કરે પણ નવાઇની વાત એવી કે એમને એમના ઘેર આવવાનુ ન કહે ! મને આ થોડું વિચિત્ર લાગતું .
ઘણા દિવસો વીતતા રહ્યા. તે પોતે નિવ્રુત્ત સરકારી અધિકારી હતા, સ્વભાવ પણ સારો હતો પરંતુ હું તેમના ઘર આગળથી પસાર થાઉં ત્યારે ય એ મને જરા
“આવવું નથી ? આવો ને ? “
આવું પણ ન બોલતા એટલે મને થોડી નવાઇ થતી. જો કે મને એમના ઘેર જઇને બેસવાની કંઇ એટલી બધી ઉતાવળ કે તાલાવેલી પણ ન હતી, પરંતુ આતો મનમાં થાય કે શું માણસ આટલો નાનો વિવેક પણ ન કરી શકે ? જો કે મેં તો એમને રજાના દિવસે મારા ઘરે આવવા જણાવેલું જ હતું અને મારું વિઝિટિંગ કાર્ડ પણ તેમને આપ્યું હતું.
ઘરે બોલાવવાની પહેલ કરવાના ભાગરૂપે એક દિવસ હું એમને તાણ કરીને મારા ઘેર લઇ આવ્યો અને મારી પુત્રવધૂએ એમને પ્રેમથી ચા-પાણી કરાવ્યાં. મારા ઘેરથી પરત ફરતાંય એમણે મને તેમના ઘેર આવવાનું પણ ના કહ્યું ત્યારે તો મને ભારે નવાઇ થઇ.બે ચાર દિવસ બાદ એમના બોલાવ્યા વગર હું જાણી જોઇને એમના ઘેર જઇ ચઢ્યો, મને આવેલો જાણી એ ખુશ તો થયા પણ પછી એમનો ચહેરો મ્લાન થઇ ગયો ને એ બોલી ઉઠ્યા,
“ લ્યો ચાલો ત્યારે, મારે ય મંદીરે જ જવું છે તો પહેલાં આપણે મંદીર જઇ આવીએ—“
અમે બન્ને બહાર નીકળ્યા. રસ્તામાં તેમણે મને કહ્યું,
“ તમને નવાઇ થતી હશે કે હું તમને મારા ઘરમાં બેસાડવાને બદલે કેમ મંદીરે આવવા નીકળ્યો ? એનું કારણ એવુંછે ને”
-એમ કહી એ આજુ બાજુ જોઇને ધીમેથી બોલ્યા—
“ મારા દીકરાની વહુને હું મારા કોઇ મિત્રને ઘેર બોલાવું એ જરા પણ ગમતું નથી,એ મહેમાનની હાજરીમાં કશું ન બોલે પણ મહેમાનના ગયા પછી મહાભારત ખડું કરી દે છે…..”
…. એમની મૂઝવણનું સાચું કારણ જાણવા મળ્યું. એમની પુત્રવધૂની તોછડાઇ જોતાં એ વડીલ પ્રત્યે સહાનુભૂતિ પ્રગટી….મને થાય છે કે જો કોઇ પુત્રવધુ ભૂલથી ય આવું વર્તન કરતી હોય તો એને તેવું ન જ કરવું જોઇએ…… શું લાગે છે તમને ?
-અનંત પટેલ